સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંત પાઠક/સાચના શહીદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          પૂર્વ પંચમહાલના વનાંચલનો એક વિસ્તાર પહેલાં દેવગઢબારિયાના દેશી રાજ્યની હકૂમત હેઠળ હતો. વસ્તી મોટે ભાગે કોળી, ધારાળા, બારૈયા ને આદિવાસીની. આ પ્રદેશની પ્રજાને મન થાણું એટલે યમસદન ને સરકારી નોકર એટલે જમડા. એમની નજરે ચડવાનું એ બને તેટલું ટાળે. આદિવાસી જંગલમાં વાઘવરુનો એકલે હાથે સામનો કરે, અંદર અંદર ઝઘડો થતાં સામાને ઝટકાવી નાખતાં વિચાર ન કરે, પણ ખાખી ડગલી જુએ કે થરથર કંપે. દરેક ખાખી ડગલીવાળો માણસ એક રાજા છે : એ તમારાં મરઘાં-બકરાં માગે તો આપવાં પડે; એ તમારી સ્ત્રી, બહેન કે દીકરીની લાજ લૂંટે તો તમારે લાચારીથી જોઈ રહેવાનું. અહીં દમન એ જ કાયદો છે, ભયંકર અન્યાય એ જ વ્યવસ્થા છે. એક વાર થાણામાંથી ભરણાની રકમ ઊપડી ગઈ; હશે પાંચસો-છસો રૂપિયા. ચોરીની ફરિયાદ પાટનગર પહોંચી. પોલીસવડા યારમહમ્મદને તપાસ માટે મોકલવામાં આવ્યા. એમણે રાજગઢ થાણામાં મુકામ નાખ્યો. યારમહમ્મદની બાહોશી વખણાય. એ ચોરી ન પકડી શકે એવું બને જ નહિ, એવી એમની છાપ. આ છાપ કાયમ રાખવા એમણે કમર કસી. બીજે જ દિવસે શક પરથી બે માણસોને પકડવામાં આવ્યા : એક ગોઠ ગામના નાનિયાને (ચોરીના બનાવ વખતે એ કોઈ કામ અંગે થાણે આવેલો) ને બીજા ઘોઘંબાના પટાવાળા રામલાને. બન્નેને પહેલે દિવસે હેડમાં પૂર્યા. એમણે ગુનો કબૂલ ન કર્યો. બીજે દિવસે એમને એક ઓરડીમાં પૂરીને મારવા લીધા. છાતી ઉપર ચડી બેસી મોં ઉપર મુક્કા મારે, નાગા કરી ગુહ્ય ભાગમાં લાતો મારે, છાતી ઉપર લાઠી મૂકી બે છેડે બે જણા બેસે. પોલીસના ભેજામાં યાતના આપવાની જે કોઈ યુક્તિ સૂઝે તે અમલમાં મૂકવામાં આવે. પણ આ બે જુવાનોએ ગુનો કબૂલ ન કર્યો તે ન જ કર્યો. એમનો એક જ જવાબ હતો : “અમે લીધા નથી, પછી ચમ કરીને હા કહીએ?” એક બપોરે નાનિયો ઉતાવળે પગલે અમારા ઘર આગળથી થાણામાં જવા નીકળ્યો. બાને થયું કે, લાવો પૂછીએ તો ખરાં કે શું કરે છે? “કેમ નાનભઈ!” કહ્યું એટલે ઓટલે ચડયો. “હારુ બા.” “તમને, અલ્યા, ત્યાં શું કરે છે થાણામાં?” “અરે બા, વાત જ જવા દો! પૂર્વ જનમનાં પાપ હશે તે ભોગવવા વારો આવ્યો, નકર આ જનમારે તો અધરમ નથી કર્યો. બે વાર ખાવા છોડે છે — ઘેર રોટલા ખાવાના ને થાણામાં માર ખાવાનો.” બાની નજર એના મોં પર ગઈ એટલે નાનભાઈએ કહ્યું, “આ જુઓને બા, કાલે એવી ઝાપોટ મારી કે મારા બે દાંત પડી ગયા; જુલમનો પાર નથી. હશે, કરમના લેખ ભોગવ્યા વગર છૂટકો નથી.” બાને દયા આવે છે, એ કહે છે, “પણ તું હા કહી દે ને, એટલે આ મારપીટ તો બંધ થઈ જાય!” “એવું તે ચેમ કહેવાય, બા? લીધું ના હોય ને માથે ચેમ ઓઢી લેવાય? એક તો આબરૂ જાય ને પાછા જૂઠું બોલી ભગવાનના ગુનેગાર થઈએ તે જુદું. એ પાપમાંથી કયે ભવ છૂટીએ પાછા? જે નસીબમાં હશે તે થશે.” શૈશવમાં જોયેલું નાનિયાનું મુખ ભુલાતું નથી. એ ઉતાવળી, ધરતી ધ્રુજાવતી, ઉઘાડા પગની ચાલ, એ કપાળ ઉપર હીંચકા ખાતા વાંકડિયા વાળ, એ વૃશસ્કંધ પડછંદ શરીર, સત્યને ખાતર રોજ રોજ નિયમિત થાણે હાજર થઈ અમાનુષી માર ખાવાની એની ધીરતા-દૃઢતા, “લીધા ના હોય ને માથે ચેમ ઓઢી લેવાય?” એવાં એનાં સત્યાગ્રહ-વચનો : આ બધાંએ મારા શિશુચિત્તમાં સાચના એક શહીદની મૂર્તિ સ્થાપી દીધી છે. નાનિયાનું શરીર મજબૂત, ને મારનાર હાર્યા અને આખરે એને છોડી મૂક્યો. પણ પેલો રામલો — પહેલેથી જ ભાંગેલા શરીરનો સળેકડા જેવો, તે એનાથી કેટલું સહન થાય? એક સવારે વાત આવી કે રામલો કોટડીમાંથી રાતોરાત ભાગી ગયો! એનો પત્તો ન મળ્યો. બિચારો રામલો! ત્રાસથી નાસી તો ગયો — પણ બીજી દુનિયામાં.