સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કરસનદાસ માણેક/છતાં માનું —
છે લાંબા પ્રવાસો ને ટૂંકી છે દૃષ્ટિ,
ને કમજોરીઓ તો, ભરી આખી સૃષ્ટિ!
અમૃતનું ટીપું મળે ના મળે, પણ
થતી રે’તી વણમાગી વિષ કેરી વૃષ્ટિ!
નિરાશાનાં કારણ હઝારો હું ભાળું —
છતાં માનું : માનવનું ભાવિ રૂપાળું!...
કબૂલ! કંટકોથી ભરેલી ધરણ છે,
ને ચિરાતાં ડગલે ને પગલે ચરણ છે;
જુવો જ્યાં જ્યાં ત્યાં કોઈ ને કોઈ રૂપે
ઊભું ગ્રાસ કરવા ભયાનક મરણ છે!
દશે દિશ ભભૂકે અગન કેરી નાળું —
છતાં માનું : માનવનું ભાવિ રૂપાળું!...
ભરી જેટલી આ જગતમાં અગન છે,
વધુ તેથી માનવના ઉરમાં લગન છે;
જગત રીઝતું છો રિબાવીને એને,
અરે, એ તો મહોબતને માર્ગે મગન છે!
ભલે ડારતી ભૈરવી મુંડ-માળું —
છતાં માનું : માનવનું ભાવિ રૂપાળું!...
એ રિબાય છે, એ સડે છે, રડે છે;
હઝારો વખત, ચાલતાં એ પડે છે;
એ ત્રાસે છે, નાસે છે શ્વાસભર્યો, પણ
ગમે તેમ તોયે એ હરદમ લડે છે!
પળે પળ ભરખતી ભલે એને ઝાળું —
છતાં માનું : માનવનું ભાવિ રૂપાળું!...