સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંત કોઠારી/અમારાં બા
બા ગયાં એટલે રાતોરાત અમે જાણે મોટાં-વડીલ બની ગયાં. એકાએક કેટલાક નિર્ણયો લેવાનો ભાર અમારા પર આવી ગયો. અત્યાર સુધી એક છત્ર હતું, ઢાલ હતી. બધી જવાબદારી બા પર નાખી શકાતી-“બાને પૂછીને કર્યું’તું.” બા પણ કહેતાં, “હું કહું છું ને!” “હું બેઠી છું ને! મારું નામ દૈ દેજો.” બાના છેલ્લા દિવસોમાં એમને પલંગ પર જ ખાવાનું આપવાનું થતું હતું. હું કોલેજેથી આવીને જમીને એમની પાસે બેસતો, એમને ખવડાવતો અને બા ખાસ વાત ન કરતાં પણ ત્યાં જ બેસીને છાપું વાંચતો. તે પહેલાં ઉનાળામાં હું રજા ભોગવતો હતો ત્યારે સવારે કે સાંજે ઓટલા પર બેસીને મારું કંઈ લખવા-વાંચવાનું કામ કરતો હોઉં ત્યારે બાને ત્યાં ખુરશી ઢાળી દઉં. એ થોડી વાર બેસે પણ ખરાં. પણ સામાન્ય રીતે બા પાસે બેસવાનું મારાથી ઓછું થતું. બોલવાની ઓછી આદત અને બાની કૌટુંબિક વહેવારસહેવારની વાતોમાં હું ઓછો રસ લઈ શકું. એમને રસ પડે એવી વાતો કરવાની પણ મારામાં આવડત નહીં. બાને આ વિશે સ્વાભાવિક રીતે જ ફરિયાદ રહેતી. કહેતાં પણ ખરાં, “આપણે પાંચ વેણ બોલીએ ત્યારે એ એક બોલે”, “એ એવું ધીમું બોલે કે મને કંઈ સમજાય નહીં. આપણે મૂઆં બહેરાં.” તોપણ બા ને મારી વચ્ચે એક મૂંગી સરવાણી વહ્યા કરી છે એમ મેં હંમેશાં અનુભવ્યું છે. પિતાને તો જોયાની પણ મને સાંભરણ નથી. મારી ચાર વર્ષની ઉંમરે મેં એમને ગુમાવેલા. સૌથી મોટા ભાઈ પણ એ વખતે ચૌદેકથી વધારે વર્ષના નહીં હોય. બાએ ઘરસંસાર કઈ રીતે રોડવ્યો એની અમને ખબર પડી નથી. કદી અમને ઓછું આવવા દીધું નથી. પિતાના મોટાભાઈ-જેમને અમે બાપુજી કહેતા-તેમની ઘણી ઓથ અને હૂંફ અમને મળી રહી. મારું ઘડતર તો બાપુજી અને બાની હેતાળ છાયામાં જ થયું. બા એટલે અમ ભાંડરુંનાં જ બા નહીં, મારાં સંતાનોનાં પણ ‘બા’ ને બાપુજીના દીકરા ગૌતમભાઈનાં પણ ‘બા’. ઘરની વહુવારુને એમનાં બાળકો ‘બા’ ન કહેતાં ‘ભાભી’ કહે એવી અમારા તરફની એક રૂઢિ. ‘બા’ શબ્દ તો ગૌરવવંતો. ઘરનાં વડીલને જ એ શોભે. યુવાન માતાને તો એ શબ્દની શરમ લાગે. એ રીતે, અમારાં સંતાનો એમની જનેતાને ‘ભાભી’ અને બાને ‘બા’ કહે; ગૌતમભાઈને તો એમનાં જન્મદાત્રી મા દશ મહિનાના જ મૂકીને ગુજરી ગયેલાં. બાપુજી ફરી વાર પરણ્યા નહીં. બાએ જ ગૌતમભાઈને ઉછેરીને મોટા કર્યા, પરણાવ્યા, માંદેસાજે એમની ઊઠવેઠ કરી. એમનાં નાચ્યાંખૂંદ્યાં ખમ્યાં અને સદાને માટે એમનાં બા બનીને રહ્યાં. બા મારા મિત્રવર્તુળનાં પણ બા. રાજકોટમાં મારા ઘણા મિત્રોનો છેલ્લો કોગળો અમારે ત્યાં. રોજ સાંજે અમે સાથે ફરવા જતા. પછી તો નવવિધાન મિત્રમંડળની પ્રવૃત્તિથી અમારું ઘર ધમધમવા લાગ્યું. બાએ આ હડચો હેતથી સહન કરી લીધો. મિત્રો પણ ઘરના દીકરાઓ જેવા થઈને રહે. અમે જોતાં હતાં કે અમારાં સૌ સગાંસંબંધીઓમાં બાને માટે અત્યંત ભાવ. મણિકાકા હોય કે લાઠિયાકુટુંબનું કોઈ હોય, પડોશમાં રહી ગયેલ રંભાભાભી હોય કે ઘેર કામ કરી જનાર રેવાબહેન હોય, લાંબા સમય પછી પણ અમારી સાથે સંબંધ રાખે. આનું કારણ બા હતાં. બાએ સૌનું કર્યું હતું ને સૌને સાચવ્યાં હતાં. મારું મોસાળ ધોરાજી પાસે ભાડેર અને બાપીકું વતન થાન. મારા પિતા ને એમના બે ભાઈઓ પહેલવહેલા રાજકોટ જેવા શહેરમાં આવી વસ્યા. હટાણું કરવા આવતા થાનના અમારા કુટુંબીઓનો રોટલો સ્વાભાવિક રીતે જ અમારે ત્યાં હોય. મોસાળિયાઓને પણ માંદેસાજે મોટી ઇસ્પિતાલની સારવારની જરૂર પડે કે છોકરાંઓને ભણાવવાં હોય ત્યારે રાજકોટનું બહેનનું ઘર જ યાદ આવે. કુટુંબીઓની બહેનો-દીકરીઓ પરણીને રાજકોટ આવતી થઈ એનાં તેડાં-નોતરાં પણ બા જ કરતાં. નાનાં હતાં ત્યારે અમારે આવી રીતે તેડવા-મૂકવા જવાનું કે હોસ્પિટલે કંઈ કંઈ પહોંચાડવા જવાનું થતું એ યાદ આવે છે. બા માણસભૂખ્યાં હતાં. જતું કરીને, ઘસાઈ છૂટીને પણ સંબંધ જાળવી રાખવાનું એમને ગમે. ‘માગણાવાળો’ ‘રોયો’ ‘પીટ્યો’ ‘નખ્ખોદિયો’ આ શબ્દો એ ચીડમાં જ નહીં, લાડમાં પણ બોલતાં. આ શબ્દો એમને માટે સામા માણસ સાથે આત્મીયતાભર્યો સંબંધ જોડી આપનારા હતા. સગાંસંબંધીઓને મળવાહળવાનું બાને ગમતું. અવસ્થા થઈ અને પોતે ઓછું બહાર જતાં થયાં પછી તો કોઈ મળવા આવે એની એમને ખાસ ઝંખના થતી. અને સામું માણસ ન આવે તો પોતે એને ત્યાં જવા તલસતાં-શરીરનો શ્રમ વેઠીને જતાં પણ ખરાં. થાક્યાંપાક્યાં આવે એટલે કહે, “હવે તો ક્યાંય જવાનું નામ નથી લેવું.” પણ કેટલોક સમય જાય એટલે વળી પાછું એમનું મન સળવળે. જોવાનું-બોલવાનું બાના સ્વભાવમાં. બાજુમાં એમની હેડીનાં માજી હતાં તેમની સાથે બાનાં બહેનપણાં સારાં ચાલતાં. બન્ને ઓછું સાંભળે ને એમની વચ્ચે ક્યારેક “આ મૂઓ વરસાદેય ક્યાં આવે છે?”