સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/ગુજરાત મોરી મોરી રે
ઉમાશંકર જોશી
મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે.
સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમરતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી
ગૂજરાત મોરી મોરી રે.
ગિરનારી ટૂકો ને ગઢ રે ઇડરિયા,
પાવાને ટોડલે મા’કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં.
ગૂજરાત મોરી મોરી રે.
આંખની અમીમીટ ઊમટે ચરોતરે;
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે!
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે
ગૂજરાત મોરી મોરી રે.
કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસ-શાં સુખડૂબ્યાં જોડલે
ગૂજરાત મોરી મોરી રે.
નર્મદની ગૂજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગૂજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી?
ગૂજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે.
૨૮-૧૧-૧૯૩૪
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૩૨)
ઉમાશંકર જોશી • ગુજરાત મોરી મોરી રે • સ્વરનિયોજન: અજિત શેઠ • સ્વર: નિરૂપમા શેઠ, અજિત શેઠ અને વૃંદ • આલ્બમ: ગીત અમે ગોત્યું ગોત્યું
ઉમાશંકર જોશી • ગુજરાત મોરી મોરી રે • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: શ્રુતિ વૃંદ • આલ્બમ: વિશ્વગુર્જરી