સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચુનીભાઈ શાહ/સ્વતંત્રતા અને સીમા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          બાળકને કેટલું સ્વાતંત્ર્ય આપવું? તેને કોઈ જાતનું બંધન જ ન હોવું જોઈએ? તેની દરેક ઇચ્છા પૂર્ણ જ થવી જોઈએ? તેને કદી કોઈ વાતમાં અટકાવવું જ નહીં? સ્વાતંત્ર્યને કોઈ સીમા હોવી જોઈએ કે નહીં? આવા પ્રશ્નાો વિચારવાની જરૂર છે. બાળકને સ્વતંત્રતા આપવાનો વિચાર માબાપ સમક્ષ મૂકીએ છીએ ત્યારે, ઘડિયાળનું લોલક જેમ એક બાજુથી બીજી બાજુ જાય તેમ, એમના શિસ્તના ખ્યાલો સામે છેડે જઈ બેસે છે : અતિશય કડક નિયમનમાંથી તેઓ નિરંકુશ સ્વાતંત્ર્ય તરફ ઝૂકે છે. સ્વતંત્રતા અને સ્વચ્છંદ વચ્ચેનો ભેદ તેમનાં મનમાં રહેતો નથી. બાળકને સ્વતંત્રતા આપવામાં તેની શક્તિઓ ખીલે, તેનો સમતોલ વિકાસ થાય એ હેતુ આપણી સમક્ષ હોવો જોઈએ. પણ ક્યારેક સ્વાતંત્ર્યમાં રુકાવટ કરવાથી જ આ હેતુ સિદ્ધ થતો હોય, ત્યારે જરૂર રુકાવટ કરવી જોઈએ. બાળકને આપણે સ્વતંત્રતા પ્રેમપૂર્વક આપીએ છીએ, તેમ તેની પર અંકુશ પણ એટલા જ પ્રેમપૂર્વક મૂકી શકીએ. તેને હા પણ પ્રેમપૂર્વક પાડો, ના પણ પ્રેમપૂર્વક પાડો. ના પાડવી એ કોઈ વાર માબાપનો ધર્મ થઈ પડે છે; એમાં જ બાળકનો વિકાસ રહેલો હોય છે, હિત હોય છે. તેના પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને, તેની શક્તિઓની પરિપક્વતા નીરખવાની ઝંખનાથી આપણે તેને કહીએ છીએ : “થોભી જા, જરા સબૂર કર!” વાસ્તવિક જીવનમાં દરેક વ્યક્તિને સ્વાભાવિક રીતે જ નાની નાની અસફળતાઓ ને નિરાશાઓનો સામનો કરવાનો આવે છે. એ નિરાશાઓને સંયમપૂર્વક નિભાવી લેતાં સહુએ શીખવું પડે છે. નાનપણથી બાળકને એવી ટેવ પડશે તો બીજાં મનુષ્યોની લાગણીઓનો વિચાર કરતાં એ શીખશે. બીજાઓની સાથે સહકાર કરવામાં થોડુંક જતું કરવામાં, આપણો વારો ન આવે ત્યાં સુધી રાહ જોવામાં, બીજાને સહાય કરવામાં અને બીજાની સહાય લેવામાં જે ભારે મજા રહેલી છે તેનો આનંદદાયક અનુભવ બાળકને થશે. બાળકને જ્યારે કોઈ વસ્તુ આપીએ નહીં, કોઈ કામ કરતાં તેને અટકાવીએ, કોઈ વાતની તેને ના પાડીએ, ત્યારે તેનો ટૂંકો સચ્ચાઈ ભરેલો ખુલાસો આપણે આપી શકીએ. આપણી ના પ્રથમ ભલે તેને ગમશે નહીં, છતાં પણ ખુલાસાની તે કદર કરશે અને થોડા સમય પછી આપણી વાત તેને યોગ્ય લાગશે. બાળક નાનું છે, અસહાય છે, પરાવલંબી છે, એટલે તેની બધી રીતે સંભાળ રાખવી જોઈએ, જેથી તેને જીવનમાં સલામતી લાગે. બાળકને આપણે