સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/કાવ્ય-રત્નો
Jump to navigation
Jump to search
કેટલાક કવિઓ એકાદ કાવ્ય-રત્નથી પ્રજાહૃદયમાં સ્થાન પામે છે. આપણા જમાનામાં શ્રી હરિહર ભટ્ટ, જેઓ ખગોળવિષયક સંશોધનમાં મશગૂલ રહ્યા, તે ‘એક જ દે ચિનગારી’ એ ભક્તિગીતથી જાણીતા છે. જૂના ભક્તકવિઓમાંથી પ્રીતમનું ‘હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને’ એ એક ગીત જ એમને આપણા ઉત્તમ ભક્તકવિઓની હરોળમાં મૂકવા માટે બસ છે. ‘ઉપનિષદ’ અને ‘ગીતા’નો ચાર દસકાથી ઊંડો અભ્યાસ કરતા ઑક્સફર્ડના સ્પેનિશ વિદ્વાન હ્વાન મસ્કરોને મન પ્રીતમનું આ ભજન દુનિયાનાં ભક્તિકાવ્યોમાંનું એક અણમોલ રત્ન છે. પ્રેમળદાસનું ‘હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે’ એ એક જ ભજન જાણીતું છે, પણ જીભે રમી રહે, હૃદયમાં ગુંજ્યા કરે એવું છે.