સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આનંદશંકર ધ્રુવ/ચારિત્ર્ય એટલે શું?
‘ચારિત્રય’નો અર્થ માત્રા સ્ત્રી-પુરુષોના વ્યવહારમાં પવિત્રાતા, એટલો જ થતો નથી. ‘ચારિત્રય’ શબ્દનો અર્થ ઘણો વિપુલ છે. ‘ચારિત્રય’ એટલે જીવનની ભાવનાઓ સિદ્ધ કરવાના સંકલ્પની દૃઢતા, સ્થિરતા, બળ. ચારિત્રય એ અનેક સદ્ગુણોમાંનો એક નથી, પણ સદ્ગુણી જીવનનો પાયો છે. ચારિત્રય એ આપણા જીવનના તારમાં વીજળીનો પ્રવાહ પૂરો પાડનાર વીજળીનું ઉત્પાદક યંત્રા છે. એ વિદ્યુતગૃહ દરેક બાલક અને બાલિકાના હૃદયમાં સ્થાપવાનું કામ શિક્ષકોનું છે. ચારિત્રય ઘડવાનો ઉત્તમ માર્ગ ચારિત્રયદર્શનના પ્રસંગો રચવા એ છે. આ પ્રસંગો રમતગમતમાં, વિદ્યાર્થીઓના વાદવિવાદના મેળાવડામાં, લાઇબ્રેરીમાં, ક્લાસમાં, પરીક્ષાના હૉલમાં — એમ અનેક સ્થળે મળી શકે છે. અહીં સતત એકધારી વર્તણૂકથી છોકરાંઓની ટેવો બાંધવાનો યત્ન કરવાનો છે — કે જે ટેવ વિષમ પ્રસંગોએ એની મેળે જ તેમને સન્માર્ગે રાખે. સંકલ્પબળ ગમે તેટલું હોય, પણ ઊંધી બુદ્ધિને એ એંજીન જોડવાથી ટ્રેન અવળે રસ્તે જ જવાની. તે માટે સમતોલ બુદ્ધિશક્તિ કેળવવી જોઈએ — જે રાગદ્વેષને વશ ન થાય, હવાના ઝપાટાથી આમ કે તેમ વળી ન જાય. આ એક કીમતી ગુણ છે, અને તે એકદમ પૂર્ણરૂપમાં આવી જતો નથી પણ ધીમે ધીમે વિકસાવી શકાય છે.
હવે એક વ્યાપક પ્રશ્ન ઉપર આવું : શિક્ષિત જન કોને કહેવો? અનેક વિષય ઉપર થોડી થોડી હકીકત જેણે પોતાના મગજમાં એકઠી કરી હોય, એ ‘સુશિક્ષિત’ ન કહેવાય. હાલના જમાનામાં આવી હકીકત બહુ કામની છે, પણ એમાં સઘળી કેળવણી આવી જતી નથી. સુશિક્ષિતજન એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણ કોણ? એ શબ્દનો જીવંત અર્થ મરી ગયો, તે પહેલાં એનો અર્થ ‘બૃહત્’ યાને દિન પર દિન વૃદ્ધિ પામતા વિશાળ મનનો માણસ, એવો થતો. ‘બ્રાહ્મણ’થી ઊલટો શબ્દ ‘બૃહદારણ્યક ઉપનિષદ’માં ‘કૃપણ’ કહ્યો છે. ‘કૃપણ’ એટલે સાંકડો. ‘બ્રાહ્મણ’ શબ્દના અર્થમાં કેટલા ગુણો સમાયેલા છે, એ બુદ્ધ ભગવાને આ પ્રમાણે બતાવ્યા છે : ‘બ્રાહ્મણ’ એટલે કે શિક્ષિતજન એ કે (૧) જેનું શરીર સુંદર હોય (આમાં શારીરિક કસરત વગેરેની આવશ્યકતા આવી); (૨) જે સુચારિત્રયવાન માતાપિતાને ત્યાં જન્મ્યો હોય (આમાં ઘરનું વાતાવરણ આવ્યું); (૩) જે બહુશ્રુત વિદ્વાન હોય; (૪) જે પ્રજ્ઞાવાન (પરિપક્વ બુદ્ધિવાળો) હોય, અને (૫) જે શીલવાન (સારા ચારિત્રયવાળો) હોય. [‘આનંદશંકર ધ્રુવ લેખસંચય’ પુસ્તક]