સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પંડ્યા/કોઠે કોઠે ઝળહળતા દીવા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          “ભારતમાં લોકશાહીનાં મૂળ ઊંડાં છે” એવી વાત સાંભળીને પોરસથી માથું ધુણાવનારા લોકોની સંખ્યા બહુ મોટી છે. પણ આપણી સંસદીય લોકશાહીનો ઇતિહાસ જોતાં, લોકશાહી ભાવનાનું ઊંડાણ પ્રકટ કરે એવો તે ઊજળો નથી. ગાડામાં મુસાફરી કરતા હોઈએ અને આપણા સામાન ઉપર ‘એર ઇન્ડિયા’નું છોગું લગાડેલું હોય તેથી આપણે વાયુપ્રવાસી છીએ એમ કહેવું હાસ્યાસ્પદ લાગે, તેવું જ આપણે લોકશાહી છીએ એમ કહેવું પણ હાસ્યાસ્પદ લાગે છે. લોકશાહીના મૂળભૂત સંસ્કારોનું પ્રથમ સિંચન કુટુંબજીવનમાં થવું જોઈએ. આપણી કુટુંબસંસ્થામાં સામંતશાહી અને આપખુદ વલણો કેટલાં છે તે ઝીણવટથી જોવા જેવું છે. કેટલાં કુટુંબોમાં આચારવિચારની સ્વતંત્રતા છે? કેટલાં કુટુંબોમાં સામાજિક સભાનતા અને શિસ્ત છે? કુટુંબના કૂંડાળામાંથી બહાર આવો ને ખોળી કાઢો કે વહીવટી સંસ્થાઓ, સમાજસેવા ને શિક્ષણની સંસ્થાઓ, દુકાનો, રેંકડીઓ, માણસોના મેળા જ્યાં જામે છે તેવાં સ્થાનોમાં ક્યાંય લોકશાહીનો ‘લ’ પણ જોવા મળે છે ખરો? માનવીનું ગૌરવ સાચવવું અને સમભાવથી એનો આદર કરવો, એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત આ દેશની કેટલી સંસ્થાએ આચરી બતાવ્યો છે? આપણી સભ્યતા પાંચ હજાર વર્ષ જેટલી જૂની છે, એવા આત્મસંતોષને અંતે પણ મૂળ સવાલ તો રહે જ છે કે આપણી સભ્યતા આટલી પ્રૌઢ હોવા છતાં આપણા પટાવાળા, કારકુનો, અધિકારીઓ, મોટરવાળાઓ કે આપણા રાહદારીઓમાં પણ એ સભ્યતા અને લોકશાહીના વ્યવહારની શૈલી કેમ પ્રગટતી નથી? દિનરાત ઘૂમરાતા કોલાહલોમાં, કામ પર હાજર થવાના સમયપાલનમાં, વહીવટના નઘરોળ વિલંબમાં, કામના ઢગલા વચ્ચેની કામચોરીમાં, સત્તાધીશોના ઘૂરકાટમાં, લાંચ ખાઈને જ કામ કરવામાં, પરીક્ષાનાં પરિણામોમાં ઘાલમેલ કરવામાં... જે ઊપસી આવે છે તેને શું લોકશાહી કહીશું? એક અંગ્રેજ કુટુંબમાં જન્મેલા બાળકને ‘ગુડ મોઋનગ’ કે ‘ગુડ નાઇટ’ જેવાં અભિવાદનો કરવાની કે ‘યસ પ્લીઝ’ જેવાં શિષ્ટ વાક્યો બોલવાની ટેવ પાડવામાં આવે છે, રીતભાતો શીખવવામાં આવે છે. પાડોશી સાથે કેવા સદ્ભાવથી વર્તવું, અજાણ્યા સાથે પણ કેવા વિવેકથી વાત કરવી, આપત્તિમાં કોઈને કેવી રીતે મદદરૂપ થવું... સરવાળે શું કરવું ને શું ન કરવું તેની તાલીમ કુટુંબની વિદ્યાપીઠમાં જ એ બાળકોને મળી જાય છે. અક્ષરજ્ઞાન અને બીજી કેળવણી એ તો આ મૂળ સંસ્કારની પુરવણી માત્ર છે. કુટુંબ અને શિક્ષણપ્રથા કેવાક હીરા પકવે છે તેની કસોટી સમાજવહીવટ, રાજ્યવહીવટ અને સંસદીય વ્યવહારોમાં થતી રહે છે. યુરોપના કોઈ પણ દેશની એકાદ કચેરીમાં દાખલ થાવ તો, મીઠું મલકીને “કેન આઈ હેલ્પ યૂ” કહેતી કન્યા, સડક પર શાંતિથી વાત સાંભળીને ઊલટથી માર્ગદર્શન આપતો પોલીસ, “મૂવ ઓન સર, પ્લીઝ” કહેતો બસકંડક્ટર, રાહદારી ઝીબ્રા ક્રૉસિંગ પર પગ મૂકે તેની સાથે જ સાવચેત થઈ જતો ને તેને પહેલાં પસાર થઈ જવા સંકેત કરતો ડ્રાઇવર... એ બધું સમાજજીવનની કોઈ આકસ્મિક નીપજ નથી. એને માટે સમાજે પરસેવો પાડ્યો છે અને કોઠેકોઠે દીવા ઝળહળતા રાખ્યા છે. [‘નિરીક્ષક’ પખવાડિક : ૧૯૭૮]