સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ડેમિયન વ્હીટવર્થ/અંતિમ છબી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          વીસમી સદીની કેટલીક સૌથી વધુ વિખ્યાત તસવીરો જગત સમક્ષ રજૂ કરનાર અમેરિકન સામયિક ‘લાઇફ’ની જિંદગી ૨૦૦૨માં ૬૬ વરસની વયે પૂરી થઈ. પ્રખ્યાત અમેરિકન અઠવાડિક ‘ટાઇમ’ના સ્થાપક હેન્રી લ્યુસે ૧૯૩૬માં ‘લાઇફ’ શરૂ કરેલું તે વાચકો “જીવનને જોઈ શકે, દુનિયાને જોઈ શકે” એ માટે. સદીના પાંચમા ને છઠ્ઠા દાયકાના એના સુવર્ણકાળ દરમ્યાન ‘લાઇફ’ અઠવાડિક ૮૫ લાખ નકલો મારફત અમેરિકનોને એમનાં ગામ-શહેરની બહારના વિશ્વ સાથે ઉત્તમ છબીકલા મારફત પરિચય કરાવતું હતું. અંતિમકાળ દરમ્યાન તેનો ફેલાવો ૧૬ લાખ પર આવી ગયેલો, તેટલો પણ પોતે ધરાવી શકે તો મોટા ભાગનાં સામયિકોના તંત્રીઓ પારાવાર સુખ અનુભવે. અને છેવટ લગી ‘લાઇફ’ નજીવો પણ નફો કરતું રહેલું. પરંતુ એના માલિકો માટે તે પૂરતો નહોતો. એક જમાનો હતો જ્યારે માત્ર અમેરિકનો જ નહીં પણ ભારત સહિત અનેક દેશના રસિકો છબીઓથી છલકાતા ‘લાઇફ’ના અંકની આતુરતાથી રાહ જોતા. દુનિયાના કેટલાક ઉત્તમ ફોટોગ્રાફરોએ લીધેલી દુષ્પ્રાપ્ય તસવીરો જગતના ચાહે તે ભાગમાંથી તુરતોતરત મેળવીને તેનું પ્રથમ પ્રકાશન કરવાનો જશ લેવા ત્યારે લાખોનો ખર્ચ કરતાં ‘લાઇફ’ ખચકાતું નહીં. ચર્ચિલની અંતિમ યાત્રાની છબીઓ ‘લાઇફ’નો અંક યંત્રા પર ચડવાની છેલ્લી ઘડીએ પણ પહોંચી શકે તે માટે એક ખાસ વિમાન ભાડે કરવામાં આવેલું ને કૅમેરાની ફિલ્મ ‘ડેવલપ’ કરવાનો સરંજામ પણ તેમાં હાજર રાખવામાં આવેલો. હેમિંગ્વેની નવલકથા ‘ઓલ્ડ મેન એન્ડ ધ સી’ જેવાં પુસ્તકોનું પ્રથમ પ્રકાશન પોતાના અંકમાં કરવા માટે ‘લાઇફ’ લખલૂટ દામ ચૂકવતું. એ દિશામાં ‘લાઇફ’ની મહત્ત્વાકાંક્ષાઓ નાનીસૂની નહોતી. જર્મન વિમાનોના અવિરત બોંબમારાથી મહાનગરી લંડનમાં ફાટી નીકળતી અગણિત આગોને ઠારવા કાજે પાણી બચાવવા પોતાના બાથ-ટબમાં ઓછું પાણી ભરવાની સૂચના નાગરિકોને આપવામાં આવી, ત્યારે અમેરિકન તંત્રીએ ‘લાઇફ’ના લંડન ખાતેના પ્રતિનિધિને સંદેશો મોકલેલો કે, “બૅંકઘેમ મહેલના બાથ-ટબમાં રાજા જોર્જ છઠ્ઠાની છબી તાબડતોબ મોકલાવો.” પણ એ કામગીરી તો ‘લાઇફ’ના ચતુર પત્રકારોથી પણ બજાવી શકાઈ નહોતી. ‘લાઇફ’ની વિશિષ્ટતા એની છબીઓ હતી. પણ ટેલિવિઝન આવ્યું પછી એનો ફેલાવો ઘટવા લાગ્યો, અને ૧૯૭૨માં ‘લાઇફ’નું પ્રથમ અવસાન થયું. છ વરસ પછી અઠવાડિકને બદલે માસિક તરીકે તેનો નવો અવતાર થયો, ત્યારે એનું કદ પણ નાનું બન્યું. તેમ છતાં એનો વિકાસ ન થયો, પરિણામે જાહેરખબરો મળતી ઓછી થઈ. ‘લાઇફ’ના અંતિમ અંકના પૂંઠા ઉપર તેના પ્રથમ અંકના પૂંઠાનું સ્મરણ કરાવતી છબી હતી. ત્યારે એક દાક્તરના હાથમાં તાજું જન્મેલું બાળક હતું ને તેનું શીર્ષક હતું : ‘લાઇફ બિગીન્સ’ : જીવનનો આરંભ. આ વખતે જાતજાતની નળીઓથી વીંટળાયેલા શિશુની તસવીર હતી.


[‘ટાઇમ્સ’ (લંડન) દૈનિક : ૨૦૦૩]


તા. ક. ૨૦૦૪માં સમાચાર આવ્યા છે કે ‘લાઇફ’નો નવો અવતાર થયો છે. મુખ્ય અમેરિકન અખબારોમાં એક પૂર્તિરૂપે હવે તે દર શુક્રવારે મૂકવામાં આવશે. એ પૂર્તિની સવા કરોડ જેટલી નકલો શરૂઆતમાં છપાશે.