સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાન્તિ શાહ/“— એવું કાંઈક કરોને!”
છેલ્લા દિવસોમાં જયપ્રકાશ નારાયણનું શરીર જર્જર થતું જતું હતું. ઘણા નબળા પડી ગયા હતા. ઘણી વાર કહેતા, ભગવાને મને કેવો લાચાર બનાવી મૂક્યો છે! એકાંતરે કરવા પડતા ડાયાલીસીસથી તો તંગ આવી ગયા હતા. તે દરમિયાન કષ્ટ પણ બહુ પડતું. કહેતા, મારે આ ઉપચાર કરાવવો જ નથી, આનાથી હું ત્રાસી ગયો છું! એમના પરમમિત્રા ગંગાબાબુને કહ્યા કરતા કે, “હવે જીવવાની ઇચ્છા નથી. આવી જિંદગી કરતાં તો મૃત્યુ સારું! ગંગાબાબુ, તમે મિત્રા થઈનેય આટલું નથી સમજતા કે હું કેટલું કષ્ટ ભોગવી રહ્યો છું! આ જીવનનો શાંતિમય અંત આવે એવું કાંઈક કરોને!” છેલ્લા દિવસોમાં એક સંસ્કૃત સુભાષિત રટયા કરતા : ‘મુહૂર્ત પ્રજ્વલિતં શ્રેયઃ, ન તુ ઘુમાયતે ચિરમ.’ (લાંબા વખત સુધી ઘુમાયા કરવા કરતાં ક્ષણવારમાં પ્રજ્વલિત થઈ બળી જવું બહેતર.) દિવસમાં બેચાર વાર આ બોલ્યા જ હોય. કોઈ આવીને દીર્ઘાયુ માટે શુભેચ્છા વ્યક્ત કરતું, તો જયપ્રકાશજી કહેતા : “મારે આયુષ્ય નહીં, સ્વાસ્થ્ય જોઈએ છે. જ્યાં સુધી જીવતો રહું ત્યાં સુધી સ્વસ્થ રહીને કાંઈક કરી શકું, એવી કામના કરો!” [‘ભૂમિપુત્રા’ પખવાડિક : ૨૦૦૨]