સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંત કોઠારી/સત્યકામ વિદ્યાપુરુષ : જયંત કોઠારી
સત્ય જ એમનો દેવ અને કર્મ એમની દેવી. જે કામ હાથમાં હોય તેમાં ઊંડાં ઊતરવાનું, સૂક્ષ્મદર્શક કાચથી એનું પરીક્ષણ કરવાનું અને ચોક્કસ તારણો આપવાનાં — આ એમની કાર્યપદ્ધતિ રહી. તારણ પર ન પહોંચે ત્યાં સુધી ચેન ન મેળવે. હંમેશાં કહે કે કોઈ પણ વિષય પોતે નાનો કે મોટો હોતો નથી; તમે એ વિષયનું શું કરો છો એ મહત્ત્વનું છે.
કીર્તિદા શાહ
વ્યવસ્થાશક્તિ, સતત મચી પડવાની વૃત્તિ, ખંત, પોતાની આસપાસની વ્યક્તિઓમાં વિશ્વાસ ઊભો કરી દરેકની શક્તિને ઓળખી એ પ્રમાણે કામ લેવાની આવડત, નિર્ભયતા વગેરે સંઘનેતૃત્વના ગુણો એમનામાં હતા. પોતાને સાચું લાગે તો એ માટે લડવાનું એમના સ્વભાવમાં હતું.
જયંત ગાડીત
વિદ્યાર્થીઓ જયંતભાઈના અપાર વાત્સલ્યથી ભીંજાઈને એમનું ઋણ ચૂકવવા તત્પર બનતા, ત્યારે તેમને સમજાવતાં જયંતભાઈ કહેતા : “કેટલાંક ઋણ કદી ચૂકવાતાં નથી. નિષ્ઠાથી અધ્યાપન કરવું, એ જ ગુરુના ઋણનો પ્રત્યુત્તર છે. કોઈકનું ઋણ તમારા પ્રત્યે ચૂકવતો હું, ને એ ઋણ બીજા પ્રત્યે ચૂકવતા તમે — આ સંબંધો વર્તુળાકાર છે.”
{{Right|દર્શના ધોળકિયા}
સત્યકામ વિદ્યાપુરુષ જયંત કોઠારી ગુજરાતીના અધ્યાપકને પદેથી પ્રમાણમાં વહેલા નિવૃત્ત થયા હતા, છતાં છેવટ સુધી શિક્ષક રહ્યા હતા, ૭૧ વર્ષની વયે [૨૦૦૧માં] અવસાન થયું ત્યારે પણ સૌ પ્રથમ તેઓ એક વિદ્યાર્થી હતા.
દીપક મહેતા
જયંત કોઠારીને નગીનદાસ પારેખ કે હરિવલ્લભ ભાયાણીની શ્રેણીમાં મૂકી શકાય. નગીનદાસ પોતાના સંસ્કૃત કાવ્યશાસ્ત્રા વિષયક ગ્રંથ છપાય તે પહેલાં જયંત કોઠારી વાંચી જાય એવી ઇચ્છા રાખે. અમુક લખાણો એકબીજાને વાંચી સંભળાવવાની આદત આ ત્રણે વિદ્વાનોમાં હતી. જયંત કોઠારી ગુજરાતીના અધ્યાપક હતા અને એમની ચિંતા, વિદ્યાર્થીઓને અધિકૃત અધ્યયનસામગ્રી કેમ ઉપલબ્ધ થાય તેની રહેતી. એ સામગ્રી મેળવી આપવા એમણે પુસ્તકો તૈયાર કર્યાં. એમાં એમની વિદ્યાર્થી-પ્રીતિ જ પ્રગટ થતી જોવા મળે. જેમ વિદ્યાર્થી માટે તેમ અધ્યાપકો માટે, પોતાના વિષયની સજ્જતા વધે એ માટે ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ દ્વારા તેમણે પ્રયત્નો કરેલા. એક ઉત્તમ અધ્યાપકનું કાર્ય, સઘન અધ્યયન પરંપરાને જીવંત રાખનાર છાત્રો તૈયાર કરવાનું પણ છે. જયંતભાઈએ જે કેટલાક છાત્રા તૈયાર કર્યા છે, તેમાં કીર્તિદા જોશી [શાહ] અને દર્શના ધોળકિયા ગુરુપરંપરાને ચલાવે એ રીતે સજ્જ થયાં છે.
ભોળાભાઈ પટેલ
વિદ્યા કે સાહિત્યના ક્ષેત્રમાં કશું પણ ખોટું કે ધોરણ વિનાનું થતું હોય તે એ સાંખી શકતા નહીં. એ વિશે સ્પષ્ટપણે કહેતાં લાભ-હાનિનો વિચાર કરનારી કોઈ વ્યવહારુતા વચ્ચે આવતી નહીં. છતાં જયંતભાઈના કોઈ કથન પાછળ કશો દુરાશય કોઈએ જોયો નથી, કેમ કે કોઈ પણ તીવ્રતાની પાછળ એમની ઊંચી સત્યનિષ્ઠા પડેલી હતી. અધિકૃત ને ઉત્તમ અભ્યાસ-સામગ્રી વિદ્યાર્થીઓને સુલભ કરી આપવી, એને જયંતભાઈ અધ્યાપકનો ધર્મ સમજતા. અનેક સામયિકો-પુસ્તકોમાં વેરાયેલી લેખસામગ્રીને સંમાજત-સંપાદિત કરીને તેમણે કરેલાં સંપાદનો તેમની સંપાદનશક્તિનાં ને સાચી વિદ્યાર્થીહિત-ચિંતાનાં દૃષ્ટાંતો છે.
રમણ સોની
[‘અપ્રગટ જયંત કોઠારી’ પુસ્તક]