સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/ગૌરવ-પ્રફુલ્લિત યૌવન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          ૧૯૨૯ના જાન્યુઆરીમાં અમારી ગુજરાત કૉલેજની મોટી હડતાલ આવી. એવામાં જ આચાર્યશ્રી કૃપાલાની વિદ્યાપીઠમાંથી છૂટા થઈને મેરઠ આશ્રમમાં પાછા જવાના હતા. અમને વિદ્યાર્થીઓને દોરવણી આપવા એમને થોડો વખત રોકાઈ જવા ગાંધીજીએ કહ્યું. કૃપાલાનીજીની એ વખતની કામગીરી પયગંબરી આવેશવાળી હતી. કૉલેજના વિદ્યાર્થીઓ ઉપર એમની અજબ ભૂરકી હતી. નદીની રેતમાં રોજ સાંજે ભાષણો થતાં. આચાર્ય આવે, વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ વંટોળિયા પાછળ ઘસડાતાં આવતાં હોય એમ ધસ્યાં આવે. એક સાંજનું ભાષણ મને બરોબર યાદ છે. આચાર્ય કહે : “આઇ એમ એ કિંગ.” — હું રાજા છું. અને અર્ધું ચક્કર ફરી લીધું. બાબરી ઊછળી. વીંટળાઈને બેઠેલ અમારી સૌની તરફ હાથ કરી આગળ ચલાવ્યું : “માય કિંગ્ડમ ઇઝ ઇન યૉર હાર્ટ્સ.” — મારું રાજ્ય છે તમારા સૌનાં હૃદયમાં. એ જમાનો જ જુદો હતો. આવા ઉદ્ગારો નર્યા સત્ય લાગતા. ત્યારે એવો જમાનો હતો જ્યારે યૌવન પૂર્ણ ગૌરવમાં પ્રફુલ્લિત થઈ શક્યું હતું. વર્ડ્ઝવર્થના શબ્દોમાં કહી શકાય કે — Bliss was it in that dawn to be alive, But to be young was very heaven! — તે પરોઢે જીવતા હોવું, પરમ આનંદ એ; હોવું પરંતુ જુવાન, તે તો સ્વર્ગસમ. રાષ્ટ્રપ્રેમના — નવીનતર અભીપ્સાઓના મહાતરંગ ઉપર અમે ઊંચકાયેલા હતા. ભારતના ભવ્ય ભાગ્યવિધાનમાં આંતરિક રીતે સંકળાયેલા હોવાનું ભાન હતું.