સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/સાહિત્ય ને ચિત્રપટના સંગમ પરથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          યુરોપી ચિત્રપટોએ જગતના નામાંકિત કથાસાહિત્યને પોતાની ‘પ્રકાશ અને પ્રતિધ્વનિ’ની જીભ પર ચડાવી લીધું છે. આમ સાહિત્ય અને ચિત્રપટની કલાનો જ્યાં હસ્તમેળાપ થઈ રહેલ છે, ત્યાંથી પકડેલી આ કથાઓ છે. મૂળ ચોપડીઓ મેં વાંચી નથી. આ વાર્તાઓમાં તો કેવળ ચિત્રપટોમાં જે જોયું તેનું જ ઝીલણ છે. વાર્તાઓનો આધાર નીચે લખ્યાં ચિત્રપટોનો લીધો હતો: જનેતાનું હૃદય : ‘સિન ઓફ મૅડલીન ક્લોડેટ’ પાછલી ગલી : ‘બૅક સ્ટ્રીટ’ પુત્રનો ખૂની : ‘ધ મૅન આઈ કિલ્ડ’ એ આવશે : ‘મૅડમ બટરફ્લાય’ આખરે : ‘ધ સીડ’ મવાલી : ‘૨૦,૦૦૦ યર્સ ઇન સિંગ સિંગ’ આત્માનો અસુર : ‘ડો. જેકિલ એન્ડ મિ. હાઇડ’ જીવનપ્રદીપ : ‘સિટી લાઇટ્સ’ હાસ્ય: પહેલું અને છેલ્લું : ‘ધ ક્રાઉડ’ માસ્તર સાહેબ : ‘ટોપાઝ’ દીક્ષા : ‘ક્રેડલ સોંગ’ હિમસાગરનાં બાળ : ‘એસ્કિમો’ બદનામ : ‘ડિસઓનર્ડ’ જલ્લાદનું હૃદય : ‘હેચેટ મેન’ ધરતીનો સાદ : ‘વિવા વિલા’ એ પંદરે પંદર પૈકીનું જે જે ચિત્રપટ જોવા મળે એ ન ગુમાવવા દરેકને મારી વિનંતી છે. આ ચિત્રપટોમાં મૂળ કથાઓ અલગ અલગ સમુદાયોની હોવા છતાં તેની અંદર સાર્વજનીન જીવનધ્વનિ ‘(યુનિવર્સલ અપીલ’) પડેલો છે. એ જીવન-સૂર મને જેવો સંભળાયો તેવો હું વાચકોને હૈયે ધરું છું. પાત્રોનાં વિશેષ નામો ફક્ત બે જ ઠેકાણે યોજ્યાં છે: એક માલો ને બીજો પાંચો, કારણ કે એ બેઉનાં મૂળ નામો જ ‘માલા’ અને ‘પાંચા’ છે. આમ અનાયાસે આપણા સ્થાનિક વાતાવરણને સજીવ બનાવનાર આ બેઉ નામોનો મેં લાભ સાધ્યો છે. બાકીનાં પાત્રો પરથી મારે નામો ભૂંસવાં પડેલ છે. કેમ કે વિદેશી નામો મૂળ વાર્તાના સાર્વજનીન વાતાવરણનો ઘાત કરી નાખે છે. બીજી બાજુ આપણાં દેશી નામો જોડીને બનાવટી રીતે આ વિદેશી વસ્તુને આપણી બનાવી લેવાનું મને મુનાસબ નથી લાગ્યું. વાર્તાઓના સૂરો જો સાચેસાચ વિશ્વસૂરો હશે તો આપોઆપ એ આપણાં હૈયામાં જગ્યા મેળવશે. મૂળ ચિત્રપટોને હું શબ્દશ: વફાદાર રહ્યો નથી. ચિત્રપટને એનું પોતાનું નિરાળું કલાવિધાન છે. શબ્દની વાણીની એને ઝાઝી ખેવના નથી, કેમ કે એની કને ચિત્રની જોરાવર વાણી છે. ચિત્રની વાણી એના વસ્તુવેગને ધોધમાર ધપાવે છે. બનતા બનાવોને ભાષામાં મૂકવાનો આ પ્રયત્ન પણ પોતાની શબ્દકલાને માગી લે છે. ઉપરાંત શ્રેષ્ઠ બોલપટોની ખૂબી પણ એની ભાષાની, એના સવાલો-જવાબોની, એના ખુદ બોલની જ અલ્પતામાં રહેલી છે. એ થોડાઘણા બોલોને પકડવામાંય વિદેશી ભાષાનું, વિચિત્ર અમેરિકન ઉચ્ચારોનું, પાત્રોને ભજવતાં મૂળ નટનટીઓની પણ નિરનિરાળી ઉચ્ચારખૂબીઓનું, તેને સંઘરનારાં ધ્વનિયંત્રોની સારી-માઠી સ્થિતિનું, અને છેલ્લે એ તમામને પ્રતિધ્વનિત કરનારાં થિયેટરોનું બંધન આપણી ઝીલણ-શકિતને નડતર કરે છે. આમ કોઈ વિરાટની આંખના વેગવંતા પલકારા દરમિયાન એની કાળી પાંપણો વચ્ચે મારાથી જે કંઈ પકડી લેવાયું, તેને મેં સ્મરણ-મંદિરમાં સુવાડી લીધું. પવનવેગીલી એ તેજપગલીઓની આછી આછી મુદ્રા મેં મારા ચિત્તપ્રદેશ પર અંકાઈ જવા દીધી. ને પછી મેં મારા અંત:કરણની આરપાર ચાલ્યાં