સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જ્યોતીન્દ્ર હ. દવે/ખોટી બેઆની

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          [જ્યોતીન્દ્ર હ. દવેનાં હાસ્યરસિક લખાણોમાંથી લેખકે પોતે ચૂંટેલાંનો સંચય ‘જ્યોતીન્દ્ર-તરંગ’ ૧૯૭૬માં બહાર પડેલો. એ પુસ્તકની પ્રસ્તાવના લખનાર બકુલ ત્રાપાઠીએ પણ ‘જ્યોતીન્દ્રના હાસ્યલેખો’ નામનું એક સંપાદન ૧૯૭૬માં કરેલું. હાસ્યરસના ત્રીજા જાણીતા લેખક વિનોદ ભટ્ટે જ્યોતીન્દ્ર દવેની ‘શ્રેષ્ઠ હાસ્યરચનાઓ’ ૧૯૮૧માં સંપાદિત કરેલી. તે પછી ૨૦૦૦ની સાલમાં જ્યોતીન્દ્ર શતાબ્દી વેળા લેખકની ‘પ્રતિનિધિ હાસ્યરચનાઓ’ નામનો સંગ્રહ વિનોદ ભટ્ટે સંપાદિત કરેલો અને એ જ સંપાદકે એ જ વરસે ‘હાસ્યેન્દ્ર જ્યોતીન્દ્ર’ નામનો વધુ એક સંચય પ્રગટ કરેલો. આ પાંચેય સંગ્રહોમાં મળીને ૮૧ જુદા જુદા લેખોની પસંદગી લેખકે પોતે અને ગુજરાતના બીજા બે સમર્થ હાસ્યલેખકોએ કરેલી છે, તેને જ્યોતીન્દ્ર દવેની ઉત્તમ હાસ્યરચનાઓ ગણી શકાય. પાંચેય સંચયોમાં પસંદગી પામી હોય તેવી એક માત્રા રચના છે ‘મારી વ્યાયામસાધના.’ તેને જ્યોતીન્દ્ર દવેનો શ્રેષ્ઠ હાસ્યલેખ કદાચ કહી શકાય. આ ૮૧ લેખોમાંથી બીજા તેર એવા છે, જેની પસંદગી લેખકે તથા એક સંપાદક વિનોદ ભટ્ટે કરેલી છે. પણ બીજા સંપાદક બકુલ ત્રાપાઠી અને લેખકની બેયની પસંદગી જેની પર ઊતરી હોય તેવો લેખ એક જ છે. પાંચ લેખ એવા છે, જેની પર બન્ને સંપાદકોની પસંદગી ઊતરી છે, પણ ખુદ જ્યોતીન્દ્ર દવેએ પોતાના સંપાદનમાં તેને લીધેલ નથી. આ ૮૧ ઉત્તમ જ્યોતીન્દ્ર-રચનાઓમાંથી ટૂંકામાં ટૂંકી છે ‘ખોટી બેઆની’. તેમાંથી પણ લગભગ છઠ્ઠો ભાગ ઓછો કરીને અહીં સંક્ષિપ્તરૂપે આપી છે. — સંપાદક]

હમણાં થોડા દિવસ પર મારા હાથમાં, કોણ જાણે ક્યાંથી, ખોટી બેઆની આવી ચઢી હતી. એ બેઆની ખોટી છે એમ જ્યારે મોદીએ પાછી આપતાં અર્ધ તિરસ્કારયુક્ત અવાજે મને જણાવ્યું ત્યારે, ‘કયો મોરલો આ કલા કરી ગયો?’ એમ મને થયું. પરંતુ એ પ્રશ્નનું નિરાકરણ થઈ શકે તોપણ એથી એટલી બેઆની પૂરતી મારી ગરીબાઈ ઓછી થાય એમ નહોતું. એ પ્રશ્ન પડતો મૂકી એ બેઆનીને શી રીતે ચલાવવી તેનો મેં વિચાર કરવા માંડયો. હાથમાં વર્તમાનપત્રા રાખી વાંચવાનો ડોળ કરી મેં ટ્રામના કંડક્ટરને એ બેઆની જરા પણ અચકાયા વગર આપી. એણે ટિકિટ આપીને બેઆની લેવાનો પ્રયત્ન કર્યો. જૂઠી વસ્તુઓને પોતાની જાહેરાત કરવાનું ઘણું મન હોય છે, એ ન્યાયે કંડક્ટરના હાથમાંથી એ ચંચળતાની મૂર્તિ સરીને નીચે પડી અને સાચી બેઆની જેવો અવાજ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. કંડક્ટરે બેઆની ઉપાડી, વિસ્મયથી તેને ફેરવી ફેરવીને જોઈ, રાજાની નિર્દોષ પ્રતિકૃતિ સામું થોડી વાર એ ઘૂરક્યો ને પછી કંઈ પણ બોલ્યા વગર બેઆની મારા હાથમાં પાછી મૂકી. એનું જ અનુકરણ કરી મેં બેઆની પાછી લીધી. વિસ્મયથી થોડી વાર હું તેના સામું જોઈ રહ્યો. ફેરવી ફેરવી મેં તેનું બારીક અવલોકન કર્યું, રાજાની પ્રતિકૃતિ સામું ઠપકાભરી નજરે જોયું ને પછી કંઈ પણ બોલ્યા વગર એ બેઆની ગજવામાં મૂકી, બીજી કાઢી એને આપી. એક આનો પાછો આપી વિજયની નજર ફેંકી કંડક્ટર એને પંથે પળ્યો. ચા પીવાની સામાન્ય ઇચ્છા તો મને હંમેશ જ રહે છે. પરંતુ હૃદયના ઊંડા ઊંડાણમાંથી ‘ચા! ચા!’