સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/મૈથિલીશરણ ગુપ્ત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          મૈથિલીશરણ ગુપ્ત અર્ધી સદીથી કાવ્યોપાસના કરતા રહ્યા છે. સરળ લોકગમ્ય કાવ્યવાણી રેલાવી એમણે દેશને ખૂણેખૂણે સામાન્ય જનતા સુધી ઉચ્ચ ભાવનાઓ પહોંચાડી છે. એક કવિ કેટલું કામ કરી શકે, એનો શ્રી ગુપ્તજીનું જીવન એ નમૂનો છે. દેશની આમજનતા સુધીના થરો સુધી સંસ્કૃતિપોષણ પહોંચાડનાર એવા કવિની સેવા એકાદ યુનિવર્સિટી જેટલી છે, એમ કહેવામાં ભાગ્યે જ અતિશયોક્તિ લેખાશે. ઋષિકવિની પરંપરા ગુપ્તજીમાં સજીવ રહેલી જોઈ શકાય છે. રાષ્ટ્રીય ઉત્થાનના કવિ તરીકે મૈથિલીશરણજીને યોગ્ય રીતે જ દેશે ‘રાષ્ટ્રકવિ’ તરીકે બિરદાવ્યા હતા. ખડી બોલીમાં સાહિત્ય રચીને મૈથિલીશરણજીએ ખડી બોલીની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા વધારવામાં ઘણો કીમતી ફાળો આપ્યો. એમની ‘પંચવટી’, ‘યશોધરા’, ‘સાકેત’ આદિ રચનાઓ હિંદી સાહિત્યમાં એમનું નામ યશોજ્જ્વલ રાખશે. રવીન્દ્રનાથે ‘કાવ્યેર ઉપેક્ષિતા’ નામના એમના લેખ દ્વારા સાહિત્યસૃષ્ટિની ઉપેક્ષિતા નારીઓ પ્રત્યે કવિઓનું ધ્યાન ખેંચ્યું હતું. મૈથિલીશરણ ગુપ્તનો કાવ્યની ઉપેક્ષિતાઓ પ્રત્યે અત્યધિક પક્ષપાત હતો. ઊર્મિલા, યશોધરા અને વિષ્ણુપ્રિયાના ચરિત્રાંકનમાં ગુપ્તજીની ઉપેક્ષિત નારીઓ પ્રત્યેની સહાનુભૂતિ ઘનીભૂત થતી ગઈ છે. ‘યશોધરા’માં કવિવાણીનો આર્ત નાદ સંભળાય છે : અબલાજીવન હાય તુમ્હારી યહી કહાની! આંચલ મેં હૈ દૂધ ઔર આંખોં મેં પાની. પોતે પરંપરાથી રામભક્ત હતા. ઋજુભાવથી કવિ કહે છે : રામ, તુમ્હારા ચરિત સ્વયં હી કાવ્ય હૈ, કોઈ કવિ બન જાય સહજ સંભાવ્ય હૈ. યુસુફ મહેરઅલી આપણા લાડીલા યુવકનેતા યુસુફ મહેરઅલીને લગતી બધી બાબતો પર યૌવનનો રંગ હતો. ચમકારા કરતી બુદ્ધિ, નખશિખ સંસ્કારિતા, વિશાળ વાચન અને પ્રવાસ, કચડાયેલા પ્રત્યે અદમ્ય સહાનુકંપા — મહેરઅલીના જોસ્સાભર્યા વ્યક્તિત્વમાં એક જાતની નમણી દીપ્તિ હતી. ભાગ્યે જ કોઈ રાજકીય નેતાને — ગાંધીજીને બાજુએ રાખતાં — મહેરઅલી જેટલા મિત્રો હશે. આ હિંદુ, આ મુસલમાન, એવો જેને મન સ્વપ્નમાં પણ ભેદ ઉદ્ભવતો નથી એવા, આંગળીને વેઢે ગણાય એવા સજ્જનોમાંના એક મહેરઅલી હતા. મહેરઅલી જેવા વાચનરસિયા સજ્જનો બહુ જૂજ જોવા મળશે; વાચનને વ્યક્તિત્વની સુવાસ સમૃદ્ધ બનાવવામાં કેમ યોજવું, એ કળામાં મહેરઅલી પાવરધા હતા. દેશની સ્વાતંત્ર્ય-લડતમાં હંમેશાં એ મોખરે હતા. ૧૯૪૨ની જેલયાત્રામાં એમને હૃદયરોગ મળ્યો, જેણે અંતે એમના પ્રાણ લીધા. ૪૪ વરસની ઉંમરે એમનું અવસાન થયું. જુવાનોના લાડીલા મહેરઅલીનું સાચું સ્મારક તો ખુલ્લા અને ગુલાબી સ્વભાવના નવજુવાનોની સંસ્કારિતામાં જ શોધવું રહે.

