સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/અધ્યાપક માટે ઉપાસના-મૂર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          અધ્યાપક માટે તેના વિદ્યાર્થીઓ એ જ તેની ઉપાસનાની મૂર્તિ છે. એમની સેવા એ તેની પૂજા છે, એમનો વિકાસ એ તેનો પ્રસાદ છે. એમનું અધઃપતન એ તેનું નરક છે, અને ચારિત્રયની દૃઢતા એ જ તેનું સ્વર્ગ છે. દુર્બળ લોકોને મોળા પડતા રોકે ને શૂર ચઢાવે, તે અધ્યાપક. ઢોર જેવા પ્રાણીને શિક્ષક દેવ જેવા માણસ બનાવી શકે છે. ગુરુએ શિષ્યમાં જ્ઞાન રેડવાનું નથી. શિષ્યની બુદ્ધિ એ કંઈ વાસણ નથી, તે એક કમળ છે; સૂર્યની પેઠે દૂરથી જ પોતાનાં પ્રખર-સૌમ્ય કિરણોથી તેનો વિકાસ કરવાનો છે. વિદ્યાર્થીઓને વિદ્યાનંદ ને સેવાનંદનો સ્વાદ ચખાડવો, અને આદર્શ પાછળ ગાંડા થવામાં જ જીવનની સફળતા છે તે સમજાવી દેવું, એ શિક્ષકનો આનંદ છે. અજ્ઞાન સામે, અન્યાય સામે, અનાચાર સામે, ધીમું પણ પ્રખર યુદ્ધ ચલાવવું, એ કેળવણીકારનો સ્વધર્મ છે. સાચો કેળવણીકાર સમાજનો આશ્રિત નથી હોતો, પણ સમાજનો અગ્રેસર વિચારક હોય છે, આચારવીર હોય છે. હૃદયપલટો કરાવવો અને તેને માટે અખૂટ ધીરજ રાખવી, એ એક જ શસ્ત્રા કેળવણીકારો પાસે છે. જેની પાસે ધીરજ નથી, તે કેળવણીકાર નથી. જેમ ન્યાયખાતા પર રાજ્યકર્તાઓનો અંકુશ ઓછામાં ઓછો હોવો જોઈએ, તેમ જ કેળવણીના તંત્ર પર કોઈ પણ સરકારનો ઓછામાં ઓછો અંકુશ હોવો જોઈએ. સાચા કેળવણીકારો રાજકીય અને સામાજિક નિયંત્રણથી પર હોવા જોઈએ. પણ એટલી યોગ્યતા અને અધિકાર પચાવવા માટે કેળવણીકારો જ્ઞાન અને ચારિત્રયમાં આદર્શ હોવા જોઈએ. એમનો પોતાના ઉપરનો અંકુશ જોઈને સમાજનું માથું એમની આગળ નમે, એવું હોવું જોઈએ. અધ્યાપકનો ધંધો સ્વીકાર્યા પછી મને એક લાભ એ થયો કે હું નિર્દોષ વિદ્યાર્થીઓના સમાગમમાં આવ્યો. વિદ્યાર્થીઓ માને કે, કાકાને મળવાથી એમનાં જ્ઞાન અને અનુભવનો લાભ આપણને મળે. પણ મને પોતાને વિદ્યાર્થીઓના સહવાસથી ખૂબ મળ્યું છે. કદાચ ગાંધીજીના સહવાસથી પણ એટલું બધું નહીં મળ્યું હોય. વિદ્યાર્થીઓના સહવાસમાં હું સદાય જુવાન રહેવાનો, વૃદ્ધપણું મને નહીં આવે. વિદ્યાર્થીઓ પાસેથી હું નમ્રતા શીખ્યો. પણ સૌથી મોટો લાભ તો મને એ થયો કે તેમના સહવાસને લીધે હું પવિત્રાતા જાળવતાં શીખ્યો. મારું મન ઘણી વાર પડવા ઇચ્છે તોપણ, વિદ્યાર્થીઓને લાયક બનવાના વિચારથી પડતો બચી જાઉં.