સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/મારી વાચનકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          મારા મન અને જીવન પર જેની વિશિષ્ટ અસર થઈ છે એવાં પુસ્તકોને યાદ કરતી વેળાએ, પહેલાં તો, સૌ કોઈ વાંચી શકે છે એવા એક પુસ્તકનો જ હું વિચાર કરીશ. સુશિક્ષિત-અશિક્ષિત, બાળક અને વૃદ્ધ, સૌ વાંચી શકે એવું એ પુસ્તક છે. એ વાંચનાર માનવીને હર ક્ષણે કોઈ નવી ને નવી જ પ્રેરણા મળે છે. એ પુસ્તકનું નામ છે કુદરત. પુસ્તકોની દુનિયા વિશાળ છે, વિવિધ છે, અને એમાં જીવનવ્યાપી બધા સવાલોનું કેટલું બધું ચિંતન-વર્ણન જોવાને મળે છે. છતાં મેં કુદરતને એક વિશાળ સનાતન પુસ્તક માન્યું છે. આપણી આસપાસ ફેલાયેલી પ્રકૃતિ એ જ એક પુસ્તક છે જેનું મેં વધારેમાં વધારે પારાયણ કર્યું છે, અને એમાંથી મારું જીવન મોટે ભાગે ઘડાયું છે. ઘરમાં ભાઈઓમાં હું સૌથી નાનો. એટલે બધાની જોહુકમી મારે વેઠવી પડે. સંકોચશીલ સ્વભાવનો હોવાને કારણે, સમાજમાં ભળી જવાનું મારે માટે મુશ્કેલ હતું. એટલે મનુષ્ય-સમાજ ટાળીને કુદરત સાથે દોસ્તી કરવાનો અને એમાં રમમાણ થવાનો સ્વભાવ મેં કેળવ્યો. ઝાડ અને એના પર બેસનારાં પંખીઓ, નદીઓ અને એને ઓળંગી જતી હોડીઓ, રસ્તાઓ અને પુલો, પહાડો અને સરોવરો, બગીચાનાં પુષ્પો અને આકાશના તારાઓ અને એ બંનેની યાદ આપતાં પતંગિયાં-એ બધાંયે મારા નિરીક્ષણના ને મારા આનંદના વિષયો હતા. હાથી, ઊંટ, હરણ, વાછરડાં, કૂતરાં અને ખાસ કરીને બિલાડીઓ મારાં બચપણનાં સાથીદારો હતાં. અને સસલાંને તો હું કેમ ભૂલી શકું? એના કૂદકાઓ અને મારા મનના કૂદકાઓ, એ બંનેના તાલમાં કૈંક અજબ જેવું સામ્ય હતું. પણ સસલાથીયે ગાઢી દોસ્તી તો મારે ખિસકોલી સાથે હતી. જીવનનું પ્રતીક મારે માટે આકાશનાં વાદળ હતાં. સૂતાં સૂતાં આ વાદળોનું ધ્યાન મેં જેટલું ધર્યું છે, એટલું ભાગ્યે જ બીજી કોઈ ચીજનું ધર્યું હશે. કુદરતના આવા નિરીક્ષણથી સમાજનું પણ તટસ્થભાવથી નિરીક્ષણ કરવાની ટેવ મને પડી ગઈ. બાળપણમાં વારંવાર પ્રવાસ કરવાના અવસર મળતા ગયા, અને એ કારણે સમાજના નિરીક્ષણમાં વિવિધતા પણ બહુ આવી. જેમની ભાષાઓ જુદી છે, જેમના રીતરિવાજ વિચિત્ર જેવા લાગે છે, એવા લોકોની વચ્ચે જઈને જ્યારે રહેવું પડ્યું, ત્યારે આપોઆપ જ દૃષ્ટિમાં વિશાળતાની સાથે ઉદારતા પણ આવી ગઈ. જ્યારે હું પુસ્તકો વાંચવા લાગ્યો ત્યારે એ પુસ્તકો મારે મન ફક્ત વાક્યસમૂહો ન હતાં, પણ જીવનનાં પ્રતિબંબિ હતાં, એનું કારણ આ છે. મારા ઘડતરમાં જે ચોપડીઓએ ઉત્તમ ભાગ ભજવ્યો તેનું સ્મરણ ઇતિહાસક્રમે ન કરતાં, આજે જે ગ્રંથો પ્રત્યે મારામાં કૃતઘ્નતા વસે છે તેમનો જ ઉલ્લેખ કરી દઉં.

બધો વિચાર કરતાં પ્રથમ સ્થાને મારે ‘ગીતા’ને જ રાખવી જોઈએ. ‘ગીતા’નો જીવનસંદેશો મને મળ્યો તે ઉત્કટ પ્રસંગ કોઈ કાળે હું ભૂલી ન શકું. જ્યારે મારા પિતાશ્રીનો અંતકાળ નજીક આવ્યો ત્યારે એમની બનતી સેવા કરી, અને એમની પથારી પર બેસી આખી ‘ગીતા’નું પારાયણ ચલાવ્યું. એ છેલ્લા સવા કલાકમાં સમગ્ર પારાયણ કરતાં ‘ગીતા’નો જે અર્થ હૃદયમાં વસી ગયો, તેને જ હું મારા જીવનનું મુખ્ય ઘડતર માનું છું. એમાંથી જે ‘ગીતા’-તત્ત્વ મળ્યું, એ જ મારા જીવનની સૌથી મહત્ત્વની મૂડી છે. વિશાળ કુદરતને સ્થાને જેમ કોઈ ગ્રંથને હું રાખી ન શકું, તેવી જ રીતે ‘ગીતા’ સાથે હું બીજા કોઈ પણ ગ્રંથને સમાનભાવે રાખી ન શકું, સિવાય કે ‘ઉપનિષદો’-જેનો નિચોડ પોતે ‘ગીતા’ છે.