રમણ મહર્ષિ અર્વાચીન હિંદની એક મહાન વિભૂતિ શ્રી રમણ મહર્ષિએ ૧૬ વરસની ઉંમરે ઘેરથી નીકળી જઈ અરુણાચલમ્ ગિરિ પર સાધના કરી, અને પછીથી ત્યાં જ એમનો આશ્રમ થયો. અર્વાચીન હિંદના ઇતિહાસમાં રામકૃષ્ણ પરમહંસ અને રમણ મહર્ષિ, એ બે નામો સહેજ જુદાં તરી આવે છે. ટાગોર, ગાંધીજી, શ્રી અરવિંદ જેવા મહાજનોની સાધનાના કેન્દ્રમાં ભારતવર્ષની હજારો વરસની વિશિષ્ટ ધર્મચર્યાનો પ્રભાવ જરૂર છે, તેમ છતાં યુરોપીય જીવનરીતિના ઉત્તમ અંશો પણ એમણે એવા પચાવેલા છે કે તે સિવાયનું એમનું વ્યક્તિત્વ કલ્પી શકવું પણ મુશ્કેલ છે. શ્રી રામકૃષ્ણ અને શ્રી રમણ એ બે કેવળ ભારતવર્ષીય જીવનરીતિનાં ફળ છે. સામાન્ય રીતે જેને કેળવણી કહીએ છીએ તે પણ બંનેએ એટલી નહીંવત્ લીધેલી છે કે બંનેને ચમત્કારરૂપ ગણવા પડે.

રમણલાલ વ. દેસાઈ આપણા યુગમાં લોકહૃદયને કોઈ સાહિત્યકારો વધુ ને વધુ સ્પર્શી શક્યા હોય તો તે મેઘાણી અને રમણલાલ દેસાઈ. લખાણને સાહિત્યની કક્ષાએ રાખીને સાથે સાથે લોકભોગ્ય-લોકપ્રિય પણ બનાવવું, એની ફાવટ બંનેને સહજ હતી. ભાવિ મહાન સાહિત્યકારોને વધાવવાની પ્રજાની શક્તિને એમણે ખૂબ પરિતોષી છે. એમની સ્વચ્છ, સુઘડ, સંસ્કારી કથાઓ દ્વારા રમણલાલે ગુજરાતનાં બે અક્ષર ભણેલાં સ્ત્રીપુરુષોના કેવડા વિશાળ વર્ગને સંસ્કારિતાનું પાન કરાવ્યું છે! એમની પાસે ન મળે કોઈ જીવન-ફિલસૂફીનો ધજાગરો. એમણે તો ચૂપચાપ પોતાની સૌમ્ય મધુર વાર્તાઓ આપ્યે રાખી, પ્રજા એ પચાવ્યે ગઈ. એણે એ કથાઓનાં તરુણ નાયક— નાયિકાઓના સ્નેહસભર દાંપત્યની મધુરતા મબલક માણી. પરસ્પર આસ્થાવાળાં નવપરિણીત યુગલોનું રસજીવન એ સંસારનું, જગતસમસ્તને માધુર્યથી રસી દેનારું, કેવું એક સ્વર્ગીય પુષ્પ છે — એ પરમ આશ્ચર્ય જોઈ રમણલાલની આંખ સદા અમીથી છલકાઈ છે. ગાંધીયુગની નવલકથા આ જેલમાં ન જનાર, ખાદી ન પહેરનાર ગાયકવાડી અમલદારે આપી છે! રાષ્ટ્રીય આંદોલનોમાં એમનું નવલસાહિત્ય એક અગત્યના અર્પણરૂપ બની રહ્યું. એક આખો દસકો એમણે અપૂર્વ લોકપ્રિયતા ભોગવી હતી — અને તે કયો દસકો? જે દસકામાં શરદબાબુની નવલકથાઓ આપણા સિદ્ધહસ્ત લેખકોને હાથે ગુજરાતીમાં અવતારાઈ હતી, તેમાં ગુજરાતનાં યુવાન-પ્રૌઢ-સ્ત્રીપુરુષ સર્વ વર્ગોમાં શ્રી રમણલાલ દેસાઈની કલમે પોતાની અપૂર્વ મોહિની ફેલાવી હતી. ગો. મા. ત્રા., મુનશી અને રમણલાલ પછી ગુજરાતના હૃદય ઉપર જેની પ્રતિભાની સ્પષ્ટ મુદ્રા પડી હોય એ નવલકથાકાર કાલક્રમે ચોથું સ્થાન સંભાળશે.

