સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દિલીપ કોઠારી/આંજતાં ન હોવા છતાં વહાલાં
Jump to navigation
Jump to search
‘સમરાંગણ’ અને ‘વસુંધરાનાં વહાલાં દવલાં’ એક જ બેઠકે વાંચી ગયો. ‘અપરાધી’ પણ તે જ રીતે વાંચી ગયો. હોલ કેઇનની મૂળ ‘The Master of Man’ વાંચી. લાગ્યું કે સ્વતંત્ર સર્જનની કક્ષામાં બેસે તેટલું સરસ રૂપાંતર થયું છે. મને તો ‘અપરાધી’ મૂળ કરતાં પણ સારું લાગ્યું. ‘સોરઠ તારાં વહેતાં પાણી’ સૌથી સરસ લાગી. કસુંબલ રંગની છાંટે સોહે છે. પાત્રાલેખન અને વાતાવરણ તો દિલમાં રહી ગયાં. શ્રી ગોવર્ધનરામનાં પાત્રો સંસ્કારી અને પંડિત છે, શ્રી મુનશીનાં પાત્રો ચાલાક, ચંચળ અને કુશાગ્રબુદ્ધિ છે, શ્રી [ર. વ.] દેસાઈનાં પાત્રો લાગણીપ્રધાન અને કોમળ છે. પણ તમારાં પાત્રો ખૂબ સમૃધ્ધ માનવતા અને માનવ્ય વીરતાથી ભરેલાં છે અને તે આંજતાં ન હોવા છતાં વહાલાં થઈ પડે છે. [ઝવેરચંદ મેઘાણી પરના પત્રમાં: ૧૯૩૯]