ધર્મ વિશેની કલ્પના અને આસ્થા મને મારાં ધર્મભોળાં માબાપ પાસેથી જ મળી. એથી ઊંચો ચડ્યો મહારાષ્ટ્રના સંત-સાહિત્ય દ્વારા. છેક નાનપણમાં જેનું મહત્ત્વ સમજવું મુશ્કેલ હતું, એ સંત-સાહિત્ય મોટી ઉંમરે મન પર અદ્ભુત અસર કરી શક્યું. ધર્મ એટલે કેવળ રીતરિવાજો, પૂજાઅર્ચા અને વ્રત-ઉત્સવો નહીં પણ ભક્તિ, સદાચાર અને ગરીબોની સેવા એ જ સાચો ધર્મ છે, એ વિચારના સંસ્કારો મહારાષ્ટ્રના સંતોનું સાહિત્ય વાંચીને દૃઢ થયા. આ સંતોમાં તુકારામ, નામદેવ, એકનાથ અને જ્ઞાનેશ્વર એ મુખ્ય હતા. સમર્થ રામદાસને પણ ભુલાય નહીં. તુકારામ અને જ્ઞાનેશ્વરની ઊંડી ધામિર્કતા અને રાનડે, ભાંડારકર આદિના આધુનિક ધર્મવિચારો, એ બધાંથી ચારિત્ર્યનો પાયો મજબૂત થયો. ત્યાર પછી અંગ્રેજીમાં બુદ્ધિવાદી સાહિત્ય વાંચ્યું. સ્પેન્સર, મિલ વગેરે પશ્ચિમના મનીષીઓના વિચારના પ્રભાવ તળે આવી હું કેટલાંક વર્ષો સુધી નાસ્તિક જેવો થઈ ગયો હતો. ઈશ્વરની જ કૃપા હતી કે ઈશ્વરનો ઇન્કાર કરવાવાળા ઉચ્ચકોટિના સાહિત્યની સાથે મારો પરિચય થયો. સંધ્યાવંદન, પૂજા, પ્રાર્થના વગેરે તમામ છોડી દીધાં. હું સંશયવાદનો મોટો સમર્થક બની ગયો. આ ભૂમિકાના મૂળમાં સત્યની ખોજ કરવાની જિજ્ઞાસાવૃત્તિ અને બૌદ્ધિક નમ્રતા હતી. આ નમ્રતાએ મને આગળ વધવાનો રસ્તો બતાવ્યો. પછી મને દીક્ષા મળી સ્વામી વિવેકાનંદના સાહિત્યની. રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને ભગિની નિવેદિતા-આ ત્રણ મળીને એક આધ્યાત્મિક સંસ્કારિતાની અખંડ વ્યક્તિ બને છે. એને તોલે આવે એવું લખાણ આનંદ કુમારસ્વામીનું ગણું છું. આનંદ કુમારસ્વામી અને રવીન્દ્રનાથ ઠાકુર : ભારતની સંસ્કૃતિના આ બે ઉત્તુંગ આચાર્યોના ગ્રંથ મેં શ્રદ્ધા સાથે વાંચ્યા. રવીન્દ્રનાથ મારા માનીતા લેખક તો થયા જ હતા. પણ મારા હૃદયનો કબજો લીધો એમની અંગ્રેજી ‘ગીતાંજલિ’એ. મારામાં જે કુદરતપ્રેમ હતો, જીવનનિષ્ઠા હતી, સ્વાતંત્ર્યની લાલસા હતી, અને અધ્યાત્મનું જે નવનીત હતું તે બધું એકત્ર થઈ, એણે ‘ગીતાંજલિ’ પસંદ કરી. એ સોંસરી હૃદયમાં ઊતરી ગઈ, અને એણે મારા આખાય વ્યક્તિત્વનો કબજો લીધો. ત્યાર પછી એવી જ અસર કરનાર સાહિત્ય મને મળ્યું તે ગાંધીજીનું. સૌથી પ્રથમ મારા હાથમાં આવી ગયું એમનું ‘હિંદ સ્વરાજ’. સાહિત્યની દૃષ્ટિએ જોતાં ક્યાં ‘ગીતાંજલિ’ અને ક્યાં ‘હિંદ સ્વરાજ’! તુલનાને અવકાશ જ નહીં. પણ મારી ભૂખ જીવનદર્શનની હતી. અને ગાંધીસાહિત્ય હું વાંચવા લાગ્યો. અને જીવવા લાગ્યો ગાંધીજીના સહવાસમાં જ. કુદરતે પોતાની સંપૂર્ણ દીક્ષા મને આપી હિમાલયની સંનિધિમાં. અને જીવનદર્શનની મને દીક્ષા મળી એક જીવતા હિમાલયની સંનિધિમાં. એ જમાનો સ્વદેશી, બહિષ્કાર, સ્વરાજ અને બોમ્બ આદિનો જમાનો હતો. હું ક્રાંતિકારી થયો. એમાં ‘ગીતા’એ ઘણી મદદ કરી, પણ મેઝિની આદિ ક્રાંતિકારી લોકોના સાહિત્યની મારા મન પર વિશેષ અસર થવા લાગી. વેદાન્ત સાહિત્યની અસર લઈને હું હિમાલય ગયો. ત્યાં કુદરતની ભવ્યતા અને પવિત્રતા માણવાને મળી. એ વાતાવરણમાં સ્વરાજની ઝંખના ઘણી વિશાળ થઈ અને આધ્યાત્મિક ઉત્કર્ષની સાધનાએ ઉત્કટરૂપ પકડ્યું. આ દિવસોમાં મારા ઉપર શ્રી અરવિંદ ઘોષના સાહિત્યની વધારેમાં વધારે અસર થઈ. આગળ જતાં, એમના તમામ સાહિત્યમાં ‘લાઈફ ડિવાઇન’ (દિવ્ય જીવન) એ ગ્રંથ સૌથી મહત્ત્વનો લાગ્યો. સંસ્કૃત ચોપડીઓ મેં બહુ ઓછી વાંચી છે. બેચાર સ્તોત્રોની મારા પર ઊંડી અસર થઈ. ‘વેણીસંહાર’ નાટક મામૂલી ગણાય છે. પણ મારા ઉપર એની અસર સારી થઈ. ‘મનુસ્મૃતિ’ આદરપૂર્વક વાંચી ગયો. એમાંની કેટલીય વસ્તુ મને કાલગ્રસ્ત લાગી.