રામદાસ ગુલાટી વલ્લભવિદ્યાનગરની એન્જિનિયરિંગ કૉલેજના ઉપાચાર્ય રામદાસ ગુલાટી, પહેલાં જે વાયવ્ય સરહદ પ્રાંત કહેવાતો તેના વતની. પિતા લશ્કરમાં શિક્ષક હતા. રામદાસે સિવિલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા લીધો. ૧૯૧૫ લગભગ, મિલિટરીમાં રૂ. ૩૦ની સબ-ઓવરસિયરની નોકરીમાં દાખલ થયા. પહેલા વિશ્વયુદ્ધમાં સારું કામ કર્યું હશે. ૧૯૧૯માં વધુ અભ્યાસ માટે ઇંગ્લંડ ગયા. માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં બી.એસસી. (એન્જિનિયરિંગ) ઓનર્સમાં પાસ થઈ, પાછા આવી, બનારસ હિંદુ યુનિવર્સિટીમાં લેક્ચરર નિમાયા. ૧૯૨૪માં સક્કર બરાજના કામ પર જોડાયા. ૧૯૩૦ સુધી કામ કર્યું. ત્યાર પછી વૈરાગ્ય આવ્યો. નોકરીનું રાજીનામું આપ્યું. લોનાવલા યોગ— આશ્રમમાં ત્રાણેક વરસ રહ્યા પછી ગાંધીજી પાસે સેવાગ્રામ જઈ બેઠા. શરૂઆતમાં સાળ-રેંટિયા વગેરે ઉપર દોઢેક વરસ કામ કર્યું. ફૈઝપુર કૉંગ્રેસ અધિવેશનમાં ઇજનેર તરીકેનું કામ રામદાસ ગુલાટીને સોંપાયું. સ્વરાજ મળતાં સુધી કૉંગ્રેસ અધિવેશનોનાં નગરવિધાન એમણે કર્યાં. આ બધો વખત પોતાની ખોરાકી ખર્ચના રૂ. ૩૦-૩૫ એ સામેથી આપતા. સ્વરાજ મળ્યા પછી દિલ્હીમાં હરિજન આશ્રમમાં શ્રી ઠક્કરબાપા પાસે જઈને એ રહ્યા. ૧૯૪૮માં વલ્લભવિદ્યાનગરમાં એન્જિનિયરિંગ કૉલેજનો આરંભ થયો. ઠક્કરબાપા વિદ્યાનગર આવેલા, તેમની પાસે ભાઈલાલભાઈ પટેલે શ્રી ગુલાટી માટે પોતાની લાક્ષણિક રીતે માગણી કરી. “બાપા, તમે શાલિગ્રામ પાસે લવિંગ વટાવો છો. મને આપો.” સરદારશ્રી અને ગાંધીજીના આશીર્વાદ સાથે શ્રી ગુલાટી વિદ્યાનગર આવ્યા. ઉપાચાર્ય તરીકે હતા, પણ પગાર લેતા ન હતા. કદાચ માંદે-સાજે જોઈએ, એમ એમને ફરજ પાડી એમને નામે રૂ. ૩૦૦ જમે કરવામાં આવતા. તે રકમને એ અડયા પણ નહીં. કૅન્સરનું દરદ લાગુ પડ્યું હતું, તે અતિશય વધ્યું ત્યારે કામ બંધ કર્યું. ત્યાં સુધી દિવસના બાર કલાક કામ આપ્યું. છેલ્લું વરસેક ખાટલામાં રહેવું પડ્યું. આકરી તપસ્યાની તાવણી સ્વીકારવામાં રાચનારા આ સેવાભાવી શિક્ષકમાં સમાજ માટે જાત ઘસવાની જે વૃત્તિ હતી, તે પ્રેરણાદાયી નીવડશે.

