સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/“તમને ખાતરી છે કે..?”
કથા એવી છે કે યુધિષ્ઠિર બેઠા હતા ઇન્દ્રપ્રસ્થના રાજા તરીકે અને એક ભિખારી એમની પાસે ભીખ માંગવા આવ્યો. યુધિષ્ઠિર કામમાં હતા એટલે કહ્યું : “કાલે સવારે આવજે, હું તને આપીશ.” ભિખારી ચાલવા માંડ્યો. ભીમે જોયું કે ભિખારી આવ્યો અને ભિખારીએ યાચના કરી, મોટાભાઈએ કહ્યું કે “કાલે આવજે સવારે…” એટલે ભીમે એક ઢોલક ઉપાડ્યું મોટું, અને ઢોલક વગાડતો વગાડતો ઇન્દ્રપ્રસ્થ ભણી જવા માંડ્યો. યુધિષ્ઠિરને નવાઈ લાગી કે આ શું છે? એટલે એને કહ્યું : “તું કેમ આ ઓચિંતું ઢોલ લઈને જવા માંડ્યો?” ભીમે જવાબ આપ્યો : “મોટાભાઈ, હું ઇન્દ્રપ્રસ્થના નગરજનોને જણાવવા માંગું છું કે યુધિષ્ઠિરે કાળ પર વિજય મેળવ્યો છે.” તો યુધિષ્ઠિર કહે : “કેમ તું એમ કહે છે? મેં તો કાળ પર વિજય નથી મેળવ્યો.” તો કહે, “તમે ભિખારીને કાલે આવવાનું કહ્યું. તમને ખાતરી છે કે કાલે તમે હશો? અને તમે કાલે હો કદાચ, પણ ભિખારી હશે એની ખાત્રી છે? એ મરી પણ જાય. બીજી વાત, કાલે તમે એને થોડી સોનામહોર આપી શકો એટલી સોનામહોર તમારી પાસે હશે જ? તમે જીવતા હો તોપણ તમારી પાસે આ સોનામહોર હશે જએવું તમે કેમ માની લીધું! અને કાલે એ ભિખારીને તમારી સોનામહોરોની જરૂર હશે એવું તમે કઈ રીતે માની લીધું?” આ ચાર સવાલ ભીમે પૂછ્યા. ભીમ તત્ત્વજ્ઞાન માટે જાણીતો નથી. પણ એણે યુધિષ્ઠિરને પણ ભણાવ્યા. [‘સામ્પ્રત’ ત્રિમાસિક : ૨૦૦૬]