સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગોપાલદાસ જી. પટેલ/સંસ્કૃતિના તાણાવાણા
ભારતની સંસ્કૃતિ સંસ્કૃત ભાષાના તાણાવાણામાં વણાયેલી છે. એ ભાષાનું પરિવર્તન થઈ ખીલેલી પાલિ, પ્રાકૃત, અપભ્રંશ આદિ અને અત્યારની આપણી લૌકિક ભાષાઓ પણ ભારતીય સંસ્કૃતિના પ્રવાહને વહન કરતી આવી છે. એ બધી જુદી જુદી ભાષાઓની મણિમાળાના સૂત્રાત્મક રૂપે મુખ્યત્વે સંસ્કૃત ભાષાનો પ્રાણતંતુ છે. ભારતવર્ષના આત્મારૂપ સંસ્કૃતિ સંસ્કૃત ભાષામાં જેવી સર્વતોભદ્ર ભાવે પ્રગટ થઈ, તેવી આ લૌકિક ભાષાઓમાં નથી થઈ. લૌકિક ભાષાઓમાં તેનાં અમુક અમુક અંગો જ જાણે ફૂલ્યાંફાલ્યાં. એ બધાં અંગોનો સમન્વય કે શુદ્ધીકરણ મૂળ સ્રોતની મદદ દ્વારા થતાં જ રહેવાં જોઈએ. એટલે ભારતને સંસ્કૃત ભાષાનું આરાધન ચાલુ રાખ્યા વિના ચાલવાનું નથી. પ્રજાનો મોટો ભાગ લૌકિક ભાષાઓ દ્વારા જ સંસ્કાર-રસ મેળવતો રહેવાનો. પરંતુ સમગ્ર દેશની સંસ્કૃતિના ધારણ-પોષણ-સંશોધન માટે પ્રજાના અમુક વર્ગનો પેલા મૂળ સ્રોત સાથેનો સંપર્ક ચાલુ રહેવો જ જોઈએ. ભારતીય શાળાઓમાં સંસ્કૃત ભાષાના અભ્યાસને માટે જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરવી જોઈએ. તે માટે ઉપયોગી એવું નાનું સુલભ સાધન ગણીને ગૂજરાત વિદ્યાપીઠે સંસ્કૃત-ગુજરાતી કોશ તૈયાર કરેલો છે. મૅટ્રિકના વિદ્યાર્થીને જે કક્ષાના સંસ્કૃત ફકરાઓ ભણાવવામાં આવે છે, તેમને મુખ્યત્વે લક્ષમાં રાખીને આ કોશના શબ્દો સંઘર્યા છે. મૅટ્રિક જેટલું સંસ્કૃત ભણ્યા પછી એ વિદ્યાર્થીને સંસ્કૃત સાહિત્યના મૂળ ગ્રંથો તરફ જવા મન થાય, તો તેને ઉપયોગી એવો એક બીજો કોશ મળવો જોઈએ. મૅટ્રિક કક્ષામાં સામાન્ય રીતે ‘રામાયણ’, ‘મહાભારત’, પ્રસિદ્ધ સંસ્કૃત નાટકો અને ‘કાદંબરી’, ‘કથાસરિત્સાગર’, ‘હિતોપદેશ’, ‘પંચતંત્ર’ આદિ કથાસાહિત્યને આવરવામાં આવે છે. એટલે આ કોશમાં મુખ્યત્વે એ સાહિત્યના શબ્દો આવી જાય એ લક્ષમાં રાખ્યું છે. [‘સંસ્કૃત-ગુજરાતી વિનીત કોશ’]