સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધર્મેન્દ્રસિંહ ચાવડા/અંજામ : ભંગાર અને મોત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          અમદાવાદમાં બિલાડીના ટોપાની માફક ફૂટી નીકળેલાં, બાંધકામના નિયમોને સદંતર નેવે મૂકનારાં ગેરકાયદે મકાનો અંગે સરકારે શાં પગલાં લીધાં? નરાતાર નિયમ-ભંગ કરીને બંધાયેલાં એ મકાનોને કાયદેસર ઠરાવતો એક વટહુકમ બહાર પાડ્યો! અને વધારામાં મકાન બાંધનારાઓ ઉપર ‘ઇમ્પેક્ટ ફી’ નામે કર નાખ્યો. એ વટહુકમમાં ઝીણામાં ઝીણી બાબત અંગે કશી શંકા રહી ન જાય તેની ખૂબ કાળજી લેવામાં આવી છે. ઇમારતની ઊંચાઈમાં વધારો, સામૂહિક વપરાશ માટે અલગ રાખવાની જગામાં બાંધકામ, ‘એફએસઆઈ’માં ઉમેરો કે પછી ખેતી માટેની જમીનનો બિનખેતી હેતુ માટે ઉપયોગ — એમ કલ્પી શકાય તેવી તમામ જાતની ગેરકાનૂની હરકતોને એ વટહુકમ મારફત ધોરણસરની ઠરાવી શકાશે. મનુષ્યના વસવાટ માટેનાં પ્રમાણપત્રા મેળવવા અયોગ્ય ઠરેલાં બધાં જ મકાનોને હવે કાયદેસર પ્રમાણિત કરવામાં આવશે. ‘જાહેર હિત’ નામના પોતાને ફાવતા આવતા શબ્દપ્રયોગનો સરકારે આશરો લીધો. “આટલાં બધાં મકાનોને તોડી પાડવાં તે વહીવટી દૃષ્ટિએ શક્ય નથી તેમ ઇચ્છનીય પણ નથી,” એવી દલીલ સરકારે કરી — તેને પરિણામે “ઘણા બધા લોકો હાડમારીમાં મુકાય, અથવા તો કાયદો ને વ્યવસ્થા જાળવવાનું પણ મુશ્કેલ બને.” વટહુકમ માટેનું વાતાવરણ જે રીતે જમાવવામાં આવ્યું, તે ‘બિલ્ડરો’નું સરકાર પર કેટલું બધું વર્ચસ્વ છે એ વિશે ઘણું ઘણું કહી જાય છે. ગેરકાયદે બાંધકામો સામે દાદ માગતી સંખ્યાબંધ અરજીઓની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી હતી ત્યારે, તત્કાલીન નિયમો અને કાયદાઓનો બરાબર અમલ કરવાની સૂચના અદાલતે અમદાવાદ મહાનગરપાલિકાને તથા નગરવિકાસ માટેની સત્તા ધરાવતી સંસ્થા ‘ઔડા’ને આપી હતી. એ બંનેએ તે આદેશને માન આપ્યું : અહીં એકાદ ભીંત તોડી પાડી, તહીં કોઈ ભોંયરામાંથી ગેરકાયદે દુકાનો હઠાવી, ફૂટપાથ પરથી ફેરિયાઓને હાંકી કાઢયા. પણ તોતિંગ બહુમાળી ઇમારતોને કશી હરકત આવી નહીં; તેમાં એક અપવાદ ગણો તો, ૧૦ માળી ‘સેંટર પોઇંટ’નો એક ગેરકાનૂની માળ દૂર કરવામાં આવ્યો — તે પણ હાઈકોર્ટનાં વારંવારનાં ફરમાનોને અંતે. ન્યાયમૂર્તિ પટેલ અને ન્યાયમૂર્તિ મજમુદારની બનેલી હાઈકોર્ટની બેન્ચે પોતાની ચીડ વ્યક્ત કરતાં એવું ઉચ્ચાર્યું કે, “મહાનગરપાલિકા કડક પગલાં કેમ નથી લેતી તે અંગેનાં કોઈ વાજબી કારણો અદાલત સમક્ષ મૂકવામાં આવ્યાં નથી. મહાનગરપાલિકાના કમિશનરને કાયદા મુજબ સત્તાઓ તથા જવાબદારીઓ સોંપવામાં આવેલી છે, અને એક નિષ્પક્ષ અધિકારી તરીકે તે વર્તે એવી અપેક્ષા રાખવામાં આવે છે.” અમદાવાદના તાલેવંત ચી. ગી. (સી. જી.) માર્ગ પર આવેલી ગેરકાયદે ઇમારતોને તે શા માટે તોડી પાડતી નથી, એવું કોર્ટે જ્યારે મહાનગરપાલિકાને સાફ સાફ પૂછ્યું, ત્યારે મહાનગરપાલિકા પાસે બહાનું તૈયાર જ હતું : એ ઇમારતોને લગતા મુકદ્દમાઓ હજી વિવિધ અદાલતો સમક્ષ પડેલા છે. એટલે હાઈકોર્ટે વધુ ઊંડી તપાસ કરી, તો જાણવા મળ્યું કે એવા કેટલાક ખટલાઓમાં બિલ્ડરો હારી ગયેલા જ હતા. એક બિલ્ડર તો પોતાની લડત છેક સર્વોચ્ચ અદાલત લગી લઈ ગયેલા અને ત્યાં એમની હાર થયેલી, અને છતાં મહાનગરપાલિકા એક તસુ પણ હલીચલી નહોતી. એટલે પછી હાઈકોર્ટે મહાનગરપાલિકાના ભૂતપૂર્વ વહીવટકર્તા પી. કે. ઘોષ સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહી આરંભી તેમ જ તેના હાલના કમિશનર કૈલાસનાથન અને ‘ઔડા’ના અધ્યક્ષ સુરેન્દ્ર પટેલ પર પસ્તાળ પાડી. વળી, આ બધી ગેરકાનૂની હરકતોમાં ફાળો આપનાર કર્મચારીઓ સામે પગલાં લેવાનો આદેશ પણ અદાલતે મહાનગરપાલિકાને આપ્યો. ત્યાર પછી રાજ્ય સરકારે પોતાની છટકબારીનું આયોજન કર્યું : આખા મામલામાં સંડોવાયેલા સહુ કોઈને બચાવી લેનારો વટહુકમ. રહેણાક માટેનાં મકાનોના ધંધાદારી હેતુઓ માટે થઈ રહેલા ઉપયોગ સામે ‘ગ્રાહક સુરક્ષા સમિતિ’ વતી હાઈકોર્ટમાં અરજી કરનાર એડવોકેટ મિહિર ઠાકોર કહે છે તેમ, “અદાલતે સરકારને કાયદાનો અમલ કરવાનું જણાવ્યું. તેને બદલે સરકારે તમામ ગેરકાયદે બાબતોને વટહુકમથી કાયદેસરની જ ઠરાવી નાખી.” મહાનગરપાલિકાના કમિશનરે કોર્ટમાં એવું સોગંદનામું રજૂ કર્યું કે અમદાવાદમાં ૯,૨૦૦ ગેરકાનૂની મકાનો અસ્તિત્વ ધરાવે છે. અને એટલાં બધાં મકાનો તોડી પાડવાં તે અશક્ય છે, એવું જણાવીને કમિશનર પાણીમાં બેસી ગયા. તે વખતે, ગેરકાનૂની મકાનોને કાયદેસર ઠરાવવા અંગેના નિયમો ઘડવા માટે સરકારે એક સમિતિની નિમણૂક કરી. વિખ્યાત સ્થપતિ બાલકૃષ્ણ દોશીને તેમાં જોડાવાનું કહેણ મોકલાયું, પણ તેમણે ના પાડી. સરકારને તો રઘવાટ વળગ્યો હતો, એટલે તેણે વટહુકમ ફટકારી જ દીધો. સરકાર એટલી હદ સુધી બેબાકળી બની ગઈ હતી કે બિલ્ડરોએ જ્યાં નિયમોની સદંતર અવહેલના કરેલી હતી ત્યાં પણ આંખ આડા કાન કરવાનું વચન તેણે આપી દીધું : કોઈ મકાનમાં આગ ઠારવાનો સરંજામ ન રાખેલો હોય તો સરકાર એની વ્યવસ્થા કરશે; વાહનો રાખવા માટે મુકરર જગામાં કોઈ બિલ્ડરે દુકાનો બાંધી હોય તો સરકાર પાઋકગની સગવડ પૂરી પાડશે. અંતે, ધરતીકંપ થયો ત્યારે, આ બધાંનો અંજામ આવ્યો ભંગાર અને મોતમાં.