… “હંઅ, મનેય હમણાં પેટમાં ઠીક નથી રહેતું.” એવો સંવાદ ચાલે એ અમે ગમ્મતથી સાંભળીએ. બા ઓટલે બેસીને સૌ જતાં-આવતાંને બોલાવે, ખબરઅંતર પૂછે. પડોશની સ્ત્રીઓ બા પાસે બેસે પણ ખરી. બાની વાતોમાં ઓઠાં ગૂંથાતાં જાય એ સાંભળવામાં એમને રસ પડે. બા સૌના ઘરની વાતોમાં રસ લે, ગમતું-અણગમતું ટીકાટિપ્પણ પણ થોડુંક કરી નાખે. કોઈ ઉતાવળમાં હોય ને મોઢું સંતાડીને, બાની નજર ચુકાવીને પસાર થવા જાય તો બા એને ટકોર્યા વિના ન રહે. બાએ પોતાની આ બોલચાલથી પડોશમાં સૌને માયા લગાડી દીધી. હા, બામાં કેટલુંક કાઠિયાવાડી સાસુપણું ખરું. શાક શું લેવું એ પણ એમને લગભગ છેક સુધી પૂછવાનું રહેતું. એમને ઘરની આવી બાબતોમાં પૂછવાનું ન બન્યું હોય તો માઠું લાગી જાય. બન્યું ત્યાં સુધી એમણે હાથપગ ચલાવ્યા જ. એટલે સ્વાભાવિક રીતે જ ઘરનાં કામોમાં એમની પસંદગી-નાપસંદગી નિર્ણાયક બનતી રહી. શરીર ચાલતું ઓછું થયું ત્યારે પણ રસોડામાં શું ચાલે છે એ બા ડોકિયું કરીને જોઈ લે ખરાં. વહુઓ ને એમનાં પિયરિયાં વિશે પણ બા બોલી નાખે. વહુઓને માઠું લાગ્યું હશે, પણ ધીમે ધીમે આને ઘરડા માણસનો સ્વભાવ ગણી એ ટેવાતી ગઈ ને આપોઆપ જ કેટલીક મોકળાશ મેળવતી ગઈ. મન પણ મનાવે કે “સાસુ કહે, પણ કોઈને કહેવા ન દે.” ઘરમાં વહુની દયા ખાનારાં પણ બા જ. અમે વહેલામોડા આવીએ ત્યારે બા કહે, “ઓલીનો હાંડલામાંથી હાથ ક્યારે નીકળશે?” અમારાં છોકરાંઓ તો બાના હાથમાં જ ઊછર્યાં છે. નાનપણમાં બાનાં લાડનો એમને પૂરો લાભ મળ્યો છે. છોકરાંઓ જરા મોટાં થઈને તોફાનમસ્તી કરતાં થયાં, રખડતાં થયાં, ભણવામાં ઓછુંવત્તું ધ્યાન આપતાં થયાં ત્યારે બા એમના વિશે બોલતાં પણ થયાં. છતાં છોકરાં પર અમારો રોષ ઊતરે ત્યારે એમનો બચાવ કરનાર બા જ હોય! બાના સંપર્કમાં આવનાર સૌ કોઈ એમને યાદ કરે. એનું કારણ બાની ભલાઈ તો ખરી જ, પણ તે ઉપરાંત એમની વાણી પણ ખરી. કહેવતો ને રૂઢિપ્રયોગોથી ભરી ભરી એ વાણી. એમનાં આ ‘ઓઠાં’ સૌને આકર્ષે. બાની ગેરહાજરીમાં એમનાં ઘણાં લાક્ષણિક વાણીપ્રયોગો ને ટીકાટિપ્પણો યાદ કરવાની મજા અમે માણીએ છીએ. વહુઓ માટે બા પાસે ઓઠાંનો ખાસ ખજાનો. મા પાસે લાડચાગ કે દોંગાઈ કરતા છોકરાને “વીસનહોરી આવશે ત્યારે ખબર પડશે” એમ કહી પરણેતરનું એક બિહામણું રૂપ-અલબત્ત વ્યંગમાં-ખડું કરતાં. ઘરમાં વહુ કેવી રીતે પલોટાય છે એ વિશે બાનું એક મજાનું અવલોકન હતું : “પહેલે આણે વહુ ખાય નહીં ને બીજે આણે ધરાય નહીં. ત્રીજે આણે પા’ણો માર્યેય જાય નહીં.” બાનાં કંઈ આ વાસ્તવિક વલણો ન હતાં, વસ્તુને હસી લેવાની એક રીત હતી. સમજણાં થયાં ત્યારથી બાને અમે એક પ્રૌઢ વ્યક્તિ તરીકે જ જોયાં છે. પણ ગામડાગામના સીમપાદરમાં છાણના પોદળા ભેગા કરતી છોકરી એક ભર્યા કુટુંબની છત્રછાયા રૂપે કેવી રીતે નીવડી આવી એનું કૌતુક અવશ્ય થાય. કાળદેવતાની ને મનુષ્ય-આત્માની આ અદ્ભુત લીલા છે. ધોરાજી પાસેનું નાનકડું ભાડેર એમનું પિયર. ભાંડરુંમાં ભાઈબહેન બે જ. માબાપની છાયા કદાચ લાંબો વખત નહીં મળી હોય. ઘેર દૂઝાણું. ભેંસને દોવાનું, એમનાં છાણવાસીદાં કરવાનું, છાસ વલોવવાનું વગેરે કામો ઘરની સ્ત્રીઓને માથે. પાણી થોડે દૂર આવેલી વાવમાંથી ખેંચી લાવવાનું. કપડાં વોંકળા જેવી નદી ચાલી જતી ત્યાં ધોવા જવાનું. દળણું પણ ઘરની ઘંટીનું. બળતણ માટે છાણાં થાપવાનું પણ એક કામ. આવી જાતજાતની કામગીરીથી ભરચક જીવતર. એમાં ભણવાનું તો કેવુંક હોય? “કાળા અક્ષર કુહાડે માર્યા છે” એમ બા કહેતાં, પણ મોટા વાંકાચૂંકા અક્ષરોમાં ‘બાઈ જેકુર’ એવી એમની સહી મેં જોયેલી છે. ‘જયાકુંવર’ બાનું સાસરિયાનું નામ. કેટલાક દસ્તાવેજ જેવા ઔપચારિક લખાણમાં વપરાતું અને કદાચ સાસરિયાના કુટુંબીઓએ એમને આ નામથી બોલાવ્યાં હશે, પણ બાને બીજા બધા લોકો તો પિયરના નામ ‘ઝબક’થી જ ઓળખે. પછીથી તો બા અંગૂઠો પાડતાં જ થયાં. બાનું શિક્ષણ તે સઘળું શ્રૌત શિક્ષણ. ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીઓનાં વ્યાખ્યાનોએ બાને ઠીક ઠીક ભાથું બંધાવ્યું હશે. ગામડાગામના કામગરા જીવનમાં બાને બીજાં કૌશલો પ્રાપ્ત કરવાની કેટલી તક મળી હશે એ પ્રશ્ન છે. ઘરમાં મોતીનાં તોરણ-ઇંઢોણી જેવી જૂની પરંપરાની કળાત્મક ચીજો હતી એ કદાચ બાએ બનાવી હોય. તોરણો વગેરેની શોભા કરવી બાને ખૂબ ગમતી અને ભૂંગળીઓનાં તોરણ બનાવવામાં બા મદદ પણ કરતાં. ઘરમાં ડામચિયા પર જાતજાતના કપડાના ટુકડાઓ જોડીને બનાવેલો ચંદરવો ઢંકાતો. એ બનાવવામાં પણ બા ઘણો રસ લેતાં. બા પરણીને થાન આવ્યાં. કુટુંબ તો અત્યંત સાધારણ. કોઠારીકુટુંબ બહોળું ને ઝાલાવાડી ધરતીના જુદા સંસ્કારો પણ ખરા. બાને ઠીક ઠીક ઘડાવાનું મળ્યું હશે. ત્રણ ભાઈઓ હતા. એક માસ્તર થયા અને બે ભાઈઓએ-મારા પિતા અને એમના નાના ભાઈએ-પરદેશ ખેડ્યો. બાને સાસુનું સ્થાન લે એવાં જાજરમાન જેઠાણી હતાં, પણ એયે દશ મહિનાનો દીકરો મૂકીને કોલેરામાં એકાએક ગયાં. જેઠ વિધુર જ રહ્યા અને બાને બે કુટુંબ સંભાળવાનાં આવ્યાં. પતિ પરદેશ વેઠે અને બા અહીંયાં સંસાર સમાલે. આ બાનું દામ્પત્યજીવન. થોડાં વર્ષોમાં પતિને પણ ગુમાવવાના થયા. જિંદગીના આડત્રીસમા વર્ષે બાને આખી સંસાર-ધુરા એકલે હાથે સંભાળવાની આવી. આ બધા અનુભવોએ બાને જાણે વહેલાં વહેલાં પ્રૌઢ બનાવી દીધાં. સાધુચરિત, વ્યવહારડાહ્યા, સત્ય-નીતિના આગ્રહી છતાં અંદરથી મૃદુ એવા જેઠની ઘણી મોટી ઓથ બાને હતી; છતાં પતિના ગામતરા પછી ઘરસંસારને સુંદર રીતે નિભાવવામાં બાને ઓછાં ધૈર્ય, સહનશીલતા, ડહાપણ ને કામગરાપણાની જરૂર પડી હશે એમ નથી લાગતું. પતિ પોતાની કમાણી ને થોડી આવક મૂકી ગયા હતા. પરંતુ એ વખતે રાજકોટમાં પણ દળણાં, પાણી, ધોણ વગેરે કામો હાથે જ કરવાનાં હતાં. છોકરાંઓને ભણાવવાં, પરણાવવાં ને થાળે પાડવાનાં હતાં. પતિ જે કંઈ મૂકી ગયા હતા એમાંથી જ આ બધું ઉકેલવાનું હતું. બાએ એ બધું સફળતાથી પાર પાડ્યું. જેઠનો દીકરો પરણ્યો ત્યાં સુધી એ સાથે જ રહ્યા. એમની સાથે આર્થિક વ્યવહાર બા કઈ રીતે સમજ્યાં હશે એનીયે ખબર પડી નથી. જેઠની બા લાજ કાઢતાં. ઘરના એ એકમાત્ર વડીલ પુરુષની સાથે લાજ કાઢીને છોકરાંઓની મધ્યસ્થીથી વ્યવહાર ચલાવવામાં બાએ કોઈ મુશ્કેલી અનુભવી નથી. વિધુર જેઠને ફરી પાછા સંભાળવાના આવ્યા, એમનું ગાંડપણ સંભાળવાનું આવ્યું તે પણ સહજ કર્તવ્યભાવથી બાએ પાર પાડ્યું. આ બધી પરિસ્થિતિમાં બાને અકળાતાં કે તંગ મનોદશા અનુભવતાં મેં કદી જોયાં નથી. બાના સ્વભાવમાં એક નૈસર્ગિક હિંમતનો ગુણ હતો. કોઈ પણ પરિસ્થિતિમાં એ ભય કે આત્મસંકોચ અનુભવતાં નહોતાં. અંધારામાં કોઠીમાંથી ઘઉં કાઢવા જતાં હાથમાં આવેલા સાપને એ કોઈને કહ્યા વિના દૂર નાખી આવેલાં. એંસી વર્ષની ઉંમરે પણ ઓપરેશનખંડમાં એ મનની જરાયે ફડક વગર ચાલીને ગયેલાં. બા તો કહેતાં હતાં, “આપણે શાનો ભો? કાલ આવતું હોય તો આજ આવે!” પિતાને કૅન્સર જેવો ભારે રોગ થયો. એમની સારવાર માટે નડિયાદ અને છેક મીરજ જવાનું થયું. આ અજાણ્યા પ્રદેશોમાં પણ બા મુંઝાયા વિના રહ્યાં અને મીરજ તો પતિને મૂકીને આવવાનું થયું, તો એ સ્થિતિને પણ હિંમતપૂર્વક સહન કરી લીધી. માણસને ભૂતકાળને વાગોળવાનું ગમતું હોય છે તેમ બા પણ કરતાં. પોતે કેવું ધમકથી કામ કર્યું છે એની વાત એ ઉત્સાહથી કરતાં. નવા જમાનાની ઘણી વસ્તુ એમને ન ગમતી, પણ અમે જોતાં હતાં કે બા પોતે ધીમે ધીમે થોડાં થોડાં પણ બદલાતાં જતાં હતાં. નવી