સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કેશુભાઈ દેસાઈ/ખૂણામાં પડેલો જાગતો જીવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          શંભુભાઈ યોગી જિંદગીનો અંતિમ અધ્યાય જીવી રહ્યા છે. એમનું ખોળિયું હવે વધતી ઉંમરનો ભાર કેટલો વખત ખેંચી શકશે એ કહેવું મુશ્કેલ છે. કાન સમૂળગા ગયા છે અને ખખડધજ કાયા લાંબી વાંસની લાકડીના ટેકા વગર ડગલુંય ભરી શકવાની સ્થિતિમાં નથી. એક વાર બેસી ગયા પછી ઊભા થવા માટે પણ છોકરાંના ટેકાની જરૂર રહે છે. ડાયાબિટીસ રગરગમાં પ્રસરી ચૂક્યો છે અને લોહીનું દબાણ પણ ખરું જ. વચ્ચે ‘એન્જિન’ દબી જતાં માંડ બચેલા. પંચોતેર વરસ ચાલ્યું, એકધારું. હવે તો થાકેય ખરું ને! શરીર ભલે ખખડી ગયું; પરંતુ એમનું ભીતર તો એવું ને એવું સાબૂત છે. ને એટલું જ સક્રિય છે એમનું માથું. ક્યારેક નાના નિશાળિયા હતા અને માસ્તરોનેય આંટી ખવડાવે એવાં લેખાં-પલાખાંનો ઉકેલ પાડી દેતા એમ આજે, આ ઉંમરેય, પર્યાવરણથી માંડીને સરજાતા સાહિત્ય લગીનાં ક્ષેત્રોમાં એમનો સાધિકાર ચંચુપાત ચાલુ છે. ચંચુ કહેતાં ચાંચની અહીં વિધવિધ લીલાઓ અભિપ્રેત છે. જે નિર્દોષ, ભોળાં, તક્વંચિત શિશુ મણુંદની ‘નવજીવન આશ્રમશાળા’માં શંભુદાદાની ઘેઘૂર છાયામાં જીવનવનમાં ઊડવા-વિહરવાની પૂર્વતૈયારીરૂપે દાખલ થાય છે, એમની ચાંચોમાં ચાવણું મૂકી આપવાની વાત સૌથી શિરમોર. કારણ કે એસ્તો એમનું અવતારકાર્ય છે. એ ફરજ નભાવતાં નભાવતાં પોતે જ્યાં ડેરાતંબૂ તાણ્યા છે એ પાટણપંથકનો નપાણિયો પ્રદેશ, આપણો દેશ અને હવે ઘરખૂણે દૂરદર્શનનાં ડબલાંમાં સમાઈ જતી પૃથ્વી—એમની કલમની જીભ ‘(ચાંચ’) આખા બ્રહ્માંડની તલાશી લઈ નાખે છે! ખૂણામાં પડેલો જાગતો જીવ ધારે તો શું શું કરી શકે, એ જોવાની જિજ્ઞાસા જાગે, તો એક વાર મણુંદ જઈ આવવા જેવું ખરું! અમને વળી, એવી ટાઢક તમને પણ જરૂર વળશે. દાયકાઓ પૂર્વે તલોદમાં મળ્યા ત્યારે શંભુભાઈએ મણુંદ આવવા આપેલા ઈજનનો છેક હમણાં અમલ થઈ શક્યો. શંભુભાઈને જોયે વરસો નહિ, દાયકાઓ વીતી ગયેલા. છતાં એની આંખ અમને તો જોતાંવેંત ઓળખી ગઈ. લાંબી લાકડી લઈને પડું પડું થતા સામા આવ્યા. નવજીવન આશ્રમશાળા મણુંદના સ્ટેશન વિસ્તારમાં રણમાં વીરડી જેવી શોભે છે. પાટણ અને ચુંવાળ વચ્ચેના આ પંથકનાં પાણીદાર માનવી દિનપ્રતિદિન પાણીની કટોકટી ભણી ધસી રહ્યાં છે ત્યારે, આ આખોય વિસ્તાર રણમાં ન ફેરવાઈ જાય એની શંભુભાઈને ભારે ફિકર છે. પર્યાવરણ અંગે આશ્રમના અધ્યાપકગણને અને બાળવયના છાત્રોને સજ્જ કરવા પાછળ આ ઋષિની આર્ષદૃષ્ટિ જ કામ કરી રહી છે. એમને આખા પંથકના મહાજનો અને કૃષિકારોનું પીઠબળ છે. શંભુભાઈ જૂના જમાનાના શિક્ષકજીવ છે. શિક્ષક હોવાની સાથે જ તેઓ આજીવન વિદ્યાર્થી પણ છે. નવું નવું વાંચવાનું, નવું નવું શીખવાનું એમને ગમે છે. એમની જઈફ કાયામાં એક જિજ્ઞાસુ જીવે છે. એથી જ તો તબિયતના અસહકાર છતાં તેઓ નિરંતર કાર્યરત રહે છે. કોઈ નવું પુસ્તક જોયું નથી કે એનું પાનેપાનું ફેંદી વળવાના. પુસ્તક વાંચે એટલું પૂરતું નહિ; એના વિશે સમીક્ષાત્મક અભિપ્રાય પણ લખી મોકલે. બસ, કંઈક મનને સ્પર્શવું જોઈએ. રાવળ-વાઘરી જેવી તકવંચિત, વિચરતી જાતિઓનાં બાળકોને ભણાવી ગણાવી એમને સુધરેલા સમાજની લગોલગ મૂકી આપવાના ઉદ્દેશ સાથે એમની આશ્રમપ્રવૃત્તિ આરંભાયેલી. પરંતુ શંભુભાઈએ તો આશ્રમ દ્વારા ‘નવજીવન’ની પરબ માંડી છે. જેને તરસ લાગી હોય એ ખુશીથી આવી શકે છે. આચારવિચારમાં શુધ્ધ ગાંધીપંથી એવા શંભુભાઈને ખુદ રાવળ-યોગી જમાત કરતાં ઊજળાં લૂગડાંવાળાએ વધારે ઉમળકાપૂર્વક સ્વીકાર્યા છે. નહિતર પૌષ્ટિક નાસ્તો, દૂધ, ત્રણ ટંક ખાવાનું, કપડાં, સાબુ—એ બધાં માટે સરકાર તો છોકરાદીઠ દિવસના સાત રૂપિયા ચૂકવીને બગલો ઊચી કરી દે છે. એવા નપાણિયા મલકમાં બેઠાં બેઠાં એમની સંસ્થા મારફત વિજાપુર તાલુકાના સોજા-હસનાપુર પંથકમાં એમણે એક લાખ ઝાડ ઉગાડ્યાં છે. પાણીનાં ટીપેટીપાંની જાળવણીનો એ આજુબાજુના ખેડૂતો અને ખેતમજૂરોને ખ્યાલ આપતા ફરે છે. એમની પ્રેરણા થકી આ નપાણિયા પંથકમાં ખેતતલાવડીઓ ખોદાઈ રહી છે. મણુંદના પાદરમાં એક રાવળનો દીકરો હજી હયાત છે. એ હશે ત્યાં લગી અમને ગાંધીનું નખોદ ગયાની વાત નહિ જ મનાય! [‘નયા માર્ગ’ પખવાડિક: ૧૯૯૭]