સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/છોટુભાઈ જો. ભટ્ટ/અમારા માધવકાકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          અમારા માધવકાકા આખા ગામમાં જાણીતા. કંઈ પણ કામ આવી પડે, તો તે તુરત કહે : “તમે બધાં ખસી જાઓ, મને તે કરવા દો!” એક દિવસ મારા દાદાની છબી જડાઈને આવી, એટલે રાધાકાકીએ પૂછ્યું, “આ છબીને ઊંચે કેવી રીતે ટિંગાવશું?” માધવકાકા તરત બોલી ઊઠ્યા, “ઓહો, એમાં તે શું કરવાનું છે? એ હું કરી લઈશ. તમારે તેની ચિંતા કરવી નહીં.” એટલું બોલીને તેમણે કોટ ઉતાર્યો. પોતાના નવ-દસ વરસના દીકરા રમણને બોલાવ્યો અને કહ્યું : “બેટા રમણ, જરી દોડ ને પાસે બજારમાંથી ચાર આનાની ખીલીઓ લઈ આવ તો.” ચાર આની લઈને રમણ ઊપડયો. તેને ગયે બેત્રાણ મિનિટ થઈ, અને તેમણે મનુને બોલાવીને કહ્યું, “અરે ઓ મનુ, બેટા, જરા દોડ તો! રમણને કહેતો આવ ને કે અરધા ઇંચિયા ખીલીઓ લાવે.” મનુ ગયો અને કાકાએ કામની શરૂઆત કરી. “અરે, અહીં કોણ છે? અરે, ઓ કનુ, પેલી ઓજારોની પેટીમાંથી મારી હથોડી લાવ તો! અને બેટા શાંતા, કોઠારમાંથી કોઈ મને સ્ટૂલ આણી આપો તો! સ્ટૂલ સાથે નિસરણી પણ કદાચ જોઈશે. જોને, બેટા નારણ, તું આપણા ગોવિંદકાકા પાસે જા; કહેજે કે, મારા બાપુએ તમારી તબિયતના ખબર પૂછવા મોકલ્યો છે. અને પછી એની નિસરણી માગજે. જા, જલદી દોડ!... અને ઓ સુશીલા, તું અહીં જ રહેજે; જોજે, કંઈ બહાર જતી! તારે મને દીવો ધરવો પડશે. આ ભીંત ઉપર બહુ અંધારું પડે છે.” એટલામાં રમણ ખીલીઓ લઈને આવ્યો. તેને માધવકાકાએ કહ્યું, “બેટા, જરા બજારમાં ફરી દોડને! સૂતરની મજબૂત દોરી લાવવી પડશે... અરે, પેલો કનવો ક્યાં જતો રહ્યો? આ હમણાં મને નિસરણી ઉપર છબી કોણ આપશે? એક જણ તો છબી આપવા જોઈશે ને?” આ બધી ધમાલ પછી ખીલી, હથોડી, નિસરણી, સ્ટૂલ, દોરી બધું આવ્યું અને માધવકાકાએ છબી ટિંગાડવાનું મહાભારત કામ આરંભ્યું. બધા આજુબાજુ વીંટળાઈ આવ્યાં. એક જણે નિસરણી પકડી રાખી, અને કાકા ઉપર ચડયા. કનુએ કાકાના હાથમાં છબી આપી, અને એ ભીંત ઉપર કેવી મજાની શોભશે એમ વિચારતા હતા, એટલામાં તો તેમના હાથમાંથી એ પડી ગઈ અને તેનો કાચ ભાંગી ગયો. એક પણ શબ્દ બોલ્યા વિના માધવકાકા નીચે ઊતર્યા, પણ કાચના એક મોટા ટુકડાને કાઢવા જતાં આંગળી કાપી બેઠા. ભગભગ લોહી નીકળવા લાગ્યું. લોહી, અને તેમાંયે પોતાનું લોહી, જોઈ કાકાને ચક્કર આવવા જેવું થયું. આંગળીએ પાટો બાંધતાં અર્ધો કલાક ગયો. નવો કાચ મંગાવ્યો અને તે આવતાં બીજો અરધો કલાક થયો. માધવકાકાએ ફરીથી આ મહાન કામનો આરંભ કર્યો. નિસરણી, સ્ટૂલ અને ઓજારો, ફાનસ અને ફૂટપટ્ટી — બધાં સાધનો તૈયાર કર્યાં. બે જણાંએ નિસરણી પકડી રાખી, અને કાકા પગથિયાં ચઢવા લાગ્યા. એટલે ત્રીજાએ તેમને ટેકો આપવા માંડયો. ચોથાએ તેમને ખીલી આપી. પાંચમાએ હથોડી આપી અને છઠ્ઠાએ ફાનસ રાખ્યું. પણ એટલામાં તો કાકાના હાથમાંથી ખીલી પડી ગઈ. બેત્રાણ જણાં ખીલી શોધવા લાગ્યાં. તેમાં જરા વાર થઈ, એટલે માધવકાકા ઉપરથી તડૂકવા લાગ્યા : “તમે લોકોએ આ શું ધાર્યું છે? શું મને આખો દિવસ આમ ઊભો રાખવો છે? એક ખીલી શોધતાં કેટલી વાર?” કાકાએ સપાટો લગાવ્યો, એટલે બધાં ઊલટાં ગભરાયાં. છેવટે ખીલી જડી. કાકાએ તે હાથમાં લીધી — ત્યાં તો હથોડી ન મળે! એટલે માધવકાકાનો મિજાજ ફરી ગયો : “આટલાં સાત-આઠ જણાં અહીં છે, અને મેં હથોડી ક્યાં મૂકી દીધી એટલુંય તમને કોઈને ભાન રહેતું નથી? તમારાથી તો તોબા!” છેવટે નિસરણીના પગ પાસેથી તે મળી આવી. કાકાએ તે હાથમાં લીધી. પણ ત્યાં તો, ખીલી ક્યાં લગાવવી તે માટે દીવાલ પર કરેલી નિશાની કાકા ભૂલી ગયા. ફાનસના પ્રકાશમાં તે ધારીધારીને જોવા લાગ્યા, પણ નિશાની દેખાય જ નહીં. પછી અમે કહ્યું કે, “કાકા, તમે નીચે ઊતરો, અમે તે શોધી કાઢશું.” એક પછી એક અમે તે શોધવા લાગ્યાં. દરેક જણ જુદી જુદી જગાએ તે બતાવવા લાગ્યું. એટલે માધવકાકા ફરીથી ગર્જી ઊઠ્યા : “તમે બધાં તે કેવાં અણઘડ આદમી છો! તમને ન જડે ખીલી, ન જડે હથોડી, કે ન જડે ભીંત પરની નિશાની. ચાલો, ઊતરો નીચે! તમે જિંદગીમાં શું ધોળવાનાં છો!” જેમતેમ કરીને નવેસર નિશાની કરી, પછી કાકા કહે, “ચાલ મનુ, લાવ પેલી ખીલી ને હથોડી.” અને નિશાની પર ખીલી મૂકી કાકાએ હથોડીનો ફટકો માર્યો, પણ ખીલ આડી થઈ ગઈ અને આજુબાજુનું પ્લાસ્ટર ઊખડી ગયું. તે જોઈ કાકા બૂમ મારી ઊઠ્યા : “કેવું હલકું પ્લાસ્ટર માર્યું છે! આવા કડિયાને તે કોણે રોક્યો હશે! ચાલ, કનુ, બીજી ખીલી લાવ. પણ હવે તો નિશાનીથી જરાક નીચે લગાવવી પડશે.” હવે કાકાએ ધીમે ધીમે ખીલી ઠોકી. તે બરાબર ઠોકાઈ ગઈ. અને ત્રાણ— ચાર કલાકની ધમાલને અંતે કાકાએ છબી ભીંત પર લટકાવી. અમારા બધાં તરફ ગર્વથી જોતા જોતા તે નીચે ઊતર્યા અને કહેવા લાગ્યા, “કેમ, લટકાવી આપીને છબી! આ તમારા માધવકાકા કંઈ જેવાતેવા છે?” [‘અમારા માધવકાકા’ પુસ્તક]