સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાન્તિ ભટ્ટ/કોણ કેદી, કોણ મુક્ત?
લંડનની જેલના એક કેદીની વાત છે. ઇરવીન જેમ્સ નામનો કેદી ૧૫ વર્ષની જેલ ભોગવે છે. જેલમાં એક ધર્મગુરુની પત્ની મેડમ ગ્રેસ કેદીઓને ભણાવવા આવે છે. ઇરવીન જેમ્સ કિશોર વયે ગુનો કરીને આવ્યો છે. તે જેલમાં બેઠાં કોલેજની એક્ષટર્નલ પરીક્ષા આપે છે. પાદરીની પત્ની તેને મોપાસાં અને દોસ્તોયેવસ્કીનાં પુસ્તકો આપે છે; પ્રેરણા આપે છે કે તું પત્રકાર બન, ‘ગાર્ડિયન’ નામના અંગ્રેજી દૈનિકમાં લેખો લખ. ‘ઓપન યુનિવર્સિટી’માં ઇરવીન જેમ્સ થોડું પત્રકારત્વ ભણ્યો અને જેલમાં બેઠો. ‘ગાર્ડિયન’નો એ હવે જેલ કોરસપોન્ડન્ટ બન્યો છે, સમાજ અને સરકારને ધધડાવે છે. તેના લેખોનું પુસ્તક પણ પ્રગટ થયું છે: ‘એ લાઇફ ઇનસાઇડ જેલ: એ પ્રિઝનર્સ નોટબુક’. એક બાજુ જેલમાં બેસીને લંડનનો કેદી મુક્ત પત્રકારત્વ ચલાવે છે અને ભારતમાં મુક્ત પત્રકારોમાંથી મોટા ભાગના સરકારના કે ઉદ્યોગપતિઓના કેદી બન્યા છે. પત્રકારો દાઉદ ઇબ્રાહીમ અને પોલીસ ઓફિસરોના હપ્તા ખાનારા થયા છે. બ્રિટિશ જમાનામાં સ્વતંત્ર રીતે કંઈ લખવું તે જેલનિવાસ નોતરવા બરાબર હતું. ૧૯૧૨ આજુબાજુ એટલે કે ૯૩ વર્ષ પહેલાંની વાત છે. એ વખતે આજનું ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ અને બીજા અંગ્રેજી વર્તમાનપત્રો અંગ્રેજોના હાથમાં હતાં. તેમાં બ્રિટિશ સરકારની ખુશામતો થતી રહેતી. ૧૯૧૨માં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હતી. તે વખતે સ્વતંત્ર વિચાર ધરાવનારા સર ફિરોજશા મહેતા ફરીથી ચૂંટણી ન જીતે માટે અંગ્રેજોએ ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ દ્વારા ફિરોજશા વિરુદ્ધ ઝેરી પ્રચાર શરૂ કર્યો. તે સમયે લોકમાન્ય ટિળક, ગોપાલકૃષ્ણ ગોખલે અને દાદાભાઈ નવરોજીને લાગ્યું કે રાષ્ટ્રીય ભાવના ફેલાવવા એક અંગ્રેજી અખબાર હોવું જોઈએ. અંગ્રેજી અખબારો જ ઠેઠ દિલ્હી સુધી ફફડાટ ફેલાવી શકે. ૧૯૧૩ના માર્ચ મહિનામાં ‘બોમ્બે ક્રોનિકલ’ શરૂ થયું ત્યારે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ ચાર આને વેચાતું. ‘બોમ્બે ક્રોનિકલે કિંમત ફક્ત એક આનો રાખી. ‘બોમ્બે ક્રોનિકલ’ના તંત્રી તરીકે અંગ્રેજ વીર હોર્નિમને બ્રિટિશરોનાં કાળજાં બાળી નાખે તેવા તંત્રીલેખો લખવા માંડ્યા. ‘બોમ્બે