સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/અપત્યપ્રેમ કે અપત્યનિષ્ઠા?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          માણસમાં જીવવાની જેટલી ઇચ્છા હોય છે, લગભગ તેટલી જ અપત્ય— [સંતાન]પ્રાપ્તિની હોય છે. આત્મા તો અમર છે; પણ પોતે અમર છે એ જાતની નિષ્ઠા માણસમાં નથી હોતી. તેથી તે અમર થવાના પ્રયત્ન કરે છે. અપત્ય દ્વારા માણસ અમર થાય છે. પિતાએ જે અધૂરું શોધ્યું કે મેળવ્યું-કેળવ્યું તેની પૂર્તિ પુત્રા કરે અને પિતાનો પુરુષાર્થ આગળ ચલાવે, એ જ અમરતાનું લક્ષણ છે. દરેક જીવને કંઈક અસાધારણ તત્ત્વ અનુભવવાનું હોય છે. એને માટે આખો જન્મારો એ મથે છે. પોતે ફાવી ન શકે, એટલે પોતાના પ્રતિનિધિરૂપ પુત્રાને તે સોંપી જાય છે. સ્વર્ગમાંથી ગંગા આણી પાતાળ સુધી પહોંચાડવાનું કામ સગરકુળે હાથમાં લીધું. પિતાએ આખો જન્મારો પ્રયત્ન કર્યો, પણ એમાં એ ન ફાવ્યો. એણે એ કામ પોતાના દીકરાને સોંપ્યું. એ પણ આખો જન્મારો ખપ્યો, પણ કામ અધૂરું જ રહ્યું. અંતે એનો દીકરો ભગીરથ એ કામ માટે કટિબદ્ધ થયો અને સફળ થયો. ‘કાદંબરી’ જેવો મહાકથા પ્રબંધ બાણભટ્ટ પૂરો ન કરી શક્યો, તે એના પુત્રા ભૂષણે પૂરો કર્યો. એવી રીતે દુનિયાની પરંપરા ચાલતી આવી છે. અપત્યની ઇચ્છા પશુપક્ષીઓમાં કેટલી ઉત્કટ રૂપમાં દેખાય છે! ઘણી વાર જીવવાની ઇચ્છા કરતાંયે તે ચડી જાય છે. પોતે ભલે મરી જાય, પણ અપત્યને તો ગમે તે ભોગે બચાવવાં જોઈએ. આટલી અપત્યનિષ્ઠા હૃદયમાં રોપીને પછી જ ઈશ્વરે પ્રાણીઓને અપત્યો આપ્યાં છે. અપત્યજન્મ એ ઈશ્વરનો માણસ પરનો વિશ્વાસ સૂચવે છે. અપત્યના જન્મ સાથે માબાપના સ્વભાવમાં ફેર પડે છે. પોતાની કેટલીયે ખામીઓ બાળક ખાતર તે છોડે છે. અને પોતાનો સુખભોગ છોડતાં તો માબાપને કંઈ ઓર આનંદ આવે છે. આપભોગનો પ્રથમ પાઠ અપત્યપ્રેમમાંથી જ ઉદ્ભવે છે. પણ એ આપભોગ અને અપત્યપ્રેમ જ્ઞાનયુક્ત બને એવો પ્રયત્ન મનુષ્યથી જ થાય. અપત્યપ્રેમથી માણસ ઘણી વાર ઘેલો બને છે. અપત્યપ્રેમથી પોતાનાં માબાપ કે ભાઈબહેન સાથે લડી પડે છે, સમાજદ્રોહ કરવા તૈયાર થાય છે, અને પોતાનાં બાળકોનો વિકાસ પણ અટકાવે છે. પ્રેમ આંધળો હોય છે. ખરેખર જોઈએ છે અપત્યનિષ્ઠા. અપત્યપ્રેમથી નવી પેઢીનો વિકાસ અટકે છે, નિષ્ઠાથી તેનો વિકાસ થાય છે. પોતાનાં છોકરાં પેટપૂરતું કમાઈ નહીં શકે, એમને કોઈ મદદ નહીં આપે, એવી અશ્રદ્ધા મનમાં રાખી આજકાલ કેટલાંયે માબાપ બાળકો માટે સંપત્તિ અને સાધનસગવડો તૈયાર કરી