સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કિશોરલાલ મશરૂવાળા/અવિશ્વાસ ક્યાં સુધી?
ચારે બાજુ ચોરી, લાંચરુશવત, નફાખોરી, અપ્રામાણિકતા વગેરે અનીતિઓની ફરિયાદો સંભળાય છે. વેપારીઓની નફાખોરી અને માલમાં દગાની ફરિયાદ જનતા કરે છે; અને વેપારીઓ સરકારી નોકરોની લાંચરુશવતની ફરિયાદ કરે છે. પોતાનું કામ કરાવવા માટે જનતા તરફથી નાના નોકરોને બતાવાતી લાલચોની ફરિયાદ ઉપરી અધિકારીઓ કરે છે; જૂઠાં કામ કરવા માટે કારકુનો પર ઉપરીઓ કે માલિકો કેવી રીતે દબાણ લાવે છે તેના કેટલાયે દાખલા મળે છે. બિલકુલ શુદ્ધ રહીને કામ કરવું— કરાવવું કેવું અશક્ય થઈ પડ્યું છે, અને શુદ્ધ વ્યવહારનો પ્રયત્ન કરનારાઓને પોતાનાં ધંધા-નોકરી વગેરે બધું કેવી રીતે છોડી દેવું પડે છે, તેનાં પણ ઉદાહરણ મળે છે. આ બધા દોષો દૂર કરવા માટે ફાંસી, જાહેરમાં ફટકા વગેરે ઘણી સખત સજાઓ, જાસૂસી, વળી આ જાસૂસો પર પણ જાસૂસી વગેરે ઉપાયો સૂચવવામાં આવે છે. કેટલાક રાજકીય પક્ષો માને છે કે જો તેમની પાસે સત્તા આવે તો તેઓ આ અપ્રામાણિકતા તરત દૂર કરી શકશે. પણ તે દૂર કરવાનો ઉપાય સૌકોઈ એક જ બતાવે છે — કડક તપાસ, સખત સજા વગેરે. પણ આપણે એ સમજવાની જરૂર છે કે આ જે અપ્રામાણિકતા અને અનીતિ ફેલાયેલાં છે તે કોઈ એક-બે નાનાં દળો કે વર્ગોમાં મર્યાદિત નથી. જેટલી અપ્રામાણિકતા થાય છે તે બધી સરકારી નોકરોની જ છે, કે વેપારીઓની જ છે, કે નિયંત્રાણ વગેરે સરકારી નીતિઓને કારણે છે, એમ કહેવું સોળે આના સાચું નથી. સરકારી નોકરો, વેપારીઓ, તેમના નોકર — આ બધાની કોઈ સ્વતંત્રા ન્યાત નથી. તેઓ જનતાનો જ એક ભાગ છે. એક જ કુટુંબ કે સગાંઓમાં કૉંગ્રેસી, સમાજવાદી, સામ્યવાદી, વેપારી, સરકારી અધિકારી અને સીધોસાદો માણસ — બધા પ્રકારના માણસો મળી આવે છે. તેથી વ્યવહારમાં જે કોઈ નીતિ-અનીતિ જોવામાં આવે છે તે કોઈ ખાસ નાના સમૂહની નથી પણ તેની ફરિયાદ કરનાર આખા સમાજની છે. સમાજની નીતિ-અનીતિ જે હદે હશે, તેના કરતાં આ બધા ધંધા— નોકરીવાળાઓની નીતિમાં વધારે ફરક ન હોઈ શકે. સામાન્ય જનતાની નીતિ અને બુદ્ધિ જેટલી શુદ્ધ હશે, એટલો જ દેશનો કારભાર શુદ્ધ રહેશે. વેપાર, રાજ્યવ્યવસ્થા વગેરેનાં કામકાજમાં હિસાબ, પત્રાવ્યવહાર, દફતર, દેખરેખ વગેરે વ્યવસ્થિત રીતે રાખવાની જરૂર તો રહે છે જ. પણ એ બધાંની ઉપયોગિતાની એક હદ છે. દુનિયા અપ્રામાણિક માણસોથી ભરેલી છે; જો દરેક વ્યવહાર પર પૂરી દેખરેખ રાખવામાં આવે, દરેક વસ્તુ તાળાચાવી-ચોકીદાર વગેરેની બરાબર સંભાળ હેઠળ રાખવામાં આવે, દરેક નોકર પર વળી બીજા નોકરની ચોકી હોય અને તેમને સજા વગેરેનો ભય હોય, તો જ દુનિયામાં ઠીક વ્યવહાર ચાલી શકે — આ નિષ્ઠા પર આપણાં બધાં કામકાજ ચાલે છે. આ રીતે સઘળો દુન્યવી વ્યવહાર અવિશ્વાસના પાયા પર રચવામાં આવ્યો છે. જેટલો વધારે અવિશ્વાસ અને તેને લીધે જેટલી વધારે સાવધાની અને ભયનું તંત્રા, એટલી વધારે વ્યવહારકુશળતા માનવામાં આવે છે. પણ એથી અપ્રામાણિકતા, દગો, છેતરપિંડી, કપટ વગેરે કદી બંધ પડ્યાં નથી. બલકે અનીતિ વધે છે, ઢીલ તો વધે જ છે. કોઈ કામ ઉત્સાહથી થતું નથી. કામ સારી રીતે કરવામાં પોતાની કાબેલિયત બતાવવાનો ઉમંગ થતો નથી. બલકે, ઉપરીની દેખરેખ અને સાવધાનીને નકામી કરવાની પ્રવૃત્તિ થાય છે. બધું કામ યાંત્રાક બનાવવાના પ્રયત્નો થાય છે. ચોરી કરવાના અને પકડવાના માર્ગો શોધવામાં જ બુદ્ધિનો ઉપયોગ થાય છે. તેથી, અપ્રામાણિકતા અટકાવવા માટે કડક દેખરેખ, સજા વગેરેનો માર્ગ આપણે છોડવો જોઈએ. એક સાચા માણસ પાસેથી તેના પર અવિશ્વાસ રાખીને કામ લેવા કરતાં, એક નામીચા ડાકુ પર પણ વિશ્વાસ રાખીને તેની પાસેથી કામ લેવું વધારે સારું છે. એક સાચકલા માણસને જ્યારે એમ માલૂમ પડે છે કે તેના પર વિશ્વાસ રાખવામાં આવતો નથી, ત્યારે સમાજ પ્રત્યે તેનો આદર ઘટી જાય છે. બીજી બાજુ, એક ચોરને પણ જ્યારે એમ અનુભવ થાય છે કે, મને ડાકુ જાણતા છતાં પણ મારા પર વિશ્વાસ કરવામાં આવે છે, ત્યારે તેના હૃદયમાં રહેલી માનવતા જાગૃત થાય છે. એ વિશ્વાસને પાત્રા થવાની તેને ઇચ્છા થાય છે. એમ ન પૂછશો કે કેટલો વિશ્વાસ રાખવો, ક્યાં સુધી વિશ્વાસ રાખવો? બલકે, એ બતાવો કે ક્યાં સુધી તમે અવિશ્વાસ રાખીને ચાલશો? કોઈની પર પણ વિશ્વાસ રાખ્યા વિના તમે કયાં કામો પાર પાડી શક્યા છો? વિશ્વાસથી જ સદ્વ્યવહાર પેદા થઈ શકે છે, અવિશ્વાસથી કદી નહીં.