વ્યાસ, વાલ્મીકિ અને એમના પુરોગામી ‘વેદ’-‘ઉપનિષદ’ના ઋષિઓથી માંડીને કાલિદાસ-ભવભૂતિ જેવા રસસિદ્ધ કવિશ્વરો તથા સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ઠાકુર, શ્રી અરવંદિ ઘોષ અને મહાત્મા ગાંધી જેવાના ઋણનો સ્વીકાર કર્યા પછી જ અનેક મોટા તથા નાના લેખકોનો મારે ઉલ્લેખ કરવો ઘટે છે. છેક નાનપણમાં મારા પર ઊંડી ધામિર્ક, સાંસ્કૃતિક તેમ જ સાહિત્યિક અસર કરનાર શ્રીધર અને મહીપતિ. એ કવિઓનાં પૌરાણિક અને સંતચરિત્રો-‘રામવિજય’, ‘હરિવિજય’, ‘સંતલીલામૃત’ વગેરે ગ્રંથોએ મારા માનસ પર કેટલી બધી ઊંડી અસર કરી છે, એ વિચારી ચકિત થાઉં છું. આ સો-બસો વર્ષના વિશ્વસાહિત્યમાં એવી પ્રભાવશાળી નવલકથાઓ તૈયાર થઈ છે, જેની અસર માનવજાતિ પર ઊંડી પડી છે. આ પચરંગી દુનિયામાં જીવનનો બધો અનુભવ માણસ પોતે જીવન જીવીને મેળવી શકતો નથી. તેથી માણસે થોડી સમર્થ નવલકથાઓ વાંચેલી હોવી જોઈએ. રવીન્દ્રનાથની ‘ગોરા’ એક એવી નવલકથા ગણું ખરો. આધુનિક મરાઠાસાહિત્યનો મારો પ્રથમ પરિચય હરિનારાયણ આપટેની નવલકથાઓ દ્વારા થયો. સામાજિક નવલકથા ‘પણ લક્ષાંત કોણ ઘેતો?’ અને ઐતિહાસિક નવલકથા ‘ઉષ :કાલ’ એ તો જાણે અમારા બાળજીવનનાં ‘રામાયણ’-‘મહાભારત’.

સન ૧૯૨૧ કે ૧૯૨૨માં ગાંધીજી પહેલી વાર ભારતની જેલમાં યરવડામાં પુરાયા હતા. એ વખતે જેલના પુસ્તકાલયમાંથી બાપુજીએ કેટલીક ચોપડીઓ મગાવી વાંચી હશે. એમાંની બે (અંગ્રેજી) એમને ખાસ ગમેલી : ‘સીકર્સ આફટર ગોડ’ (ઈશ્વરની ખોજ કરનારા) અને કિપ્લીંગની ‘જંગલ બુક’. એમણે મને એ વાંચવાની ભલામણ કરી. ‘સીકર્સ આફટર ગોડ’માં સેનેકા, એપિક્ટેટસ અને માર્કસ ઓરેલિયસ, એ ત્રણ પ્રાચીન રોમનોનાં જીવન વિશે ત્રણ દીર્ઘ નિબંધો હતા. સેનેકા તો રોમના આપખુદ વિકરાળ બાદશાહ નીરોનો મુખ્ય પ્રધાન. આપણા સંયમપ્રધાન તપસ્વી વેદાન્તને મળતા આવે એવા સ્ટોઇક પંથનો પુરસ્કર્તા, મહાન તત્ત્વચિંતક. એનું જીવન અને મરણ ખરેખર અદ્ભુત છે. ઈશ્વરની ખોજ કરનાર બીજા પ્રાચીન પુરુષ તે એપિક્ટેટસ. એ ગુલામ હતા. પ્રાચીન કાળના મોટા તત્ત્વવેત્તાઓમાં એમનું નામ આવે છે. ત્રીજો બ્રહ્મજિજ્ઞાસુ તે માર્ક્સ ઓરેલિયસ. રોમન સામ્રાજ્યની જાહોજલાલી શિખરે પહોંચી હતી તે વખતનો એ બાદશાહ. મોટાં મોટાં યુદ્ધોની દેખરેખ જાતે કરે અને રણભૂમિમાં રાત્રે તંબુમાં બેસી વેદાન્તનું મનન કરે; અને બધું લખી કાઢે. માર્ક્સ ઓરેલિયસની એ મનનિકા ‘મેડિટેશન્સ’ વિશ્વસાહિત્યમાં પ્રતિષ્ઠિત સ્થાન મેળવી ચૂકી છે. બીજી ચોપડી આનાથી તદ્દન જુદી. કિપ્લીંગે ‘પંચતંત્ર’ અને ‘હિતોપદેશ’ અંગ્રેજીમાં વાંચ્યાં તો હશે જ, પણ એના અનુકરણ તરીકે નહીં પણ સ્વતંત્ર પ્રતિભાથી એણે જંગલના જીવનનું કાલ્પનિક અને અત્યંત રોચક વર્ણન આપ્યું છે. મોગલી નામનું એક માનવબચ્ચું જંગલમાં જઈ પહોંચે છે અને શ્વાપદો વચ્ચે મોટું થાય છે. હાથી, વાઘ, વરુ, અજગર વગેરે જાનવરો સાથે એને દોસ્તી બંધાય છે. કિપ્લીંગ એ ભારતમાં જન્મેલો અંગ્રેજ; અંગ્રેજી ભાષા પર એનું અસાધારણ પ્રભુત્વ. એની નવલકથાઓ અને કવિતા આજે પણ લોકો રસથી વાંચે છે. ગાંધીજી પાસે જે અનેક ચોપડીઓ આવી, એમાંથી બે વાંચ્યાનું મને આજેય સ્મરણ છે. એક હતી અપ્ટન સિંકલેરની ‘ગૂઝ સ્ટેપ’. એમાં એણે અમેરિકાની કેળવણીનું તંત્ર કેટલું સડેલું છે એ વિગતો સાથે પુરવાર કર્યું છે. એની જ બીજી ચોપડી ‘જંગલ’ મેં વાંચી છે. એ વાંચતાં રુવાંટાં જ ખડાં થાય છે.

એક પ્રેરણાદાયી ચોપડી વાંચી તે નેત્ર વિનાની નેત્રી હેલન કેલરની ઉત્તર-જીવન-કથા ‘મિડસ્ટ્રીમ’ (મઝધાર). બાપુજીએ એની પૂર્વજીવનની કથા ‘સ્ટોરી ઓફ માય લાઈફ’ વાંચેલી અને એનાં ઘણાં વખાણ કરેલાં. એટલે જેલમાં મેં પ્રથમ વાંચી ‘મિડસ્ટ્રીમ’ અને બહાર આવીને વાંચી ‘સ્ટોરી ઓફ માય લાઈફ.’ આજના જમાનામાં આખી દુનિયામાં જેટલાં આંધળાં અને બહેરાંબોબડાં છે તે બધાંની હેલન કેલર સમર્થ પ્રતિનિધિ છે. એ ઓગણીસ મહિનાની હતી ત્યારે, માંદગીને કારણે, એની આંખો ગઈ. એના કાન પણ ગયા. બાળા સાત વરસની થઈ અને એક એવી તો કેળવણીકાર માતા મળી ગઈ કે જેની આગળ આખી દુનિયાએ કૃતજ્ઞ થવું ઘટે. ત્રણ વરસના સખત પ્રયત્ન અને ધીરજથી એ સલિવનબહેને હેલનને વાચાદાન કર્યું; એને સાહિત્યની, સંસ્કારની અને ચારિત્ર્યની કેળવણી આપી; અને દીર્ઘકાલના ભગીરથ પ્રયત્નથી એને માનવી જીવન અને માનવી સંસ્કૃતિનો વારસો પાછો મેળવી આપ્યો. આજે હેલનને આંખ અને કાન નથી એનું દુખ નથી; ચક્ષુ અને શ્રવણનું કામ એની આખી ચામડી, પગનાં તળિયાં, હાથની હથેળી અને આંગળીનાં ટેરવાં કરે છે. આ એક જ ઇન્દ્રિય દ્વારા એનું આખું નિરીક્ષણ-પરીક્ષણ, પ્રજ્ઞા, મેધા અને કલ્પના એટલાં તો ખીલ્યાં છે કે કેવળ આંધળાં લોકોમાં જ નહીં પણ દુનિયાની તમામ મહાન વ્યક્તિઓમાં પણ એણે સ્થાન મેળવી લીધું છે. આવી આ અદ્ભુત બાળા અને એનાથીયે અદ્ભુત શિક્ષિકાનો પરિચય આ સુંદર ચોપડીમાં આપણને મળે છે. આ અસામાન્ય સાહિત્ય-સુંદર આત્મકથા કોઈ પણ દેશના સાહિત્યમાં અગત્યનું સ્થાન ભોગવશે. અધ્યાપન-કળામાં પ્રવીણ થવા ઇચ્છનાર દરેક શિક્ષકે તો એનું પારાયણ કરવું જ જોઈએ. પણ બાળકોને સાહિત્યની અને ચારિત્ર્યની કેળવણી આપવા માટે આને પાઠ્યપુસ્તક તરીકે રાખવું જોઈએ. આ ચોપડી અને તેની લેખિકા આપણી પાસેથી દયા માગતી નથી, આપણી કદર પણ માગતી નથી; પણ આપણી ગરજે, સંસ્કારિતાને લોભે, શિષ્યભાવે આપણે એનું અધ્યયન કરીએ એવી પ્રેરણા એ આપે છે.