દુનિયામાં એ કશા આઘાત વિના ગોઠવાતા જતાં હતાં. વિચાર કરીએ ત્યારે માણસમાં વ્યક્તિત્વવિકાસ ને પરિવર્તનની જે ક્ષમતા પડેલી છે તેનું એક રસપ્રદ ઉદાહરણ બામાં દેખાય. તેમ છતાં વૃદ્ધ માણસને બદલાતા સમય ને બદલાતી જીવનની રસમો સાથે એકદમ મેળ બેસાડવો મુશ્કેલ હોય છે. એટલે વૃદ્ધ માણસે થોડું આજુબાજુ ન જોતાં પણ શીખવું જોઈએ એમ મને હંમેશાં લાગ્યું છે. એ એના સુખનો જ માર્ગ છે. બા ઘરમાં કે ઘરની બહાર બનતી નાની નાની બાબતોને પણ ઘણી વાર લક્ષમાં લે, પોતાને અણગમતી હોય તો એ વિશે ટીકાટિપ્પણ કરે ને નિરર્થક દુઃખી થાય. અમે બાને સમજાવતાં, “બા, તમે હવે આ બધી વળગણ છોડો અને બને એટલું ધર્મધ્યાન વધારે કરો.” પણ બા કહેતાં, “ઘણુંય સમજું છું પણ રહેવાતું નથી. અભાગિયો જીવ છે. શું થાય?” ‘અભાગિયો જીવ’ એ શબ્દો પછી તો બાના વતી અમે જ બોલી નાખતાં અને વાતને હળવો વળાંક આપી દેતાં. આજે પણ એ શબ્દો અમને અમારી નાની નાની આદતોનો બચાવ કરવા માટે કેટલા કામ આવે છે! પણ ‘અભાગિયો જીવ’ એ શબ્દોમાં બાની ખરેખરી લાચારી પ્રગટ થતી હતી. ભર્યા સંસારમાં બા એટલાં ઓતપ્રોત ને સક્રિય રહીને જીવ્યાં હતાં કે એકદમ નિર્લેપ થઈ જવાનું, ઉદાસીનભાવ કેળવવાનું એમનાથી બને નહીં ને લાચાર નિષ્ક્રિયતા પણ એમને ખૂંચે. લગભગ છેક સુધી બા નાનાં નાનાં કામ કરતાં રહેલાં. એમને અગવડ પડે છે એ જોતાં અમે વારતાં તો એમને માઠું પણ લાગી જતું. નિરુપયોગી થતા જતા જીવનનો એ થાક પણ અનુભવતાં હતાં. ઘરની અનેક નાનીમોટી બાબતોમાં રસ લેવો, જિજ્ઞાસા બતાવવી, સલાહસૂચન આપવાં કે પોતાની ઇચ્છા પ્રમાણે કરાવવું-આ બાનો સ્વભાવ હતો. ક્યાંક કશુંક ન પુછાયું હોય તો બાને પોતે અવગણાયાની લાગણી થતી અને એનું દુઃખ વ્યક્ત પણ કરી નાખતાં. પણ છેલ્લી બીમારીમાં બાની આ બધી વળગણ છૂટતી ગઈ. જાણે કે સંસારમાંથી વિદાય લેવાની તૈયારી ન હોય! અને ગયાં પણ એવી રીતે જ. કંઈ ઉત્પાત નહીં, ભળભળામણ નહીં, આગોતરી ચેતવણી નહીં. હવે બાનું બધું પથારીમાં-એવું લાગ્યું અને પા કલાકમાં એમણે દેહ છોડી દીધો. એ લાચાર સ્થિતિ એમણે આવવા ન દીધી. બાની ઇચ્છા હતી કે ફટકિયાની જેમ જીવ ઊડી જાય. બાને જાણે માગ્યું મોત મળ્યું. જીવનમાં શું કે મરણમાં શું, સમય સાચવી જાણવો એ એક કળા છે. બાના જીવનમરણમાં કળાનું જે કંઈ દર્શન થયું એ આદર અને વિસ્મયનો ઊંડો ભાવ જગવે છે. [‘અપ્રગટ જયંત કોઠારી’ પુસ્તક]