સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/ગાંધીને અન્યાય : આંબેડકરને પણ અન્યાય
૧૯૩૦માં [લંડનમાં બ્રિટિશ સરકારે બોલાવેલી] ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ જાહેર કરેલું કે અંત્યજ કોમોનાં અલગ મતદારમંડળો બનાવી બાકીના હિંદુ સમાજથી તેમને અળગા પાડવામાં આવશે, તો તેનો વિરોધ તેઓ પ્રાણાર્પણથી કરશે. એ નોબત આખરે આવી પહોંચી. તા. ૨૦-૯-૧૯૩૨ના દિવસે [યરવડા જેલમાં] ગાંધીજીના ઉપવાસ શરૂ થયા. ઉપવાસને આગલે દિવસે ડો. આંબેડકરનું સ્ટેટમેન્ટ વંચાતું હતું ત્યારે બાપુએ કહ્યું : “મને એથી જરાય ક્રોધ નથી થતો. એને એ બધું કહેવાનો અધિકાર છે. આજે અંત્યજો ચિડાઈને જે કરી રહ્યા છે તેને હું લાગનો છું! આપણે બધા એ જ લાગના છીએ.” ઉપવાસને ત્રીજે દિવસે ડો. આંબેડકર ગાંધીજીને મળ્યા ત્યારે ખૂબ ઉગ્રતાથી બોલ્યા. ગાંધીજીએ જવાબ આપ્યો : “મારે અસ્પૃશ્યોની સેવા કરવી છે, તેથી જ તમારી સામે મને જરાયે રોષ નથી. તમે કોઈ અપમાનજનક કે ક્રોધજનક શબ્દ વાપરો છો ત્યારે મારા દિલને તો હું એમ જ કહું છું કે, તું એ જ લાગનો છે! તમે મારા ઉપર થૂંકો તોપણ હું ગુસ્સો ન કરું. ઈશ્વરને સાક્ષી રાખીને હું આ કહું છું, એટલા જ માટે કે તમને જીવનમાં બહુ કડવા અનુભવો થયા છે તે હું જાણું છું. પણ મારો દાવો અસાધારણ છે. તમે તો અસ્પૃશ્ય જન્મેલા છો, પણ હું સ્વેચ્છાથી અસ્પૃશ્ય બનેલો છું અને એ કોમમાં નવા દાખલ થયેલા તરીકે કોમના હિત માટે એના જૂના માણસોને લાગે તેના કરતાં મને વધારે લાગે છે.” અસ્પૃશ્યો પ્રત્યે આવી લાગણી બતાવવા બદલ અને એમની વચ્ચે જઈને એમની સેવા કરવા બદલ ગાંધીજીએ કટ્ટર સનાતની હિંદુઓની કેટલી ગાળો ખાધી અને કેટલી વાર સનાતનીઓએ એમને મારવા લીધા, એ વાતનો ખ્યાલ આજના દલિત યુવાનોને આવવો મુશ્કેલ છે. દલિતોમાં જ આજે તો એક એવો બોલકણો વર્ગ ઊભો થયો છે જે દલિતોને નામે બરાડા તો બહુ નાખે છે, પરંતુ છેક છેવાડે આવેલા ગરીબડા દલિતો માટે ખાસ કશું નક્કર કરવા માટે તૈયાર નથી. આવા આગળ વધેલા, ભણેલા દલિતો, ડો. આંબેડકર પણ ન સ્વીકારે તેવા આક્ષેપો ગાંધીજી પર મૂકે છે. આમ ગાંધીજીને આજકાલ બેવડો લાભ મળી રહ્યો છે! સવર્ણ હિંદુઓ હજી કહે છે : ડોસાએ આ કોમને બહુ ચડાવી મારી. દલિત વર્ગના બોલકણા આંબેડકરવાદીઓ કહે છે : ગાંધીજીએ અમને પછાત રાખ્યા. ડો. આંબેડકર દલિતો માટે રાજદ્વારી સત્તા પ્રાપ્ત કરવા માગતા હતા. તેઓ સવર્ણો પાસે સદ્વ્યવહારની ભીખ માગવા તૈયાર ન હતા. હરિજનોના રાજકીય ઉદ્ધારથી બધું બરાબ્ાર થઈ જશે, એમ ગાંધીજી માનતા ન હતા. એમના શબ્દોમાં આ દલીલ સમજી લઈએ : “તમે અસ્પૃશ્યોને ગમે તેટલી રાજદ્વારી સત્તા આપો, તેથી શું થાય? એ તો કોઈ ચંગીઝખાન આવે અને બધા સવર્ણ હિંદુઓને એમના ઘરમાંથી કાઢી તેમાં હરિજનોને વસાવે; પણ તેથી શા દહાડા વળે? આ તો ચાર કરોડ ગુલામોનું સ્વરાજ છે. ગુલામો કરતાંય ખરાબ-એ લોકોને જાનવર બનાવ્યા અને એનો આપણે ધર્મ બનાવ્યો કે એ લોકો એમનાં કર્મનાં ફળ ભોગવે છે! આ તો ધર્મનું રાક્ષસી સ્વરૂપ છે. હિંદુ ધર્મનો અર્થ જો આ હોય, તો હું પણ ‘ગીતા’, ‘મનુસ્મૃતિ’ બધાંને બાળું.” આજે સ્વરાજ્ય મળ્યાના દાયકાઓ બાદ પણ હજી દલિતોની સ્થિતિ બહુ સુધરી નથી. અધિકારો તો મળ્યા પરંતુ શિક્ષણ ન મળ્યું, તેથી ખરેખર અધિકારો પામવાનું ન બન્યું. દલિત નેતાઓએ નક્કર સેવાકાર્ય કરીને દલિતોમાં શિક્ષણનો પ્રસાર કરવામાં જાત ઘસી નાખવાનું ટાળ્યું. દલિતોના બોલકણા નેતાઓએ ડો. આંબેડકરની પ્રતિમાઓ રચાવીને, કડવી અને બોલકી દલિત કવિતાઓ રચીને અને ચૂંટણીનાં ગણિતો રચીને પ્રેશર-જૂથો જમાવ્યાં, પણ છેક છેવાડે પડેલા ભંગીને ભણાવીને એને નવજીવન આપવાનું રચનાત્મક કામ ટાળ્યું. આમ ડો. આંબેડકરને પણ તેમણે અન્યાય જ કર્યો છે. કોઈ મહાનુભાવને અન્યાય કરવાની એક રીત એમની ઝનૂની પ્રશંસા કરીને નક્કર કામો ટાળવાં તે છે. ગાંધીજીએ હરિજનોના ઉદ્ધાર માટે ખૂબ મોટું પાયાનું કામ સવાત્રણ દાયકા સુધી કર્યું. એ કામને પરિણામે દેશમાં જે હવા પેદા થઈ તેથી જ ડો. આંબેડકર [ભારતના] બંધારણના ઘડતરમાં પોતાનું યોગદાન કરી શક્યા. ગાંધીજીને અનુસરનારા કેટલાય સવર્ણ લોકોએ હરિજનોની સેવા એવી નિષ્ઠાથી કરી કે અસ્પૃશ્યતા કલંક ગણાવા લાગી. આવું ન બન્યું હોત તો આંબેડકર પ્રધાન ન બની શકત, એમની શક્તિનો લાભ દેશને ન મળ્યો હોત. [‘ગાંધીનાં ચશ્માં’ પુસ્તક : ૨૦૦૬]