છેલ્લા બે-ત્રણ જમાનામાં દુનિયામાં જે મહાન વિજ્ઞાનશાસ્ત્રીઓ પેદા થયા, તેમાં પણ મેરી ક્યુરીનું નામ ઘણું ઊંચું છે. માદામ ક્યુરીનું ચરિત્ર તેમની પ્રતિભાસંપન્ન દીકરીએ લખ્યું છે તે જીવનચરિત્રલેખનનો ઉત્તમ નમૂનો છે. માનવજાતિની સર્વોચ્ચ સેવાની કદર કરતું નોબેલ પારિતોષિક માદામ ક્યુરીને પહેલું મળ્યું તે રેડિયમની શોધ કરવા માટે એમના પતિ પિયેર ક્યુરી સાથે. એ હતું ભૌતિક વિજ્ઞાનનું પારિતોષિક. માદામને બીજું મળ્યું તે એ વિધવા થયા પછી-રસાયણશાસ્ત્રનું. અને ચોવીસ વરસ પછી એ જ પારિતોષિક એમની દીકરી ઇરીન જોલિયો-ક્યુરીને મળ્યું. પોલેંડ જેવા પછાત દેશમાં, યહૂદી જેવી હડધૂત જાતિમાં જન્મ લઈ, એક અબલાએ કેવળ પોતાના સંકલ્પબળથી અને જબરદસ્ત પુરુષાર્થથી માણસજાતની ઉત્તમોત્તમ સેવા કેવી રીતે કરી, એની કહાણી તે આ જીવનચરિત્ર છે. માદામ ક્યુરીના જીવનના ત્રણ વિભાગ પડે છે : અઠ્ઠાવીસ વરસ સુધીની વિદ્યાથિર્નીની અવસ્થા. ત્યાર પછી (ફ્રાંસના) પિયેર ક્યુરી સાથે પરણીને એણે અગિયાર વરસ સુધી ગૃહસ્થાશ્રમ ચલાવ્યો, વિજ્ઞાનની શોધખોળ ચલાવી અને નવરાશના દિવસોમાં સાઇકલ પર બેસી, પતિ સાથે આખા ફ્રાંસની યાત્રા કરી. યાત્રાના આ દિવસો માદામ ક્યુરીના દાંપત્ય સહજીવનના સૌથી વધારે આનંદના દિવસો હતા. એક કરુણ અકસ્માતને કારણે પિયેર ક્યુરીની કારકિર્દીનો અંત આવ્યો. અનન્ય પ્રેમથી પતિનું ધ્યાન કરતાં અને એની સાથેનું પોતાનું સહકાર્ય એકલે હાથે ચલાવવામાં માદામ ક્યુરીએ બીજાં અઠ્ઠાવીસ વરસ ગાળ્યાં. રેડિયમ જેવી જલદ ધાતુ સાથે અખંડ પ્રયોગ કરવાને કારણે એની આંગળીઓ બળી ગઈ. એને પાંડુરોગ લાગુ પડ્યો અને સડસઠ વરસનું શરીર એણે છોડી દીધું. દુનિયાના બધા ખંડોમાં જેમની કીતિર્ ફેલાઈ હતી તે માદામ ક્યુરીમાં મોટાઈનું અભિમાન તો શું-ભાન સરખું પણ જાગ્યું ન હતું. વિજ્ઞાનના ક્ષેત્રમાં એમના સમોવડિયા આઇનસ્ટાઈને કહ્યું કે, “અલમ દુનિયામાં પ્રતિષ્ઠા અને કીતિર્નો કાટ જેમના પર ચડ્યો નથી, એવાં તો એક માદામ ક્યુરી જ ગણાય.” જીવનનો મોટો ભાગ દારિદ્રયમાં અને જાતજાતની અગવડો વેઠવામાં ગાળ્યા છતાં ધનસંપત્તિ કે વૈભવ તરફ એમનું કે એમના પતિનું ચિત્ત જરાય આકર્ષાયું નહીં. એમણે જો પોતાની રેડિયમની શોધનું આંતરરાષ્ટ્રીય પેટન્ટ લીધું હોત, તો તેઓ ધનના ઢગલામાં આળોટી શક્યાં હોત, અને પોતાની સંસ્થાઓ માટે કરોડો રૂપિયા ઉઘરાવવા એમને જે ભિક્ષા-યાત્રા કરવી પડી તેમાંથી એ બચ્યાં હોત.

મારા ધ્યાનનો મુખ્ય વિષય જીવન-ચિંતન છે. માત્ર મનુષ્યના જીવનનું નહીં પરંતુ સમસ્ત જીવસૃષ્ટિના જીવનકર્મનું ચિંતન કરવું, એ મારે માટે સહુથી શ્રેષ્ઠ વિષય છે. આ ઉપાસનાનો આરંભ મેં કર્યો પ્રકૃતિના નિરીક્ષણથી. પછી હું ખગોળવિદ્યા પ્રત્યે આકર્ષાયો. એ પછી ‘એકોલોજી’નો રસ વધ્યો. એકોલોજી એક નવું શાસ્ત્ર છે. એમાં સમસ્ત જીવસૃષ્ટિનું પરસ્પરાવલંબન, સામંજસ્ય અને જીવનવિકાસનો ક્રમ-એ બધું આવી જાય છે. એટલામાં ચિ. સતીશે કહ્યું કે, “આ વિષયમાં તમને આટલો રસ છે, તો ‘ધ સી એરાઉન્ડ અસ’ કેમ નથી વાંચતા?” લેખિકા રાશેલ કારસનની એ ચોપડી વાંચતાં એટલો આનંદ થયો કે જાણે હું વિજ્ઞાનક્ષેત્રનું ‘મત્સ્યપુરાણ’ અને ‘કૂર્મપુરાણ’ જ વાંચી રહ્યો છું. રાશેલ કારસને પોતાનું આખું જીવન મહાસાગરની જીવસૃષ્ટિના વિજ્ઞાનમાં જ ગાળ્યું હતું. એની લેખનશક્તિ એટલી સમર્થ છે કે પોતાની ઉત્સાહપૂર્ણ શૈલી દ્વારા એ તમને પોતાના વિષયની દીક્ષા જ આપી દે છે. એમણે અનેક પ્રેરક પુસ્તકો લખ્યાં, ધન અને કીતિર્ મેળવ્યાં. અને એક છેલ્લી ચોપડી લખી, જેણે અમેરિકાના આખા સમાજને અસ્વસ્થ કરી મૂક્યો. એ ચોપડીમાં લેખિકાની સાર્વભૌમ કરુણા પ્રગટ થાય છે અને કુદરતના માંગલ્ય પરની શ્રદ્ધા દૃઢ થાય છે. એ ચોપડીનું નામ છે ‘ધ સાઇલેંટ સ્પ્રીંગ’-નિ :શબ્દ વસંતઋતુ.

