સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દાઉદભાઈ ઘાંચી/“ઝહર ક્યા કરેગા અસર...!”

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          ગોધરાનો રેલવેકાંડ, નરોડા પાટિયાનો નરસંહાર, ગુલમર્ગ સોસાયટીની માનવહોળી, અને બીજું બધું તો કેટલુંય… ૨૦૦૦ જેટલી કરપીણ હત્યાઓ, એક લાખ જેટલાંની ખુદના વતનમાંથી જ કાયમી હકાલપટ્ટી, કરોડોની મિલકતોની તબાહી, અને દર-બે-દર ભટકતી કરી દેવામાં આવેલી અનેક વિધવાઓ અને અનાથોની વણઝાર, અને આ બધાંથી ઉપર ગુજરાતના સદીઓ પુરાણા સામાજિક સંવાદિતાના વારસાનો ધરાર સંહાર. ગુજરાતને શિરે ગુજારાયેલા એ બધા જુલમો-સિતમો પર, એ ગોઝારા દિવસોથી માંડીને આજ લગી ગુજરાતના સાહિત્ય, શિક્ષણ અને કલાક્ષેત્રોના કયા વીરલાઓએ માતમ કર્યું છે? સમાજનો અગ્રવર્ગ અનુકંપા ગુમાવી ચૂક્યો છે. એમ કહો કે એની એ સહજ માનવીય ક્ષમતાને બહેરી કરી દેવામાં આવી છે. પરિણામે દીવા જેવું સત્ય પણ એ સમાજ જોઈ શકતો નથી. એનું સમગ્ર ચક્ષુતંત્ર અને સંવેદનાતંત્ર, પેલા ગીતકાર જાવેદ અખ્તરના શબ્દોમાં, ધિક્કારની અસર નીચે એની સંવેનદશીલતા ગુમાવી ચૂક્યું છે. સાંભળો જાવેદને : “ઝહર ક્યા કરેગા અસર? હમને પી રકખી હૈં નફરતેં.” નિરપેક્ષ રીતે દેખવાનો, સમજવાનો કે સ્વતંત્ર રીતે વિચારવાનો યુગ ગુજરાત માટે વીતી ચૂક્યો છે, હવે એના શિરે લાદવામાં આવી ચૂક્યો છે સંકીર્ણ સાંપ્રદાયિક વિચારધારાના ફાસીવાદનો એક સુપર-આતંકવાદી યુગ. એનો આદેશ છે : ધિક્કારો, કેવળ ધિક્કારો, હર કોઈ બહાને ધિક્કારો! [‘નિરીક્ષક’ પખવાડિક : ૨૦૦૬]