રૈહાના તૈયબજી બહેન રૈહાના તૈયબજી, અબ્બાસ સાહેબનાં સાધ્વી પુત્રી : દેશપરદેશનાં અનેક મુમુક્ષુઓ એમની પાસે આવતાં અને આશ્વાસન શોધતાં. પયગંબર સાહેબ(એમના શબ્દોમાં ‘હજૂર’) અને શ્રીકૃષ્ણ — એમનામાં રમમાણ રહેતાં. ‘વૃંદાવનની કુંજલીલા યાદ આવે; યાદ આવે’ આદિ એમનાં ગીતો એમને મુખે સાંભળવા મળ્યાં હોય, તે એમના લયયોગની છાલક અનુભવ્યા વગર રહી ન શકે. ‘કુરાને શરીફ’ની પ્રસાદી ઉત્તમ સ્વરૂપમાં એમની વાતચીતોમાં મળી જતી. અંગ્રેજીમાં રચાયેલા એમના ‘ધ હાર્ટ ઓફ એ ગોપી’નો પ્રો. બલવંતરાય ક. ઠાકોરે ‘ગોપીહૃદય’ કાવ્યાનુવાદ આપ્યો છે.

લાલ બહાદુર શાસ્ત્રી જીવનભર પોતાની તમામ શક્તિઓનો હિંદને પૂરો હિસાબ આપતા રહીને, સિદ્ધિની એક પરમ ક્ષણે, શાસ્ત્રીજી દૂર તાશકંદમાં ચિરશાંતિમાં પોઢયા. કોઈ વિરલ દાખલામાં બને છે તેમ, એમનું મૃત્યુ એમના સારાય જીવનકાર્યની મુદ્રા માનવજાતિના હૃદય ઉપર મૂકી ગયું. એ મુદ્રા છે શાંતિની, સમજણની, માનવપ્રેમની. અઢાર મહિના વડાપ્રધાન તરીકે શાસ્ત્રીજીએ ભારતનું સુકાન સંભાળ્યું. સત્તા એ એમને માટે સેવા કરવાની ઉત્તમ તક માત્રા હતી. દેશ કસોટીઓમાંથી પસાર થઈ રહ્યો હતો. શાસ્ત્રીજી બધી સમસ્યાઓની સામે અડગ હૃદયે કામે લાગી ગયા. એમના વ્યક્તિત્વના ઉત્તમ ગુણોનો સૌને પરિચય થયો. યુદ્ધમાં અકંપ ધૃતિ, શાંતિમાં ઉદાર સમજણ — એ એમની લાક્ષણિકતા હતી. શાસ્ત્રીજીની મુખ્ય સિદ્ધિઓ બે છે : દેશને છિન્નભિન્ન કરી દે એવા કારમા આઘાતોમાંથી બહાર લાવીને એમણે રાષ્ટ્રીય એકતા દૃઢ કરી. દેશ સમગ્રની આશાઓની — આકાંક્ષાઓની મૂર્તિ એ બની રહ્યા — જેમ જવાહરલાલજી એમના સમયમાં હતા. શાસ્ત્રીજીની બીજી સિદ્ધિ છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રામાં. ભારતની હંમેશાં શાંતિની ખોજ રહી છે. ગાંધીજીના જીવનકાર્યરૂપે એ જ પ્રગટ થઈ હતી. શાસ્ત્રીજીને રસ્તે યુદ્ધ આવ્યું, પણ એ ભારતની અંતરતમ અભીપ્સાની મૂર્તિ બની ગયા. શાસ્ત્રીજીને જે સિદ્ધિ સાંપડી તેમાં એમની નમ્રતા, સેવાદીક્ષા, ધૃતિ, ઉપરાંત કુનેહનો ફાળો પણ છે. સચ્ચાઈ એ જ એમની કુનેહ હતી. શાસ્ત્રીજીને દરેક વખતે સરખું સૂઝતું, એનું મૂળ કારણ એમની સચ્ચાઈ, દેશના લોકો માટેનો નિર્મળ પ્રેમ, એ છે. ગાંધીજી જેવા જે માટીમાંથી ઘડાયા હતા, તેવી માટીમાંથી શાસ્ત્રીજી ઘડાયા હતા. એને લીધે જ તેઓ માત્ર અઢાર મહિનામાં વિષમ કસોટીઓ વચ્ચે જગત— રાજકારણના મંચ ઉપર ભારતને શોભે એવડા ગજાના નેતા તરીકે સ્થાન પામ્યા.

[‘હૃદયમાં પડેલી છબીઓ’ પુસ્તક]