કુદરતના હાદિર્ક નિરીક્ષણ દ્વારા ભગવાનનાં દર્શન કરવાની મારી સાધના બાળપણથી ચાલુ હતી. મારા મિત્ર મંજેશ્વર પૈએ આકાશના તારાઓ સાથે મારી મૈત્રી કરાવી. આ તારાઓએ મારા જીવનને એટલું સમૃદ્ધ કર્યું અને મારી માનવતાને એટલી વ્યાપક બનાવી કે હવે હિંદુસ્તાનના કોઈ પણ પ્રાંતમાં જાઉં કે દુનિયાના કોઈ પણ દેશમાં પહોંચું તોયે મને ક્યાંયે પરાયાપણું લાગતું નથી. યરવડા જેલમાં ગાંધીજીની પાસે મેં મારા આ દેવતાઈ મિત્રોની વાત કરી. તારાઓની નીચે, તારાઓનો પ્રકાશ પામતાં પામતાં સૂવાનો ગાંધીજીનો આગ્રહ હતો જ. એથી જ્યારે હું સાબરમતી જેલમાં હતો અને મહાત્માજી યરવડા જેલમાં હતા, ત્યારે એમણે એક પવિત્ર દિવસે જેમ્સ જીન્સનાં ત્રણ પુસ્તકો મને મોકલ્યાં : ‘સ્ટાર્સ ઇન ધેર કોર્સીઝ’, ‘મિસ્ટીરિયસ યુનિવર્સ’ અને ‘યુનિવર્સ એરાઉન્ડ અસ’. આ ત્રણ પુસ્તકોએ ધર્મદર્શનને એક નવું જ રૂપ આપ્યું. ત્યારથી ભૌતિક વિજ્ઞાનનાં જે કોઈ પુસ્તકો વાંચું છું એમાં નવી ધામિર્કતા જ જોવા પામું છું.

૧૯૧૫ની આખરની વાત હશે. બાપુ કાંઈક લખતા હતા. હું પાસે બેઠો બેઠો ઉમર ખય્યામની ‘રુબાયત’નો [અંગ્રેજી] તરજુમો વાંચતો હતો. ફિટ્ઝીરાલ્ડના અનુવાદનાં વખાણ મેં બહુ સાંભળ્યાં હતાં, પણ એ વાંચ્યો નહોતો. ચોપડી પૂરી થવા આવી હતી, ત્યાં બાપુનું ધ્યાન મારા તરફ ગયું. “શું વાંચો છો?” તેમણે પૂછ્યું. મેં ચોપડી બતાવી. નવીસવી ઓળખાણ થયેલી. બાપુ સીધો ઉપદેશ આપવા માગતા નહોતા. ઊંડો નિસાસો નાખી તેમણે કહ્યું, “મને પણ અંગ્રેજી કવિતાનો બહુ શોખ હતો. પણ મેં વિચાર કર્યો કે મને અંગ્રેજી કવિતા વાંચવાનો શો અધિકાર? મારી પાસે વખત ફાજલ રહેતો હોય, તો હું મારી ગુજરાતી લખવાની શક્તિ કાં ન વધારું? દેશની સેવા કરવી હોય તો મારો બધો વખત મારી સેવાશક્તિ વધારવામાં રોકવો જોઈએ.” થોડી વાર થોભી પાછા બોલ્યા, “દેશસેવાને કાજે મેં ત્યાગ કર્યો હોય તો તે અંગ્રેજી સાહિત્યના શોખનો. પૈસા અને ‘કરિયર’ (કારકિર્દી)ના ત્યાગને તો હું ત્યાગ ગણતો જ નથી, એ તરફ મને કદી ખેંચાણ જ નહોતું. પણ અંગ્રેજી સાહિત્યનો શોખ પાર વગરનો હતો. પણ મેં નિશ્ચય કર્યો છે કે એ શોખ મારે છોડવો જોઈએ.” હું સમજી ગયો અને ચોપડી બાજુએ મૂકી દીધી.

નાનપણમાં શાહપુરની લાઇબ્રેરીમાં જ્યારે હું પહેલો ગયો અને ત્યાં જોયું કે, મહિને બે આના આપવાથી છાપાં વાંચવા મળે છે એટલું જ નહીં, પણ વાંચવાને ચોપડીઓ પણ મળે છે, ત્યારે મને બહુ આશ્ચર્ય થયું. આવી જાતની વ્યવસ્થા જેને સૂઝી હશે તેની કલ્પકતા વિશે મારા મનમાં ભારે માન ઊપજ્યું. ચોપડીઓ ખરીદવી ન પડે અને છતાં વાંચી શકાય, એ સગવડ શું ઓછી છે? જેને આ યુક્તિ સૂઝી હશે તે માનવજાતનો કલ્યાણકર્તા છે, એમ તે દિવસે અસ્પષ્ટપણે મને લાગ્યું. ઘરમાં તો શિવાજીનું ચરિત્ર, શિવાજીના ગુરુ દાદાજી કોંડદેવનું ચરિત્ર, રમેશચંદ્રના ‘જીવનપ્રભાત’નો [બંગાળીમાંથી] મરાઠી અનુવાદ અને ‘હરિશ્ચંદ્ર’ નાટક, એટલું જ વાંચેલું. ઘણુંખરું તો સમજાયું પણ ન હતું. પુરાણ સાંભળવા જઈએ તેમાં ખૂબ મજા પડતી. આમ વાંચવાનો શોખ શરૂ થયો હતો, એટલામાં અમે મીરજ ગયા. તે વખતે હું ચોથીમાં ભણતો હોઈશ. મીરજમાં પિતાશ્રીને સંસ્થાનના ચોપડા તપાસવાના હતા. એ સંસ્થાનના દફતરમાં, કોણ જાણે શા કારણે, ચોપડીઓનું એક કબાટ હતું. કેશુને એ પુસ્તક-સંગ્રહની ક્યાંકથી ભાળ લાગી હશે. એ ત્યાંથી વાંચવા માટે ચોપડી લઈ આવ્યો. મને પણ ચોપડી લાવવાનું મન થયું. મેં પિતાશ્રીને કહ્યું કે મારે વાંચવા માટે ચોપડી જોઈએ છે. એમણે કારકુનને કહી દીધું કે આને વાંચવાની ચોપડી આપજો. પિતાશ્રી અમારા ભણતર કે ઘડતર તરફ જરાયે વખત આપતા નહીં. એમને પોતાને ચોપડીઓ કે છાપાં વાંચવાનો શોખ નહોતો. વાતો હાંકવા એમની પાસે ઝાઝી મંડળી પણ આવતી નહીં. કચેરીનું મુખ્ય કામ, માંદાંની માવજત, દેવપૂજા, સ્તોત્રપાઠ એવા જ એમના [રસના] મુખ્ય વિષયો હતા. સાંજે નિયમિત