સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/જીવવાનો વહેમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          મળસકે પાંચ વાગ્યા છે. સમણાં નાઈટ-ડયૂટિ પૂરી કરીને પરવાર્યાં છે. જીવનમાં એક પછી એક, એમ વર્ષો ઉમેરાતાં જાય છે; વરસોમાં જીવન ઉમેરવાની કળા હજી આવડી નથી. જીવનમાં ઘણી આદતો પડી જાય છે, એમ જીવવાની પણ એક આદત પડી ગઈ છે. હૃદયને ધબકવાની આદત પડી છે, અને નાક તથા ફેફસાં હવાની અવરજવરથી ટેવાઈ ગયાં છે. રોજની ઘટમાળ શરૂ થાય છે... એ જ ટૂથબ્રશ અને પેસ્ટ; એ જ બાથરૂમ, એ જ માથું, એ જ કાંસકી અને ધીરે ધીરે, ખબર ન પડે એમ, ધોળા થતા જતા એ જ વાળ. કાળની સેંથીને માણસ આદતની કાંસકી વડે સમાર્યા કરે છે. ટેવને કારણે જ નોકરીએ ચઢીએ છીએ અને સાંજે ઘેર પાછા પણ ફરીએ છીએ. એ જ દીવાનખાનું, એ જ ચાના કપ, એ જ દુનિયાદારી ગપસપ, એ જ બેડરૂમ અને દિવસનું ઊઠમણું. માણસ જન્મે, મોટો થાય, નિશાળે જાય... પરણે, સંતાનો થાય. નોકરી કરતો કરતો ઘરડો થાય અને રિટાયર થઈ મરે. આ બધું જાણે ટેવને આધારે જ થયા કરે છે. આ આખી ઘટમાળમાં ક્યાંય ખલેલ ન પહોંચે, તો માણસને લોકો સુખી કહે. ઘાણીના બળદના જેવું એકધારાપણું આપણને એટલું તો સદી ગયું છે કે મૃત્યુ એમાં ખલેલ પાડે તે પણ ગમતું નથી. અરે, મૃત્યુના પ્રકારમાં ખલેલ પડે તે પણ આપણને ખૂંચે છે! ખાટલે પડ્યા હોઈએ, ને આપણો શ્વાસ બંધ પડે ત્યારે સ્વજનોનાં ડૂસકાં ચાલુ રહે — એ સ્થિતિમાં જ મરવાની ત્રોવડમાં માણસ હોય છે. કોઈ જરા જુદી રીતે જીવે, જરા જુદી રીતે કપડાં પહેરે કે જરા જુદી રીતે પરણે એટલે સમાજમાં વાતો થવા માંડે છે. જેમ ડેરીના દૂધમાં એકસરખા ‘ફેટ’ની અપેક્ષા આપણે રાખીએ છીએ, તેમ સમાજે નક્કી કરેલાં ધોરણો પ્રમાણે જ જીવન વિતાડવાની હવે આદત પડી ગઈ છે. એચ. જી. વેલ્સની એક વારતા યાદ આવે છે. એક માણસ માળ પરની બારી આગળ સ્ટૅન્ડ પર સાઇકલ ટેકવીને ઉપર બેસી પેડલ માર્યા કરે છે. અધ્ધર રહેલું પાછલું પૈડું ફર્યા કરે છે, અને પેડલ મારતો માણસ બારીની નીચે રસ્તા પરથી પસાર થતી દુનિયાને જોઈ જોઈને ઘણું ફર્યાનો સંતોષ માને છે. દરેક માણસ કદાચ જીવનભર આ જ પ્રમાણે પેડલ મારતો રહે છે. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે એક આદમીનું ઘર પડી ગયું. ઘરવખરી તણાઈ ગઈ કે ભાંગી-તૂટી ગઈ, અનાજ પલળીને સડી ગયું. પહેરેલે કપડે એ માંડ બચ્યો અને ઘરની સામે બેસીને ભંગારના ઢગલાને જોતો પોક મૂકીને રડવા લાગ્યો. એની પાસે શરાબની બે બાટલી બચી હતી તે છાતીએ વળગાડેલી હતી. એનું દુઃખ ઘટે એ ઇરાદે ગામલોકોએ કહ્યું, “ભાઈ, એમાંથી થોડો પીને સૂઈ જા, બધું થઈ રહેશે.” પેલાએ જવાબ આપ્યો : “આ મારાથી ન પિવાય. ઇમરજન્સી વખતે કામ આવે તે માટે એ સાચવી રાખી છે.” આપણા જીવનમાં રોજ ઇમરજન્સી આવે છે. પણ આપણે ચેતનાનો અનાદર કરતા રહીએ છીએ. પ્રત્યેક ક્ષણને ભરપેટ માણવાને બદલે વાયદા પાડતા રહીએ છીએ. જીવન માણવાની વાત આવે ત્યારે “ઘર બંધાઈ જાય પછી... વાહન આવી જાય પછી... બદલી થઈ જાય પછી... દેવું પતી જાય પછી... વાંકડો મળી જાય પછી.... વીમો પાકે પછી... કોર્ટનો ચુકાદો આવી જાય પછી” .....આમ ‘પછી’ — ‘પછી’માં પુરાઈ મરતી વાક્યાવલિઓ જ આપણા મોંમાંથી નીકળતી રહે છે. જીવનને આપણે વાયદાના વેપાર જેવું બનાવી મૂક્યું છે. અહીં અને અત્યારે જેવું જિંદગીમાં કશું રહેવા દીધું નથી. ભૂતકાળના ઓથાર અને ભવિષ્યનાં સમણાંના ભારથી બેવડ વળી જતી, નષ્ટપ્રાય થતી વર્તમાન ક્ષણ વીતી જાય છે, અને આપણે કટોકટી માટેનું બૅંક-બૅલેન્સ સૂંઘતા રહી જઈએ છીએ. આપણું જીવન એવું વાસી થઈ જાય છે કે એક નવું ચલચિત્રા, નવું કૅલેન્ડર કે જરાતરા ફેરફાર સાથે આવતી નવી ફૅશન પણ આપણને થોડોક ‘ચેન્જ’ આપી જાય છે...... ‘આકાશવાણી’ના ‘મંગળ પ્રભાત’ના કાર્યક્રમ પહેલાં નવા દિવસની તારીખ, વાર વગેરેની જાહેરાત થાય છે. દરરોજ સવારે એમ રેડિયો વાગે છે, છાપું આવે છે, દૂધ આવે છે... બપોરે ઑફિસે જઈએ છીએ, રાત્રો પિક્ચર જોવા જઈએ છીએ... લાગે તો છે કે હજી આપણે મર્યા નથી... તેથી, આપણે જીવીએ છીએ એવો વહેમ રોજ પાકો થતો જાય છે...... [‘ગુજરાત સમાચાર’ દૈનિક : ૧૯૭૬]