સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/વાચનરસ કેળવવો છે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          એક મિત્રનો કાગળ છે.: “હમણાં રોજ યાદ આવો છો. પુસ્તકાલય વસાવવું છે, શોખ કેળવવો છે. પુસ્તકોની યાદી માગું છું.” આ મિત્ર હું સૂચવું તે વાંચશે.? અભ્યાસનિષ્ઠ બનશે.? વાર્તાપુસ્તકથી વાચનરસ કેળવી શકાશે નહીં. રસેન્દ્રિયને તેજસ્વી તેમ જ તંદુરસ્ત બનાવ્યા વગર લેવાતો વાર્તારસ જ્ઞાનની હોજરીને બગાડે. થોડા કષ્ટસાધ્ય વાચનથી હોજરીની સાફસૂફી થવી જોઈએ. પહેલાં વિવેચન વાંચો, કંટાળો લાવ્યા વગર ફરી ફરી વાંચો, રસને અંતરમાં સ્થિર કરો અને કવિતા પ્રત્યેની સૂગને કોરે મૂકી થોડાં થોડાં કાવ્યોનું સતત પરિશીલન કરો. રસેન્દ્રિયમાં અમી પેદા થશે. લાગણીતંત્રને ઝણઝણાવી મૂકનાર પુસ્તક પહેલે દરજ્જે ત્યાજ્ય ગણજો. ઊર્મિસંવેદનનો સ્થિર દીપક દિલમાં બળ્યા કરે, જ્યોત ભડક-ભડક ન થાય, તે સ્થિતિ સાચા વાચનરસની છે. લલિત-સાહિત્યના મધપૂડામાં મધુના ઉત્પાદન અર્થે આપણા જ્ઞાનકોશોની અંદર લલિતેતર જ્ઞાનસામગ્રી ભર્યા વગર છૂટકો નથી. પક્ષીઓ અને પશુઓની દુનિયા, જ્યોતિર્મય ગગન, ઇતિહાસ-સૃષ્ટિ વગેરે અંતરને અજવાળનારાં તત્ત્વોનું અજ્ઞાન રસસાહિત્યમાં રમવાની આપણી શકિતને હણી નાખે છે. વીનવું છું કે પ્રાણીઓની, ગ્રહોની, ભૂગોળ ને ઇતિહાસની ભવ્ય દુનિયામાં ઊતરો; પછી જોજો, તમને વાર્તા વાંચવી ગમશેયે નહીં, વાંચવાની જરૂર પણ નહીં રહે. ‘અપંગની પ્રતિભા’ વાંચો, કીડી અને ઊધઈ વિષેનાં મૅટરલિંકનાં પુસ્તકો વાંચો. એ એવો એક નીરોગી મુગ્ધભાવ આપશે કે તમને જીવવું મીઠું લાગશે. [‘જન્મભૂમિ’ દૈનિક: ૧૯૩૮]