સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગિજુભાઈ બધેકા/ગિજુભાઈની બાલવાર્તાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          પીરુ જુવાન હતો. કાંડામાં બળ હતું, પગમાં જોર હતું, ચહેરો ગુલાબી હતો. પીરુ માથે ઓડિયાં રાખે. ડિલે તસતસતું કેડિયું પહેરે અને હાથમાં ડાંગ રાખે. પીરુ જુવાન હતો. બાપા ઘરડા હતા, સિત્તેર વરસનું ઠોઠું. માથે પળી ને આંખે મોતિયો. પગ ચાલતા નહોતા. બાપાને પીરુ વહાલો, ને પીરુને રમજુ વહાલો. પીરુ બાપાનો, ને રમજુ પીરુનો. બેઉ બાપાના તો ખરા જ; પણ પીરુ બાપાનો, ને રમજુ પીરુનો. બાપાને મન છ માસનો રમજુ યે છોકરું, ને અઢાર વર્ષનો પીરુયે છોકરું. બાપા ઓશરીમાં બેસે, બજર સૂંઘે, બંદગી કરે, બે ટંક રોટલા ખાય, ને રમજુને હેત કરી રમાડે. પીરુ ઘાણી હાંકે, તેલ વેચે, ઘરાક સાચવે, પૈસા ગણે ને વેપાર ચલાવે. બાપા ઓશરીમાં બેઠા બેઠા પીરુને હરતોફરતો જોઈ રાજી થાય. પીરુ વારેઘડીએ ઘરમાં જઈ જઈ રમજુને રમાડે. બાપાને પીરુની પહેલી ફિકર, ને પીરુને રમજુની પહેલી ફિકર. પણ પીરુને મન બાપાની ફિકર લેખામાં યે નહિ! ને રમજુ ક્યાં પીરુની ફિકર સમજે તેમ હતો? બાપા કહેશે : “પીરુ! અડધી રાતે બહાર ચાલ્યો, તે લાકડી લેતો જજે. અને જોડા પણ પહેરતો જજે.” પીરુ કહેશે : “બાપા! એટલી બધી ફિકર શું કામ કરો છો! અમને એટલી ખબર નહિ પડતી હોય?” પીરુ જાણીજોઈને જોડા પહેર્યા વિના જ ચાલ્યો જાય. પોતે જુવાન હતો ના! બાપાનો જીવ કળીએ કળીએ કપાય. પણ પીરુને તો ગગનમાં ગાજે! કડકડતી ટાઢ પડતી હોય ને પીરુ ઉઘાડે ડિલે બળદને નીરણ નાખતો હોય. બાપા કહેશે : “પીરુ! પછેડી ઓઢ, પછેડી; ક્યાંઈક ઝપટમાં આવી જઈશ, ઝપટમાં!” પીરુ કહેશે : “બાપા! ઈ ટાઢ તો તમને ઘરડાને વાય; મને તો ઊલટો ઘામ થાય છે ઘામ!” છોકરો મોટો અને જુવાન; વખતે આવું એલફેલ બોલી નાખે. બાપા કહેશે : “હશે! અણસમજુ છે.” તો યે આખરે બાપ! ઉનાળાના ખરા બપોર તપતા હતા, ને સૂરજ માથે આવ્યો હતો. ઘરમાં રોટલા ઘડાઈ રહ્યા હતા. પીરુ છાપરું ચાળતો હતો. બાપાએ બૂમ પાડી : “એ પીરુ! હવે તો હેઠો ઊતર. ક્યારનો ચડયો છે તે બપોર થઈ ગયા.” પીરુ કહે : “બાપા, હવે એક કાવું ઢાંકીને આ ઊતર્યો! બાપા, હમણાં જ ઊતર્યો સમજો.” પીરુ નળિયાં ફેરવતો હતો; પણ બાપા ઉતાવળા થયા. એને એમ કે, મારો પીરુ તડકે તપે છે; વખતે એનું આંખમાથું દુઃખે. બાપે ફરી બૂમ પાડી : “પીરુ! હેઠો ઊતર્યો કે? માથે ધોમ ધખ્યો છે — ખબર નથી પડતી? આ રોટલાવેળા તો થઈ!” પીરુ તડકામાં તપ્યો : “આ અડધું કાવું ઢાંકીને ઊતરું છું, ત્યાં આવડી ઉતાવળ શી છે? બાપુ! ભૂખ લાગી હોય તો તમે ખાઈ લ્યો ને! એમ તો વાર લાગશે.” બાપ વિચારમાં પડ્યો; જરા માઠું લાગ્યું. તેનાથી ન રહેવાયું. ઊંચે સાદે બોલ્યો : “એલા પીરુ! ગાંઠતો નથી કે? આ માથે આગ વરસે છે, ને કાવું ઢાંકવા બેઠો છે? ત્યાં ભૂખની કોને પડી છે? — મને તો તારી ફિકર છે!” પીરુ બબડયો : “આ બાપા જોને? એને મારી ફિકર થાય છે! હું રમજુ હોઈશ, ખરું ના? એ બાપા! તમે તમારે નિરાંતે બેસો. હું કાંઈ નાનો કીકલો નથી — મને શાનો તડકો લાગે? આ ઢાંકીને ઊતર્યો.” બાપા કહે : “એલા, અબઘડીએ ને અબઘડીએ ઊતરે છે કે નહિ? મારે તારું કાવું નથી ઢાંકવું! એક વાર હેઠો ઊતરે છે કે નહિ? આ તડકો નથી જોતો?” પીરુ કહે : “બાપા! તમે તમારે ગમે એમ કરો. ગમે તો રાડો નાખો, ને ગમે તો બેસો. આ કાવું ઢાંક્યા પછી બીજી વાત… ને તમને તડકો ક્યાં લાગે છે, તે તડકો તડકો કરીને માથું પકવો છો? તડકો લાગવાની શું અમને ખબર નહિ પડતી હોય?” બાપાનો જીવ દુઃખાયો. બાપા ખિજાયા. બાપા ઘરમાં દોડયા ને રમજુનું ઘોડિયું ઉપાડયું. ધ્રૂજતે હાથે ને લથડતે પગે ઘોડિયું બહાર કાઢયું ને ફળિયામાં મૂક્યું : “લે ત્યારે, જો હવે તડકો લાગવાની ખબર પડે છે કે નહિ? હવે હેઠો ઊતરે છે કે નહિ?” પીરુ ઠેકડો મારીને હેઠો ઊતર્યઃ “હં હં, બાપુ! આ શું કર્યું? આ રમજુડો મરી જશે! આ બાળકને આગમાં મૂકતાં વિચાર નથી આવતો?” પીરુએ એક જ હાથે ઘોડિયું ઉપાડીને ઓશરીની કોર ઉપર મૂક્યું. બાપે કહ્યું : “બેટા! રમજુ તને કેવો વહાલો છે! એવો જ તું મને વહાલો છે. જેવો તું એનો બાપ, એવો જ હું તારો બાપ. જેવો રમજુ પીરુને મન કીકો, એવો જ પીરુ મારે મન કીકો! જેવો તારો રમજુ, એવો જ મારો તું. સમજ્યો, બાપુ?” ડોસાની આંખમાં આંસુ આવ્યાં. પીરુ શરમાઈ ગયો; તેણે નીચું જોયું. તેની આંખમાંથી પણ આંસુ ખર્યાં.

