સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કરસનદાસ માણેક/મારી કવિતા
અગિયારેક વરસની ઉંમરે કરાંચીમાં દાદાની પેઢીના થડા ઉપર બેસીને ઈશ્વરસ્તુતિના દોહરાઓ લખતો; તે પછી મારી કાવ્યરચના-પ્રવૃત્તિ કોઈ કોઈ વાર આછી બની છે, પણ થંભી કદી યે નથી. એ જ કિશોરઅવસ્થામાં સાંપડેલા હિમાલયના પ્રથમ દર્શને મારા ચિત્ત ઉપર જે કામણ કર્યું છે, તે પણ ઓસર્યું કદી નથી — બલ્કે વધતું રહ્યું છે. એક તરફ માણભટ્ટો ને કથાવ્યાસો, ‘કાવ્યદોહન’ના દસ ભાગો દ્વારા દેશી ઢાળો, માત્રામેળ છંદો, અને બીજી તરફ ‘ભાગવત’, ‘રઘુવંશ’ આદિ દ્વારા સંસ્કૃત ભાષાની સત્ત્વત્તાની સભાનતા — એ બન્ને મારા જીવનના લગભગ પરોઢમાં જ જાગ્યાં. આમાં પાલ્ગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ દ્વારા અંગ્રેજી કાવ્યસૃષ્ટિનો ભવ્યનવ્ય રોમાંચ ભળ્યો. આ બધાંમાં વળી મહાત્માજીનાં અસહકાર-આંદોલનોએ નવો પ્રાણ પ્રેર્યો. કવિતા વાંચનાર-લખનારને એણે કવિતા જીવવાનો અવસર પણ લાવી આપ્યો. ‘આલબેલ’માં પ્રસિદ્ધ થયેલાં કાવ્યો મેં લખ્યાં ત્યારે હું જેલમાં હતો; ત્યાં મેં ગુજરાતી કાવ્યો સાથે થોડાંક અંગ્રેજીમાં પણ લખેલાં. ‘હરિનાં લોચનિયાં’ કાવ્ય મેં મૂળ અંગ્રેજીમાં જ લખ્યું હતું — મને જેલમાં આવેલ એક સ્વપ્ન ઉપરથી! ‘ખાખનાં પોયણાં’ એ કાવ્યક્ષેત્રો મારું પ્રથમ પ્રકાશન (૧૯૩૩). ‘આલબેલ’ ૧૯૩૫માં પ્રગટ થયું, ‘મહોબતને માંડવે’ ૧૯૪૧માં અને ૧૯૪૪માં ‘કલ્યાણયાત્રી’ની રચના થઈ. કરાંચીનું મારું અંગ્રેજી દૈનિક ‘ડેઈલી મીરર’ ૧૯૩૯માં બંધ થતાં હું મુંબઈ આવી ‘જન્મભૂમિ’ના તંત્રીમંડળમાં જોડાયો. તેની સાથે મારી મૂળ કાવ્યધારાની સમાંતરે કટાક્ષકાવ્યધારા ‘વૈશંપાયનની વાણી’ અને ‘અહો રાયજી, સુણિયે!’ એ બે શીર્ષકો તળે શરૂ થઈ અને દસેક વરસ સુધી દૈનિકોમાં વહેતી રહી. [‘મધ્યાહ્ન’ પુસ્તક]