નો પોકાર ન ઊઠે ત્યાં સુધી પૈસા ખરચીને રેસ્ટોરાંમાં ચા પીવા હું બનતાં સુધી જતો નથી. પંદરવીસ મિનિટ પૂર્વે જ ચાનો સંયોગ થયેલો હોવાથી હૃદયમાંથી ચાનો પોકાર ઊઠવાની હજી કંઈક — અર્ધાએક કલાક જેટલી વાર હતી. છતાં આ પ્રસંગે હું એવા પોકારની વાટ જોયા વગર, ખોટી બેઆની ચલાવવા માટે આનો ખરચી નાખી મને કદી નહીં મળેલો એવો વ્યવહારકુશળતાનો યશ મેળવવાની મહત્ત્વાકાંક્ષાથી એક રેસ્ટોરાંમાં દાખલ થયો. એકલી બેઆની પકડાઈ જવાનો સંભવ વધારે, એમ લાગવાથી મેં સાવચેતી વાપરી ચારેક આના જેટલો ખર્ચ કરવો એમ ધારી ચા ઉપરાંત બીજું કંઈ પણ મંગાવ્યું. ચા પૂરી કરી હું પૈસા આપવા ગલ્લા પાસે ગયો. “ચાર આના લો!” વેઇટરે બૂમ પાડી. પૈસા લેવા માટે ગલ્લા પાસે ઊભેલા પુરુષની આંખો ઘણી નબળી હોય એમ મને લાગ્યું અને “એ ઉપકાર ગણી ઈશ્વરનો” હું હરખાયો. પરંતુ હિન્દુસ્તાનના હરખની પેઠે મારો હરખ પણ અકાલીન ને અકારણ નીવડયો. બે ખરા આના વચ્ચે ખોટી બેઆની મૂકીને મેં એને આપીને રોફભેર ચાલવા માંડયું; પણ બે પુરુષ વચ્ચે ચાલતી હોય તો પણ સ્ત્રી તરફ જ જોનારની નજર ખેંચાય, એમ એની નજરે બે આના વચ્ચે રહેલી બેઆની જ પડી! “શી...! મિસ્ટર!” એણે મને બૂમ મારી. આશ્ચર્ય પામતો હોઉં એવી રીતે હું પાછો ફર્યો. “કેમ?” મેં પૂછ્યું. “એ નહીં ચલેગી,” કહી એણે બેઆની પાછી આપી. “કેમ?” “ખોટી હૈ. દૂસરી દો.” “ખોટી શાથી થઈ? એના ઉપર છાપ નથી?” પણ એના મોં સામું જોઈ, બેઆની બદલી આપી ચાલ્યા જવું વધારે સલામત લાગવાથી મેં તેમ કર્યું. આ પછી બેચાર દિવસ સુધી મેં એ બેઆની ચલાવવા માટે તનતોડ મહેનત કરી, પણ વફાદારીની વધારે પડતી ભાવનાવાળી એ બેઆનીએ મારો ત્યાગ ન જ કર્યો. આખરે અંતિમ ઉપાય તરીકે ભિખારીને આપી દઈને કે મંદિરમાં નાખીને એની પીડામાંથી મુક્ત થવાના મરણિયા નિશ્ચય પર હું આવ્યો. પરંતુ એટલામાં મને એક યુક્તિ સૂઝી. એક કાણા પાનવાળાની દુકાને જઈને મેં બે પૈસાનાં પાન ખરીદી તેને એક રૂપિયો આપ્યો. એણે બે પૈસા કાપી લઈ બાકીનું પરચૂરણ આપ્યું. પરચૂરણ ગણી જોતાં યુક્તિપૂર્વક પેલી ખોટી બેઆની મેં એના ભેગી સેરવી દીધી. પછી જાણે અચાનક જ નજર પડી હોય એમ એ બેઆની મેં બહાર કાઢી કંઈક સાશંક દૃષ્ટિએ એના તરફ જોઈ, “આ બેઆની ખોટી છે, બીજી આપ” એમ કહી પાનવાળાને પાછી આપી. પાનવાળાએ બેઆની પાછી લીધી અને કહ્યું, “મારી પાસે બીજી બેઆની નથી. તમે બે આના આપો તો હું પાવલી આપું.” મેં બે આના આપી એની પાસેથી પાવલી પાછી લીધી. “જંગ જીત્યો રે મારો કાણિયો”નું ગીત ધીમે અવાજે ગાતો હું ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તામાં બે-ત્રાણ મિત્રો મળ્યા. તેમને બેઆનીની કથા કહી અને મારા વિજયનું અખંડ સ્મરણ જાળવવા તેમને ચા પીવા પાસેના રેસ્ટોરાંમાં લઈ ગયો. ચા પી પૈસા ચૂકવવા પેલી પાનવાળાની પાવલી મેં રેસ્ટોરાંના માલિકને આપી. એણે પાવલીને જમીન પર પછાડી ને રૂપાનો ઢોંગ કરતી એ પાવલી કલાઈના અવાજે કકળી ઊઠી! “યે પાવલી નહીં ચલેગી, દૂસરી દો.” અનુભવે રીઢો બનેલો હું કંઈ પણ બોલ્યો નહીં ને બીજી પાવલી બદલી આપી, અપૂર્વ પરાક્રમ કર્યા પછી હારેલા વીર યોદ્ધાની પેઠે ત્યાંથી પાછો ફર્યો અને “જંગ જીત્યો રે મારો કાણિયો”ની બીજી પંક્તિ “વહુ ચલે તબ જાણિયો” હતાશ હૃદયે સંભારી. [‘મારી નોંધપોથી’ પુસ્તક]