ક્રોનિકલ’ની નકલો લંડનમાં આયાત કરવા પર પ્રતિબંધ મુકાયો. બ્રિટિશ સરકારના ભારતીય ઓફિસરો કે લશ્કરના સૈનિકોને હુકમ થયેલો કે કોઈએ ‘બોમ્બે ક્રોનિકલ’ વાંચવું નહીં. ત્યારે છાપું કાઢનારે સરકારમાં રૂ. ૧૦,૦૦૦ની ડિપોઝિટ ભરવી પડતી. બ્રિટિશ સરકારને હાનિ થાય તેવું લખાણ કે રિપોર્ટ છાપનારની ડિપોઝિટ જપ્ત થતી. હોર્નિમનનાં લખાણોથી બ્રિટિશ સરકાર એટલી બધી ડરી ગઈ કે તેને ઇંગ્લૅન્ડમાં મોકલી દીધા. વીર નરિમાન કે લોકમાન્ય ટિળક કે હોર્નિમન એ બધા પત્રકાર કે દેશનેતા તરીકે બ્રિટિશ સત્તાધીશો સામે ત્રાડ નાખતા. આજના કેટલાક અખબારનવેશો પોતાના જ પિંજરામાં પુરાયેલા શિયાળો છે, તેને ઉદ્યોગપતિઓ કે રાજકારણીઓએ પોતે કરેલા શિકાર પછીનાં જાહેરખબર બ્રાન્ડનાં હાડકાં પીરસે છે. ટી. વી. ચેનલોના માલિકો તે હાડકાંને ચાવ ચાવ કરીને સંતુષ્ટ રહે છે. આજે દિલ્લીમાં પત્રકારો કરોડપતિ થઈ ગયા છે. અમે ૨૫ વર્ષો પહેલાં બહારગામ રિપોર્ટિંગ માટે જતા, તો અમારા સામયિકના ગુણગ્રાહી વાચકોને ઘરે ઊતરતા, થર્ડ ક્લાસ ટ્રેનની સફર કરતા. આજે પત્રકારો ફાઇવસ્ટાર હોટલમાં ઊતરે છે. વડા પ્રધાન સાથે જેટ વિમાનમાં સરકારને પૈસે પરદેશની સફર કરે છે. વાચકોએ સતત ચારે કોર ચર્ચાપત્રો કે તંત્રીને પત્રો લખીને સ્થાપિત હિતો અને સ્વાર્થી રાજકારણીઓ સામે આક્રોશ ઉઠાવવો જોઈએ. માત્ર પત્રકારો જ શું કામ પત્રકારત્વ કરે? પત્રકારિતાનું શસ્ત્ર વાચકો પણ વાપરે. જેના નામનું ‘પુલીત્ઝર પ્રાઇઝ’ અમેરિકામાં મશહૂર છે તેમણે ૧૯૦૭માં પોતાની નિવૃત્તિ સમયે પત્રકારોને શીખ આપેલી. જોસેફ પુલીત્ઝરના પ્રેરણાદાયી શબ્દો આ રહ્યા: “પ્રગતિ અને સુધારા માટે હંમેશાં સંઘર્ષ કરો. અન્યાય અને ભ્રષ્ટાચારને કોઈ દિવસ સહન ન કરો. તમામ રાજકીય પક્ષોના પીઠ્ઠુઓ અને દંભી લોકો સામે હંમેશાં લડો, તેને ખુલ્લા કરો. કોઈ પણ પક્ષના વાજિંત્ર ન બનો. જનતાનું ધન લૂંટનારાને ખુલ્લા પાડો. ગરીબો સાથેની સહાનુભૂતિમાં કદી જ દરિદ્ર ન બનો. માત્ર સમાચારો જ છાપીને સંતોષ ન માનો. જનતાના કલ્યાણ માટે વારંવાર યોગદાન આપો. ખોટું બનતું હોય તેના ઉપર હુમલો કરતાં ન ડરો. જો કોઈ પોતાની એકહથ્થુ સત્તા જમાવવા કોશિશ કરે તો ખાસ કઠોર હુમલો કરો. કલમનું શસ્ત્ર તમારા હાથમાં છે. એ શસ્ત્રનો બરાબર ઉપયોગ કરો. તેને વટાવી ન ખાઓ.” [‘દિવ્ય ભાસ્કર’ દૈનિક: ૨૦૦૪]