રાખે છે. ગરમ કપડાંમાં હમેશ વીંટી રાખેલાં બાળકો જેમ તે જ કારણે નબળાં રહે છે અને સહેજસહેજમાં રોગનાં ભોગ થઈ પડે છે, તેમ કેટલાંક માબાપોનો આપેલો વારસો બાળકોને અપંગ અને જડમૂઢ કરી નાખે છે. આવાં માબાપ બાળકોની શક્તિ, તેમનો પુરુષાર્થ અને તેમના ભાવિ વિષે સાવ નાસ્તિક હોય છે. માબાપનું મુખ્ય કર્તવ્ય પોતાનાં બાળકોને પોતાના જીવન દ્વારા નૈતિક, સામાજિક અને આધ્યાત્મિક કેળવણી આપવાનું છે. કુલપરંપરાથી બાળકોને વાકેફ કરવાં, ઘરના ધંધાનું સાંગોપાંગ જ્ઞાન આપવું, એ ધંધામાં એમનો પૂરેપૂરો પ્રવેશ કરાવવો, અને પછી એમને યથાકાળે જવાબદારી સોંપવી, એટલું જ કામ માબાપનું છે. માબાપ એ કર્તવ્ય ચૂકે છે, અને પછી નિશાળ મારફતે એ બધું મળી રહેશે એમ મન મનાવવાનો પ્રયત્ન કરે છે. યૌવનના ઉન્માદમાં આડે રસ્તે જવાની વૃત્તિ થતાં જેમની નજરનો અંકુશ રહી શકે, એવું મુરબ્બીઓનું મંડળ બાળકોની આસપાસ ભેગું કરી આપવું એ પણ માબાપની ફરજ છે. બાળકોને મુસાફરી કરાવી પ્રેક્ષણીય સ્થાનો, પરાક્રમી પુરુષો, જીવનદાયી સંસ્થાઓ અને સંસ્કૃતિનાં કેન્દ્રો એ બધાંનો તેમને પરિચય કરાવવો, એટલું માબાપો કરી શકે તો બાળકો પ્રત્યેની તેમની બધી ફરજ અદા થઈ છે. અને પોતાનાં અપત્યો પાસેથી માબાપ અપેક્ષા શાની રાખે? આજ્ઞાપાલનની? શ્રી રામચંદ્રે આદર્શ પુરુષ તરીકેની પોતાની યોગ્યતા પહેલવહેલી સિદ્ધ કરી પિતાની આજ્ઞાના પાલનથી જ. પણ આપણે આજ્ઞાપાલન એ પિતાના હક તરીકે તો નહીં જ સ્વીકારી શકીએ. પિતાની આજ્ઞાને વશ રહેવું એ પુત્રાનું ભૂષણ છે. પણ પિતાનો એ નિરપવાદ હક તો હરગિજ નથી. મનુષ્યજીવન પ્રગતિશીલ છે. એક પેઢીનો અનુભવ અને આકાંક્ષાઓ બીજી પેઢીને કામ ભલે આવો, પણ તેમને તે બંધનકર્તા તો ન જ થવાં જોઈએ. પુત્ર પોતા પ્રત્યે ઉદ્ધત ન થાય, એટલી અપેક્ષા માબાપ જરૂર રાખે. પોતાના હાથપગ નબળા પડે ત્યારે પુત્રા પાસેથી સેવાશુશ્રૂષાની અપેક્ષા રાખવાનો પણ તેમને હક છે. પણ પિતા કહે છે માટે જ પુત્રો પરણવું, પિતા કહે તેની સાથે જ પરણવું, તે કહે તે જ નોકરી કરવી, તેને રાજી રાખવા ખાતર સમાજસેવામાં ન ઊતરવું, તેને જે વિધિઓ ને રિવાજો પસંદ છે તે જ પસંદ કરવાં, એ જાતનો આગ્રહ પિતા ન જ રાખી શકે. પુત્રામાં પિતૃભક્તિ હોય છે એટલે ઉપલી વસ્તુઓ તેનામાં સ્વાભાવિક હોય છે. અને જ્યાં સુધી એમાં તેને અધર્મ કે સત્ત્વહાનિ ન જણાય, ત્યાં સુધી પિતા કહે તેમ ચાલવું જોઈએ એમ તે સમજે પણ છે. પણ એ બાબતમાં પુત્રાની સ્વતંત્રતા અબાધિત રહેવી જોઈએ.