પ્રેમપૂર્વક મદદગાર થઈએ તેથી તેને પોતાનું અસહાયપણું, પરાવલંબીપણું સહન કરવું સહેલું લાગે છે; જીવન ભર્યુંભર્યું લાગે છે. સાથોસાથ તેને એમ પણ ન લાગવું જોઈએ કે, કાયમ બધાએ મારી સેવામાં હાજર રહેવું જોઈએ, મારું જ ધાર્યું થવું જોઈએ. બાળક પ્રત્યે પ્રેમ દર્શાવવા જતાં કોઈ ભળતી જ વસ્તુ આપણે તેને ન આપી બેસીએ તેની તકેદારી રાખવી જોઈએ. બાળકને સહાય આપીને પરાવલંબીપણામાંથી તેને સ્વાવલંબીપણા તરફ લઈ જઈએ, તો તેના પ્રત્યે સાચો પ્રેમ દર્શાવ્યો ગણાય. પણ જો તેનો ડહાપણ ભરેલો કે ગાંડપણ ભરેલો દરેક શબ્દ ઝીલી લઈએ, તો આપણે તેને પરિપક્વતાને માર્ગે લઈ જવાને બદલે છોકરવાદને જે સ્થાને તે હોય ત્યાં જ ચોંટાડી રાખીએ છીએ. બાળકને એવી સ્વતંત્રતા ન આપીએ કે એ નાનો સરખો સરમુખત્યાર બને અને બીજા કોઈનો વિચાર જ ન કરે. માબાપના વિશેષ સામર્થ્ય વિશે તેમજ માબાપના આત્મસંયમ માટે, તેમની નૈતિક શક્તિ માટે બાળકને માન થવું જોઈએ; એ બધાં પર શ્રદ્ધા રાખીને પોતે નિર્ભયતાપૂર્વક તથા આનંદપૂર્વક જીવન જીવી શકશે, તેવી પ્રતીતિ તેને થવી જોઈએ. સ્વતંત્રતાથી બાળક પોતાની અંદરનાં સારાં તત્ત્વોને વિકસાવે છે, અને પરિણામે પોતાનાં માબાપ પ્રસન્નતા અનુભવે છે, તેમાં તેમનો પૂરેપૂરો ટેકો છે, તે બાળક જુએ છે. સાથે સાથે તેને એવો વિશ્વાસ પણ હોય છે કે પોતે કોઈ ભૂલ કરશે તો તેને રોકનાર કોઈક છે. આવી લાગણી બાળકને જ નહીં, આપણને સહુને કેટલી બધી સલામતી આપે છે! સવારે ઘડિયાળનું ઍલાર્મ વાગશે, આપણને જગાડશે અને આપણે સમયસર ગાડીએ પહોંચી શકશું — એવી જ્યારે ખાતરી હોય ત્યારે આપણે કેવાં નિરાંતે ઊંઘી જઈ શકીએ છીએ! એ જ પ્રમાણે બાળકને પણ જગાડનાર કોઈક હોય, તેને ભૂલોમાંથી બચાવનાર કોઈક હોય, તો નિરાંતે તેના પર આધાર રાખીને એ કેટલું નિર્ભય બની શકે છે! કેટલી સલામતી અનુભવી શકે છે! એટલે માબાપ જ્યારે પ્રેમપૂર્વક પણ મક્કમતાપૂર્વક બાળકને કહે છે કે, “આમ કર... તેમ કરીશ મા,” ત્યારે બાળકનું નબળું મન સબળું બને છે, અસ્થિર ચિત્ત સ્થિર થાય છે. તેનો પોતાનો જે આંતરિક અવાજ મંદ સ્વરે કહેતો હતો કે “આમ કરીશ મા!” તે હવે બુલંદ બને છે; તે અવાજ નિશ્ચયપૂર્વક, સત્તાવાહી સ્વરે બોલે છે : “આમ કરીશ મા!” અને પરિણામે બાળક તેમ નથી જ કરતું. એટલે સાચે પ્રસંગે બાળકને ના કહેવી એ તેના પડખે ઊભા રહેવા સમાન છે, તેને દોષમુક્ત બનાવીને તેનામાં તાકાત પ્રેરવા સમાન છે. તેથી બાળક ચિંતામુક્ત બને છે, સલામતી અનુભવે છે અને સ્વસ્થ બને છે.