લખડો ગાંડો છોકરાં બધાં વાંસે વાંસે ફરે. એક મોટી ઘીંઘ. લખડો આ શેરીમાં જાય તો છોકરાં એ શેરીમાં જાય, ને લખડો બીજી શેરીમાં જાય તો સૌ તેમાં જાય. “લખડો ગાં…ડો! લખડો ગાં…ડો!” કરીને બધાં લખડાને ખીજવે. લખડો શું કામ ખિજાય? એ તો એની મેળે જવું હોય ત્યાં જાય, ને આવવું હોય ત્યાં આવે. લખડાનો વેશ ચીંથરિયો. ચીંથરાં ચીંથરાં બાંધીને મોટો ઝભ્ભો કરેલો, એ લખડો પહેરે. એને જોઈને ગામનાં કૂતરાં ય ભસે. નાનાં છોકરાં તો એને જોઈને ઘરમાં સંતાઈ જાય. “ઓય બાપ રે! લખડો આવ્યો.” રસ્તામાં જે પડ્યું હોય તે લખડો ઉપાડે. કોડી, બંગડી, કૂંચી, ભાંગેલું તાળું, સડી ગયેલું બુતાન, તૂટી ગયેલા કાચના હીરા, નાખી દીધેલાં ડબલાં — જે હાથ આવે તે લખડો ઉપાડે! ને પછી એક દોરીમાં બધાંને બાંધીને મોટો હાર કરીને પહેરે. ગામ બધું એને ‘લખડા ગાંડા’ને નામે ઓળખે. ગાંડા જેવો જ ખરો ને? બોલે તે ય ગાંડા જેવું, ચાલે તે ય ગાંડા જેવું; એનું બધું ગાંડું ગાંડું. છોકરાં કાંકરા મારે, તો લખડો કાંકરા લઈને ચીંદરીએ બાંધે. છોકરાં કહેશે : “લખડો વાં…દરો!” “લખડી વાં…દરી!” તો લખડો સામે હસે. છોકરાં કહે : “લખડા, કૂદકા માર જોઈએ?” તો લખડો કૂદકા મારે. કહે : “રોવા માંડ જોઈએ?” તો લખડો રોવા માંડે. લખડાને ઘરે નહિ ને બારે નહિ. જ્યાં ઊભા ત્યાં એનું ઘર, ને જ્યાં ઊભા ત્યાં એનું બાર. ઠામઠીકરું તો હોય જ શાનું કે લખડાને સાચવવું પડે? પંડ સાથે બધું આવ્યું. ભૂખ લાગે તો લખડો કોઈને ત્યાં જઈને ઊભો રહે ને કહે : “ખાવા દેશો?” આપે તો ઠીક, નહિ તો બીજે ઘેર. પાંચ-સાત ઘર ફરે, મળે એટલું ખાય, નહિતર ભૂખ્યો તો રહે જ. લખડાને વાસણમાં કોણ ખાવા આપે? લખડો કહેશે : “મારા હાથમાં આપો. હું એમ ને એમ ખાઈ જાઉં.” દાળ હાથમાં લે, રોટલા ય હાથમાં લે, ને ભાતેય હાથમાં જ લે. વરસાદ આવે તો લખડો ક્યાંઈક ભીંત વાંસે ઊભો રહે. શિયાળામાં ટાઢ વાય એટલે લખડો કૂતરાંની ભાઈબંધી કરે. ગલૂડિયાંને ને કૂતરાંને પાસે સુવડાવે. કૂતરાં પણ એને બહુ હળેલાં. લખડો માગી આણેલ રોટલામાંથી અડધો કૂતરાંને આપે ને અડધો પોતે ખાય. કોઈ કહેશે : “આવો ગાંડો તે કેવો?” ગાળો દઈએ તો કહેશે : “ભગવાન તમારું ભલું કરશે.” પગ બળતા હોય ને જોડા આપીએ તો કહેશે : “કોઈ ગરીબને આપજો — મારા તો પગ જ જોડા છે.” લખડો ચાલ્યો જતો હોય ને કોઈક ત્રીજે માળથી એઠું ફેંકે ને લખડા પર પડે, તો લખડો કહેશે : “આવું તો કોઈ દિવસ નહોતું થયું!” પુરુષો તો બધા કામમાં હોય. એ લખડાની સામેય ક્યાંથી જુએ? ઘર આગળ લખડો બેઠો હોય ને પોતે ઘેર આવે તો કહેશે : “હટ લખડા! અહીં કેમ બેઠો છે?” અમલદાર આવે તો પટાવાળાને કહેશે : “આ લખડાને કાઢો અહીંથી — આંટા મારે છે, તે માળો ચોર જેવો લાગે છે!” લખડો કહ્યા પહેલાં જ ઊભો થઈને ચાલ્યો જાય. નવરાં બૈરાંઓ લખડાને બોલાવે અને પૂછપૂછ કર્યા કરે : “લખડા! તું વાણિયો કે બ્રાહ્મણ?” લખડો કહેશે : “આપણે તો એકેય જાત નહિ.” “લખડા! અલ્યા, તું જેનું-તેનું ખાય છે, તે વટલાય નહિ?” “રોટલા તો બધાના સરખા જ છે ને? એમાં વટલાવું’તું શું?” “અલ્યા લખડા, આ વઘારણી ખાંડી દે; બે પૈસા આપીશ.” લખડો કહેશે : “લાવો ને બાપુ! પૈસાનું શું કામ છે? એમ ને એમ ખાંડી આપતાં ક્યાં દુઃખ પડે છે? પૈસા પાછો સાચવું ક્યાં? એ પૈસા તમારે ઘેર સારા.” લખડો દિવસ આખો આંટા માર્યા કરે. કોઈ ગાય પૂંછડે પડી હોય તો એને ઊભી કરે, કોઈક બકરીને વાણિયો મારે તો લખડો હાથથી પંપાળીને એને રમાડે, કોઈ ચકલીનું બચ્ચું માળામાંથી હેઠે પડી જાય તો પાંજરાપોળમાં મૂકી આવે. લખડો એવું એવું કરે. દિવસ આખો ચાલ્યો જાય. રાત પડે. લખડો ગામ બહાર ચાલ્યો જાય. દૂર દૂર નદીકાંઠે એક ભોંયરા જેવો ખાડો; એમાં જઈને લખડો બેસે. ભજન કરે ને ભગવાન ભજે. ખરેખર, લખડો શું ગાંડો હશે?

વાત કહેવાય એવી નથી? “ભાઈ! ઈ વાત કહેવાય એવી નથી. એમાં વારે વારે શું પૂછે છે? એક વાર કહ્યું કે ઈ વાત કહેવાય એવી નથી.” “પણ ભાઈ! એવી વાત શી છે? કહો તો ખરા — મારાથી એવું શું ખાનગી છે?” “ખાનગી કે બાનગી, તારાથી કે મારાથી— મેં તને ન કહ્યું કે ઈ વાત કહેવાય એવી નથી?” “પણ એવી તે વાત કેવી કે મને ય ન કહેવાય?” “ભાઈ! ન કહેવાય. તને શું? — કોઈને ય ન કહેવાય! ઈ વાત કોઈને કહેવાય એવી નથી. માણસ હોય તો સાનમાં સમજે. કંઈક ન કહેવાય એવું હશે ત્યારે ને?” “ભાઈ! મારાથી તો કાંઈ સંતાડવાનું નથી ને?” “એમાં સંતાડવાનું ક્યાં છે? હું તો કહું છું કે ઈ વાત કહેવાય એવી નથી.” “કીધે શી ખોટ જાય એમ છે? કહેવાય એવી વાત નથી — તે કાંઈ ચોરની વાત છે, કે કાંઈ મોળી વાત છે?” “કોણ કહે છે ખરાબ વાત છે? કોણ કહે છે ચોરની વાત છે? મેં કહ્યું કે મોળી વાત છે? વાત ન પણ કહેવાય! બધી વાત કાંઈ કહેવાય એવી હોય છે?” “પણ ભાઈ! ન કહેવાનું કારણ હોય ને? કાંઈ વિનાકારણે ન કહેવાય એમ હોય?” “કારણેય હોય ને બારણેય હોય; હોયે તે ને નયે હોય!” “પણ કાંઈ કારણ તો હોય ને?” “છે જ એવું — વાત જ કહેવાય એવી નથી!” “ભાઈ! મને તો કહે — હું કોઈને નહિ કહું.” “એમાં કોઈને ન કહેવાની વાત ક્યાં છે? તુ ંકોઈને કહી દઈશ, એમ પણ ક્યાં છે?” “ત્યારે મારા ઉપર એટલો વિશ્વાસ નથી?” “અરે, ભલી બહેન! વિશ્વાસનું ક્યાં કૂટે છે? આ તો વાત કહેવાય એવી નથી.” “પણ ભાઈ! વાતમાં એવું તે શું બળ્યું છે? વાત કાંઈ એમ કહે છે કે ‘હું કહેવાઉં એવી નથી?’ તારે કહેવી છે ક્યાં?” “બાપુ! એવું કાંઈ નથી. હું તો આ ઘડીએ કહું — પણ વાત કહેવાય એવી જ નથી.” “પણ કો’ક જાણી જાય એની બીક છે? કો’ક જાણી જાય તો વઢે એમ છે? કોઈને કાંઈ થાય એમ છે?” “એવું કાંઈ યે નથી. કોઈ વઢતું યે નથી, ને કાંઈ બીકેય નથી… વાત એવી બની છે કે… પણ એમાં કહેવા જેવું છે શું? વાત છે છેક માલ વિનાની — પણ કહેવાય એવી નથી.” “આ તો ભાઈ, નવી નવાઈની વાત! માલ વિનાની વાત — ને પાછી કહેવાય એવી નહિ! ભાઈ! કોઈ રીતે કહેવી છે? જેની હોય એને પૂછીને કહે — પછી છે કાંઈ?” “એમાં કોઈને પૂછવાનું ક્યાં છે? મને જ થાય છે કે વાત કહેવાય એવી નથી.” “પણ ભાઈ! કોઈ રીતે કહેવી છે? કોઈ વાતે?” “પણ બહેન! કહીને શો ફાયદો? કામ વિનાની વાત, દમ વિનાની વાત, છોકરવાદીની વાત. એમાં કહેવું’તું શું? કહેવા જેવી નહિ હોય ત્યારે નહિ કહેતા હોઈએ ને?” “પણ આટલો મોટો પડારો શો! કહીએ છીએ કે બાપુ, કહેને!” “એમ? કહું ત્યારે? — પણ કોઈને કહેતી નહિ, હોં!” “હું તે કોઈને કહું?” “લે, સાંભળ ત્યારે — એ તો એમ થયું કે કુસુમબહેને મારા બૂટમાં કાગળના ડૂચા ભર્યા હતા!” “ઓહોહોહો! આ તો ભારે વાત!”

હેન્સ ફૂલો ને લીલોતરીનાં ખેતરો પડ્યાં હતાં. પતંગિયાં ને ભમરા ઊડતાં હતાં. કોઈ વાર ચકલી બોલતી હતી, કોઈ વાર ચંડોળ બોલતું હતું, કોઈ વાર બુલબુલ બોલતું હતું, ને કોઈ વાર તમરું તમતમતું હતું. ગામ ઘણે દૂર હતું. માણસો બધાં ઘેર હતાં. સીમ આખી એકલી હતી. ત્યાં કોઈ નહોતું. બે ભાઈઓ રમતા હતા. એકનું નામ હેન્સ, અને બીજાનું નામ નથી આવડતું. એક તરફ ગામ ને બીજી તરફ દરિયો. વચ્ચે મોટો બંધ, એવો તો જાડો કે ઉપર ગાડાં ચાલે. બંધ જરાક તૂટે તો થઈ રહ્યું. ચારે કોર પાણી, પાણી! એકે જીવ જીવે નહિ. “એલા હેન્સ! જો તો ખરો — આ નાનકડું કાણું શેનું? અહીં તો બડબડિયાં બોલે છે!” “કાણું! ક્યાં છે? બતાવ જોઈએ!” “આ રહ્યું — જરા જરા પાણી ગળે છે.” “હાય હાય! આ તો બંધમાં કાણું પડ્યું છે! હવે શું કરશું?” હેન્સે ચારે તરફ જોયું. દૂર દૂર નજર કરી — કોઈ ન મળે. કાણા તરફ જોયું — પાણીનાં ટીપાં પડતાં હતાં. ફરી વાર ચોમેર આંખ ફેરવી — કોઈ નહીં. કાણા સામે જોયું, તો જરા મોટું થયેલું. હળવે હળવે પાણી ગળતું હતું. ગામમાં જઈને ખબર કરે તો? પણ ત્યાં તો ગાબડું પડે. પછી તો સાંધ્યું યે ન સંધાય. ઘડીકમાં દરિયો ફરી વળે ને ગામ આખું રસાતાળ જાય!