સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/ધાક કે ધીરજ?
વિદ્યાર્થી કેમે કર્યે વ્યાકરણના નિયમો સમજતો ન હતો. સમજાવવાનો પ્રયત્ન કરવાથી કંઈ દહાડો વળે, એમ શિક્ષકને ન લાગ્યું. એણે તરત સોટી ઉગામી. સોટીની શક્તિ પર શિક્ષકનો અસાધારણ વિશ્વાસ હતો. એક વાર સોટીની ટેવ પડી ગઈ, એટલે બીજો કોઈ ઉપાય એ શા માટે અજમાવે? એ તો ઊલટો આપણને જ સમજાવવાનો કે, સોટી વગર દહાડો વળવાનો નથી — તમે ગમે તે કરો!
એક દિવસ એક પિકેટર મળ્યા. ગાંધીજી [જેલમાંથી] છૂટયા બાદ એમણે પિકેટિંગ છોડી દીધું હતું. “તમે આજકાલ પિકેટિંગમાં કેમ નથી જતા? એક વરસની લડતમાં જ થાક્યા કે શું?” મેં પૂછ્યું. “ના રે, વરસમાં થાકીએ એવા આપણે નથી. સ્વતંત્રતાનું ધ્યાન ધરીએ છીએ, તે એક વરસમાં થાકવા માટે? પણ ગાંધીજી છૂટયા અને એમણે કહ્યું કે પિકેટિંગ તો શાંત જ હોય, કેવળ સમજાવવા પૂરતું જ હોય. એવા પિકેટિંગમાં હું માનતો નથી. શું આ કાપડિયાઓ સમજાવ્યે સમજવાના હતા અને લાખોની કમાણી જતી કરવાના હતા? [એ તો] પ્રજાશક્તિનો પરચો મળે, એટલે સીધાસટ થઈ જવાના!” “ત્યારે આ અહિંસક યુદ્ધમાં તમે ઊતર્યા જ શી રીતે?” “અમે માનીએ છીએ તે અહિંસા જુદી. કોઈને મારીએ નહીં, એનું ઘર ન બાળીએ, અથવા એને ક્યાંય ઉપાડી ન જઈએ — આટલું સાચવ્યું, એટલે અમારી અહિંસા જળવાઈ. બાકી દબાણ અને બીક વગર દુનિયા કે’દી ચાલી હતી?” “અને હવે?” “હવે તો તમારા ગાંધીજી બહાર આવ્યા છે. દબાણની જરાસરખી બૂમ આવી કે બધું બંધ કરી દેશે, અથવા ઉપવાસ કરવા બેસશે. એ બ્રહ્મહત્યા માથે કોણ લે? એના કરતાં એમની હિલચાલમાંથી ખસી જઈએ, એ જ સારું.” “પણ આમ ખસી જવાની જરૂર છે કે નહીં, એનો આપણે વિચાર કરીએ. [જુઓ] તમે પોતે ખાદી પહેરો છો કે નહીં?” “હા, સાત વરસ પહેલાં ખાદી લીધી તે લીધી.” “તે પહેલાં?” “તે પહેલાં ખાદી ગળે ઊતરી ન હતી. છડેચોક હું પરદેશી જ પહેરતો. પરદેશીમાંથી એકદમ ભૂસકો મારી ખાદી પર આવ્યો છું.” “ત્યારે કોકના સમજાવ્યા તમે સમજ્યા હશો ને?” “હા. જે ભાઈએ મને ખાદીની વાત સમજાવી, તે એટલો પવિત્ર છે કે એની આગળ માથું નમે. એવા માણસો હોય, તો જોતજોતામાં બધા ખાદી પહેરતા થઈ જાય.” “ત્યારે તમારા પર કોઈએ દબાણ કર્યું ન હતું. તમને પરચો દેખાડવાનો કોઈએ પ્રયત્ન કર્યો ન હતો.” “હું? મહાત્મા પોતે દબાવવા માગે તો યે હું દબાઈ ન જાઉં. વાત સીધી ગળે ઊતરે તો જ માનવી. મને કોઈ દબાવવા જાય તો સામો જ થાઉં!” “ત્યારે પેલા ભાઈ દબાણ વગર તમને ખાદીભક્ત બનાવી શકે છે, અને તમે તેની વાત સમજી શકો છો; તો એ જ વાતાવરણ સમાજમાં બધે કેમ ન પ્રવર્તે? તમે [પોતે] દબાણને વશ થવામાં નામોશી માનો છો, પણ તમારા જ દેશભાઈઓને દબાણથી નમાવવા માગો છો! તમે ડરની અસર તળે આવતા નથી, તો તમારા દેશભાઈઓ તમારાથી ડરે એવું તમે શા માટે ઇચ્છો છો?” “પણ લોકો એવા છે, એને શું કરીએ? હું કંઈ દબાણમાં માનું છું એમ નથી. પણ દબાણ કર્યા વગર છૂટકો નહીં, એટલે લાચાર થઈએ છીએ.” “[પણ] લોકો પર દબાણ કરીને તમે એમને સ્વરાજને લાયક બનાવો છો કે ગુલામીને? લોકો દબાણથી દબાઈ જતા હોય, તો તમારી અને સરકારની વચ્ચે પ્રજા પર ધાક બેસાડવાની હરીફાઈ જ ચાલવાની ને? તમે હાજર છો ત્યાં સુધી લોકો તમારાથી ડરે. અમલદારોએ જુલમ કર્યો, એટલે લોકો એમની વાત માની જાય.” “પણ લોકો ક્યાં નથી જાણતા કે સરકાર એમની શત્રુ છે.” “એ વાત તો લોકો દોઢસો વરસથી જાણે છે, પણ તેથી શો દહાડો વળવાનો હતો? લોકો નિર્ભય થાય એ જરૂરનું છે.” “[પણ] ત્યારે કેટલાં વરસ સુધી લોકોને સમજાવવા બેસીએ? આમ કાંઈ લોકો સમજવાના હતા?” “ત્યારે તમે શી રીતે સમજ્યા? તમારી નાત જુદી ને લોકોની જુદી, એમ? નીડરતાની ટેક તમારામાં જ હોય, લોકોમાં હોવાની કશી જરૂર નથી, એમ? જેની પાસેથી તમે ખાદીની દીક્ષા લીધી તેની પાસેથી પ્રચારની પદ્ધતિ પણ કેમ ન લીધી?” “એટલી ધીરજ કોને છે?”
અહીં મેં ઉપર વર્ણવેલા વ્યાકરણશિક્ષકની વાત કહી સંભળાવી. “ત્યારે કેટલા દિવસ સુધી લોકોને ઉપદેશ કરતા ફરીએ?” “તમે ધારો છો એના કરતાં ઘણા ઓછા દિવસમાં કામ પતી જાય એમ છે. જ્યાં સુધી ધાકથી કામ લેવાની આપણને ટેવ છે, ત્યાં સુધી આપણામાં સમજાવવાની શક્તિ આવતી નથી; તે જ રીતે જ્યાં સુધી ધાકનું વાતાવરણ છે ત્યાં સુધી લોકો સમજી પણ શકવાના નથી.” “તમે તો કેળવણીકાર રહ્યા. તમારી પાસે એ શ્રદ્ધા ભલે હોય. અમે રાજદ્વારી કામ કરનારા લોકો. અમારે તો તડ ને ફડ ઉકેલ જોઈએ.” “તડ ને ફડવાળા ઉપાયોથી તમે જેટલી મુશ્કેલીઓ દૂર કરો છો તેના કરતાં વધારે નવી ઊભી કરો છો અને સ્વરાજનું વાતાવરણ બગાડો છો, એ તમારા ધ્યાનમાં આવે છે ખરું? “હા, આમ કો’ક વાર થાય છે ખરું. પણ એ દોષોનો ઉકેલ અમારા પછીનો જમાનો ભલે આણે. અમારે [તો] તરત સ્વતંત્રા થવું છે. જે ઉપાય હાથમાં આવે, તે અમે અજમાવવાના.” “તમે જરા ધીરજ રાખશો અને લોકોને સમજાવવા બેસશો, તો લોકો જરૂર સમજશે. શરૂઆતમાં મુશ્કેલી પડવાની છે, કેમ કે લોકો તો ધાકથી ટેવાયા છે, ધાકથી જ સમજે છે. [પણ] સ્વરાજને મારનાર કોઈ વસ્તુ હોય તો તે ધાક જ છે. મનુષ્યસમાજની રચના જેટલે દરજ્જે ધાક પર અવલંબે છે, તેટલે દરજ્જે તે નબળી છે. સમાજવ્યવસ્થામાં ધાક, કેળવણીમાં ધાક, ધર્મમાં ધાક, જ્યાં જુઓ ત્યાં ધાક ધાક ને ધાક! એ સ્થિતિમાં સ્વરાજ મળે તોયે તેનો કાંઈ અર્થ નથી. તમે જે ટેક બતાવી હતી કે, ધાક બતાવીને કોઈ મારી પાસેથી કામ કરાવી ન શકે, એ જ ટેક જ્યારે હિંદુસ્તાનમાં બધાંની — સ્ત્રીઓની ને પુરુષોની, બાળકોની અને અંત્યજોની, વાણિયાની ને ગરાસિયાની, દેણદારની અને પઠાણની — થશે, ત્યારે જ હિંદુસ્તાનને સાચું સ્વરાજ મળશે. એને માટેની તૈયારી તે આપણું શાંત પિકેટિંગ છે.” “તમે કહો છો એ વાત લાગે છે સાચી, પણ હજી વિશ્વાસ બેસતો નથી. ખેર, પણ આવતી કાલથી તમારી સાથે પિકેટિંગમાં આવીશ ખરો. અજમાવવામાં આપણું શું જાય છે?”