ફરવા જાય, શાક પોતે ખરીદે. રાત્રે સાડા આઠ વાગે કે સૂઈ જવું ને સવારે વહેલા ચાર વાગ્યે ઊઠી ઈશ્વરચિંતન કરવું, એ એમનો અબાધિત કાર્યક્રમ. એમને બીજું કશું સૂઝતું જ નહીં; માંદા પડવાનું પણ સૂઝતું નહીં. અમે શું ભણીએ છીએ, શું વાંચીએ છીએ, કોની સાથે દોસ્તી રાખીએ છીએ, અથવા અમારા મગજમાં શું ચાલે છે, એ જાણવાની તેઓ જરાયે દરકાર રાખતા નહીં. છતાં એમનું સાદું અને સ્વચ્છ જીવન એની મેળે પોતાની અસર અમારી ઉપર પાડતું. કારકુને મને પૂછ્યું, “તમારે કેવી ચોપડી જોઈએ છે?” “હું શું જાણું?” મેં કહ્યું. “મજા પડે એવી સરસ ચોપડી તમે જ પસંદ કરી આપો.” તેણે પાંચ-દસ ચોપડીઓ હાથમાં લઈ એમાંથી એક મને કાઢી આપી અને કહ્યું, “આ લઈ જાઓ; આમાં બહુ જ મજા પડશે.” એણે એ બધી ચોપડીઓ વાંચી હતી, એમાં શક નથી. એણે મને જે ચોપડી આપી તેનું નામ હતું ‘કામકંદલા’. એ નાટક હતું કે નવલકથા હતી, તે મને બરાબર યાદ નથી. મુગ્ધભાવે હું એ વાંચવા લાગ્યો. મને એમાં ઝાઝો રસ ન પડ્યો. રસ પડે એવી મારી ઉંમરે ન હતી, છતાં હું જોઈ શક્યો કે એ ચોપડી ગંદી છે. ચોપડીની મારા ઉપર અસર થઈ તે કરતાં બીજા એક વિચારની જ વધારે અસર થઈ. હું મનમાં બોલ્યો, “ત્યારે કેશુ પણ આવી ગંદી ચોપડીઓ વાંચે છે? પેલો કારકુન અમારા જેવા નાના છોકરાઓને આવી ચોપડીઓની ભલામણ કેમ કરતો હશે? અને કેશુ તો મારો મોટો ભાઈ; મને જે હંમેશ ડાહ્યો થવાનો ઉપદેશ કરે છે એ કેવી ચોપડીઓ વાંચે છે, એની હવે મને ખબર પડી છે એ તો કેશુ જાણતો જ હશે. એણે મને ચોપડી લેતાં કેમ ન રોક્યો?” ઉપર લખેલી વિચારપરંપરા તે વખતે આટલી સ્પષ્ટતાથી તો હું ન લખી શકત. પણ, “અમુક કામ કરવું એ ખોટું છે એમ તે વખતે હું જાણતો નહોતો,” એમ કહી જ્યારે કોઈ પોતાનોે બચાવ કરે છે, ત્યારે એ વાત સહેજે મારે ગળે નથી ઊતરતી. સારું શું અને ખોટું શું, એનો કંઈક સ્થૂળ ખ્યાલ, કોણ જાણે કઈ રીતે પણ, માણસને બહુ જ વહેલો મળે છે. સદ્ભાગ્યે તે વખતે મારામાં આવી ચોપડીઓનો રસ ઊપજ્યો ન હતો. કવિતા ગોખવી, રમતો રમવી, વાતો કરવી, એ જ મારો મુખ્ય વ્યવસાય હતો. બિલાડીઓ અને કબૂતરો તે વખતના મારા જીવનનાં મુખ્ય સાથીઓ હતાં.

એક ડોશી અમારે ત્યાં ભિક્ષા માગવા આવતી. એની પાસે લોકગીતોનો ભંડાર હતો. મારી બાને લોકગીતોનો શોખ ભારે. સીતાનો વિલાપ, દ્રૌપદીની ભીડ, દમયંતીની મૂંઝવણ, રુક્મિણીનો વિવાહ, એ જ એ ગીતોના મુખ્ય વિષયો હતા. મારી બા અને ભાભીઓ બધાં જ લગભગ નિરક્ષર, એટલે શ્રૌત પદ્ધતિથી જ તેઓ કવિતાનો આસ્વાદ લઈ શકે. પેલી ડોશી લગભગ આખો બપોર અમારે ત્યાં ગાળતી. એમાં એને પ્રાપ્તિ પણ ઠીક થતી; બાને તેમ જ ભાભીને કાવ્યનો રસ મળતો. હું આ રસમાં ભાગીદાર થવા ચૂકતો નહીં. બા જોડે હું પણ કેટલાંયે લોકગીતો અનાયાસે શીખી ગયો હતો. સહેજ ઉંમર વધ્યા પછી મારા મગજમાં એવું ભૂત ભરાયું કે બૈરાંઓનાં ગીતો યાદ રાખવાં એ મરદને છાજે નહીં, એટલે પ્રયત્નપૂર્વક મારો એ રસ મેં મારી નાખ્યો અને એ લોકગીતો હું ભૂલી ગયો! તે વખતના આવા શુદ્ધ રસ આગળ ‘કામકંદલા’માં હું મશગૂલ ન થઈ શક્યો. મેં એવી એ એક જ ચોપડી વાંચી. એની અસર એ વખતે કશી ન થઈ. પણ ઉનાળામાં વાવેલું બીજ જેમ એમ ને એમ પડ્યું રહે છે અને ઘન વરસ્યે પાંગરે છે, તેમ ઉંમર વધ્યા પછી એ ચોપડીના વાચને પોતાની અસર બતાવી અને મનમાં મેલા વિચારો આવવા લાગ્યા. પણ ઘરની રહેણીકરણી અને સંસ્કારો શુદ્ધ, પિતાશ્રીની ધર્મનિષ્ઠા જબરી, અને મોટાભાઈની નૈતિક ચોકી નિરંતર જાગ્રત, તેથી એ મેલા વિચારોના અંકુરો ત્યાં ને ત્યાં જ દબાઈ ગયા અને કલ્પનાની વિકૃતિ ઉપરાંત ઝાઝી માઠી અસર થઈ નહિ. વાતાવરણ શુદ્ધ હોય તો ખરાબ વાચનમાંથી પણ માણસ કંઈક બચી શકે છે. ખરાબ વાચનએ ખરાબ તો ખરું જ; એનાથી બાળકોને બચાવવાં જોઈએ. પણ નિર્દોષ અને પ્રેમાળ કૌટુંબિક વાતાવરણ એ જ સૌથી અગત્યનું છે. શુદ્ધ વાત્સલ્યનો આસ્વાદ મળતો હોય ત્યાં જીવન સહેજે સુરક્ષિત રહે.