…ત્યારે? હેન્સે ચારે કોર જોયું, કાણા તરફ જોયું, ઊંચે જોયું, નીચે જોયું — ઊંડે અંતરમાં જોયું. “એલા ભાઈ! જા, દોડદોડ, ગજબ થશે! જઈને બાપુને કહે કે બંધમાં કાણું પડ્યું છે. જોજે — ક્યાંય ઊભો રહ્યો તો! કહેજે કે હેન્સ કાણામાં આંગળી ખોસીને ઊભો છે. જીવ જશે, પણ આંગળી નહિ ખસે!” નાનકો ઊપડ્યો. જાણે પવનનો ઘોડો. એ ગયો, એ ગયો! ક્યાંયનો ક્યાંય નીકળી ગયો. દેખાતોય બંધ થઈ ગયો. દરિયો ઘૂઘવે છે, પ્રલયની વાતો કરે છે, પથ્થર પર પછડાઈ પછડાઈને પાછો વળે છે. પાસે પાસે આવતો જાય છે. હેન્સ કહે, “આંગળી તૂટી જાય તો યે શું? બહાર કાઢું તો તો થઈ રહ્યું! ઘડીકમાં આખું ગામ તણાઈ જાય ને?” આંગળી બેરી થઈ ગઈ. હાથ ઠરવા લાગ્યો. હેન્સે હાથને બીજે હાથે ઘસ્યો, પણ શું વળે? હાથ બેરો ખોડ થઈ ગયો હતો. હેન્સે ચારે બાજુ જોયું. “આવે છે કોઈ માઈનો પૂત? આવે છે કોઈ માનવીની જાત?” પણ નિરાશ! હાથ તો તૂટું તૂટું થઈ રહ્યો હતો. કાંડું તો જાણે હિમ થઈ ગયું! ઘડીકમાં તો કોણી પણ ઠંડી. એવી તો પીડા કે વાત કરો મા. પણ હેન્સ આંગળી શાનો કાઢે? એ તો ખોસી તે ખોસી. પણ ત્યાં તો ખભામાં ને વાંસામાં સડાકે સડાકા! ઊભે વાંસે શૂળ નીકળ્યું. હેન્સે ચારેય દિશાએ આંખ ફેરવી — કોઈ ન મળે. “અરે! આટલી બધી વાર?” એટલું સખત શૂળ કે રહ્યું ન જાય. હેન્સે માથું બંધ ઉપર ટેકવ્યું. કાન બંધને અડયા. દરિયાનું ભીષણ વચન સંભળાયું : “છોકરા! સમજ, સમજ, આંગળી કાઢી લે! જાણતો નથી — હું મહાન રાજા છું? મારી સામે થનાર તું કોણ? મને રોકનાર તું ક્યાંનો?” હેન્સનું હૃદય ધ્રૂજી ઊઠ્યું : “અરે, હજી નહિ?” દરિયાની ભયંકર વાણી જાણે ફરી વાર સંભળાઈ : “નાસી છૂટ, નાસી છૂટ; તારું મોત આવ્યું, છોકરા! તારું મોત આવ્યું. ઊભો રહે, આ આવ્યો છું, આ આવ્યો છું!” હેન્સને હૈયે હામ ન રહી : “આંગળી કાઢી લઉં? નાસી જાઉં? ઊગરું?” વળી વિચાર થયો : “નહિ, એમ કદી નહિ બને. આંગળી તો શું — પણ જીવ જાય તો ય શું? ચાલ, આવી જા, હેન્સ અડગ છે; થાય તે કરી લે!” હેન્સે દાંત પીસ્યા. આંગળી કાણામાં જોસથી દબાવી. “એ… પણે માણસો દેખાય! એ…નજીક પહોંચ્યા… આ આવ્યા. હાશ!” “શાબાસ હેન્સ! શાબાસ હેન્સ! ફિકર નહિ — અમે આવી પહોંચ્યા છીએ.” પાવડા ને કોદાળીઓ લઈને ટોળું મંડી પડ્યું….એક ક્ષણ, ને કાણું બરાબર. હેન્સનો વરઘોડો કાઢયો. ચારે બાજુ સિપાઈઓની હાર, ને વચમાં હેન્સ. એક મોટા સિપાઈના ખભા ઉપર હેન્સ બેઠો હતો. લોકો બોલતા હતા : “શાબાસ હેન્સ! શાબાસ હેન્સ!” [‘ગિજુભાઈની બાલવાર્તાઓ’ પુસ્તક : ૧૯૯૦]