ગયેલાં એ અતિથિઓની અખંડ સ્મરણ-સાંકળી વેરણછેરણ અંકોડામાંથી ઊભી કરી. સંવાદો મોટે ભાગે મારા જ છે. બનાવોની સંકલના મૂળની છે. કાપકૂપ મેં ખૂબ કરી છે. સ્મરણની પ્રતિમાઓને એના સાચા સ્વરૂપે પ્રકાશવામાં આડો આવતો કુથ્થો મેં ફગાવી દીધો છે. બનતા બનાવોને જ મેં તો જોઈને ઝીલી લીધા છે ચિત્રપટની કલા તો એના હરકોઈ પાત્રની એકાદ મુખમુદ્રા ઉપર, એકાદ અંગમરોડની અંદર, એકાદ નયનપાતમાં એકસામટા કૈંક મનોભાવો મૂકી આપે છે. વાર્તાલેખકને એ એક જ પલકારનું સવિસ્તર પૃથક્કરણ કરવું પડે છે. એને પોતાની કલ્પનાનો દોર છુટ્ટો મૂકવો પડે છે. પાત્રને જાણે કે એ પંપાળી પંપાળી પોતાની કને વારંવાર બોલાવે છે. એ એક કરતાં વધુ વાર પૂછ્યા કરે છે કે, “કહે જોઉં! તેં તારા એ એકાદ હાવભાવની પાછળ શા શા મનોવ્યાપાર છુપાવી રાખ્યા હતા?” એ પંદરેય કથાઓનાં પાત્રોને એક અથવા ક્વચિત્ બે વાર પડદા ઉપર ઝડપી નજરે જોઈ લીધા પછી મેં કોણ જાણે કેટલી કેટલી વાર એ બધાંને એક પછી એક મારી પાસે તેડાવ્યાં હશે: સ્વપ્નમાં ને જાગૃતિમાં, મિત્રો જોડેના વાર્તાલાપમાં અને એકાંતમાં, હસતાં હસતાં અને અશ્રુભેર, એ છાયાશરીરધારીઓનું મેં આવાહન કર્યું, મારાં એ સહુ પ્રિયજનો બન્યાં, તેઓનાં ગુપ્ત આવાસોનાં બારણાં મારે સારુ ઊઘડી ગયાં તે પછી જ તેઓની આ પિછાન આપવાનું મારે માટે શક્ય બન્યું. આ પિછાનને, આ તેમના હાર્દ-ઉકેલને, આ પૃથક્કરણને સાહિત્યનો સમીક્ષક મૌલિક નહિ માને. મેં એને સર્જ્યાં નથી. પણ સર્જવામાં જો પ્રસવ-વેદના રહેલી છે, તો ઉછેરવામાં, સમજવામાં ને ચાહવામાંય ક્યાં ઓછી વેદના રહી છે! આવી ભાવિક દૃષ્ટિએ દોરેલી આ કથાઓ કેવળ કથાસાહિત્યનું નિર્જીવ થોથું બની અભરાઈ પર ચડે એટલો જ માત્ર હેતુ નહોતો. પરંતુ— સારાંમાઠાં સેંકડો ચિત્રપટોની અગમ અટવીમાં, ‘કંઈ સમજાયું નહિ’ની ફરિયાદ કરતાં પ્રેક્ષકોનું સારાં ચિત્રો તરફ માર્ગદર્શન કરાવવાનો પણ એક મનોરથ હતો. ચિત્રપટના પરદા પરની વાર્તાઓ લેખે આ વાર્તાઓ એક માર્ગદર્શક સ્થંભ (ખાંભા)નું મહત્ત્વ ધરાવે છે. જગતના કેટલાય કલાકારોની કલા પોતાના મર્મવાહક ‘(ઇન્ટરપ્રીટર’) વિના નિષ્ફળ ઊભી છે; પોતાની પિછાન કરાવનારા આશકોની એને રાહ છે. ચિત્રપટના ડિરેક્ટરોએ પોતાની વિશિષ્ટ વાણીમાં નવી એક દુનિયાનું નિર્માણ કર્યું છે. તેઓને હું સર્જકો કહું છું. તેઓની સર્જેલી આ પ્રતિમાઓના ખરા મર્મને જો હું પારખી શક્યો હોઉં એમ તમને ભાસે, તો હું આમાં નવસર્જનનો જ આનંદ પામીશ. મારું કેટલું છે ને કેટલું પારકું છે એ અલગ પાડીને બતાવવું સહેલ નથી, આવશ્યક નથી, તેમ ઈષ્ટ પણ નથી. એમાં મારો પ્રાણ નિચોવાયો છે, એટલું શું મારે માટે ઓછું છે? એક યુવાન વ્યાપારી સુહૃદયે મારા જીવનની એક વિકટ રાત્રીને પહોરે એક દીવો ચેતાવ્યો: ચિત્રપટોના દર્શનમાં એણે મને ઊડો રસ લેતો કર્યો. એક વિવેચકને છાજતી રીતે મને એણે પરદા પર ભજવાતી કથાઓના મર્મ પારખવામાં સહાય દીધી; અને છેવટે, મારાં થીજી ગયેલ આંગળાંને જીવતા મૃત્યુમાંથી ઉગારી લેવા માટે “કંઈક લખ! હવે કંઈક લખ!” એવું ધીરું ધીરું પંપાળીને આ વાર્તાઓના લેખનમાં મને પ્રવૃત્ત કર્યો. [‘પ્રતિમાઓ’ અને ‘પલકારા’ પુસ્તકો: ૧૯૩૪, ૧૯૩૫]