એક જ પુસ્તકને માટે લખવાનું બાકી રહી જાય છે. મારા મનના બંધારણ સાથે જેનો મેળ નથી બેસતો અને મારી આજ સુધીની સંસ્કારિતા સાથે જેનો તાલ નથી જામતો, છતાંયે જેણે મહિનાઓ સુધી મારા મન ઉપર એવી પકડ જમાવી કે હું દિનરાત એના વાતાવરણમાં રહેવા લાગ્યો. મૂળ પુસ્તક તો હું નથી વાંચી શક્યો. એનો મરાઠી અનુવાદ જ વાંચ્યો હતો અને પાછળથી એના એક-બે અંગ્રેજી અનુવાદ પણ વાંચ્યા. એ પુસ્તક છે ‘કુરાને શરીફ’. આ પુસ્તકનું અધ્યયન દરેક સંસ્કારી મનુષ્યે કરવું જ જોઈએ.

માણસના જીવનને ઘડવામાં વ્યક્તિઓનો ફાળો હોય છે. [તેમ] સારી સારી ચોપડીઓનો એટલો જ મહત્ત્વનો ફાળો હોય છે. કેટલાક લોકોના જીવનમાં એકાએક પરિવર્તન થાય છે. [પણ] મોટે ભાગે તો માણસ પોતાના જીવનમાં ધીરે ધીરે ફેરફારો કરતો જાય છે. ચોપડીઓની અસર કોઈક વખતે ચમત્કારી હોય છે, પણ ઘણી વાર તો ધીરે ધીરે જ થાય છે. આવી સ્થિતિમાં ઘણી વસ્તુઓને ગૌણ કરીને એક જ વસ્તુ આગળ કરવાનું મનુષ્યને મન થાય છે; અને તેથી માણસ એક વખતે એક ગ્રંથને આગળ કરશે, બીજે વખતે બીજાને. તેથી જીવન ઉપર ઊંડી અસર કરનાર એક જ ગ્રંથ ન હોય; તે તે કાળે અલગ અલગ ગ્રંથોએ અસર કરેલી હોય છે. માણસની કારકિર્દીની શરૂઆત જ હોય ત્યારે, રવીન્દ્રનાથ ઠાકુરની કે ગાંધીજીની અમુક ચોપડી વાંચી અને એમાંથી પોતાના જીવનની દિશા જડી, એમ માણસ કહી શકે. જે પ્રમાણે રસ્કિનનું ‘અન્ટુ ધિસ લાસ્ટ’ વાંચીને ગાંધીજીના જીવનમાં મોટું પરિવર્તન થયું, એવું તો મારા જીવનમાં કાંઈ થયું નહીં. જીવનવ્યવહારમાં અસંખ્ય લોકો સાથે આપણે મળીએ છીએ. થોડા લોકો સાથે ગાઢ પરિચય થઈ જાય છે. દરેક માનવી પાસેથી આપણે કૈંક ને કૈંક મેળવીએ જ છીએ. પણ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેમના પરિચય અને સહવાસથી આપણને નવી દૃષ્ટિ માત્ર નથી મળતી, પણ એ દૃષ્ટિ પ્રમાણે ચાલવાનું બળ પણ મળે છે. કેટલાંક પુસ્તકો પણ એવાં જ હોય છે, જેને આપણે પુસ્તક ન કહેતાં જીવંત વ્યક્તિ કહી શકીએ. પરમ સખા, મિત્ર અને ગુરુ, ત્રણેનું કામ એ એકસાથે કરે છે. જે માણસને અનેક દેશોની યાત્રા કરવાનો લહાવો મળ્યો છે, જુદી જુદી સંસ્કૃતિના લોકો સાથે અનેક વિષયોની ચર્ચા કરવામાં રસ પડ્યો છે, તેને માટે પ્રવાસ એ સંસ્કારિતાનું એક મોટું સાધન બને છે. કુદરત અને મનુષ્યજીવન એ જ એક વિશાળ ગ્રંથ બને છે. અને પછી એના સતત અધ્યયનથી જ માણસ ઘડાય છે. શબ્દબદ્ધ સાહિત્ય એને માટે ગૌણ બને છે. અને તેથી, અમુક સાહિત્યને લીધે જ હું ઘડાયો, એમ હું કહી ન શકું. અને છતાં સાહિત્ય દ્વારા મેં એટલું બધું મેળવ્યું છે કે સાહિત્ય પ્રત્યે મનમાં ઊંડો આદર અને અખંડ કૃતજ્ઞતા જ રહી છે. [‘કાલેલકર ગ્રંથાવલિ’ તથા અન્ય પુસ્તકો]