સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધીરુભાઈ ઠાકર/ગુજરાતી વિશ્વકોશ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          માણસ વિચાર કરતો થયો ત્યારથી તેને પોતાના અસ્તિત્વ વિશે, આસપાસની સૃષ્ટિ વિશે અને તેના સર્જક વિશે કુતૂહલ થયું હશે. ધર્મ-તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનની શાખા-પ્રશાખાઓનું જ્ઞાન તેના ચિત્તમાં સંચિત થવા લાગ્યું હશે. લિપિની શોધ થઈ ત્યાં સુધી મનુષ્યસમાજે શ્રુતિ અને સ્મૃતિની સહાયથી પોતાનાં જ્ઞાન-અનુભવનો વારસો પેઢી-દર-પેઢી જાળવવાની વ્યવસ્થા કરેલી; એ રીતે ભારતમાં વેદ-વેદાંગ-ઉપનિષદનાં જ્ઞાનવચનો-સૂત્રો મુખપાઠરૂપે હજારો વર્ષ સુધી સચવાઈ રહ્યાં હતાં. પશ્ચિમમાં ઈ. પૂ. ચોથી સદીમાં ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલે પોતાના શિષ્યો માટે પોતાના જમાનાનાં જ્ઞાન અને ચિંતનનો સંચય કરી રાખેલો તે પ્રાચીન ગ્રીસનો પ્રથમ જ્ઞાનકોશ ગણાય છે. જ્ઞાનવિજ્ઞાનની વિવિધ શાખાઓની સંપત્તિ કોઈ એક જ સાધનમાં એકત્રિત સ્વરૂપે ઉપલભ્ય હોય તો તે વિશ્વકોશમાં છે. ‘વિશ્વકોશ’ શબ્દ અંગ્રેજી શબ્દ ‘encyclopaedia’નો ભારતીય પર્યાય છે. માણેકજી એદલજી વાછા અને અરદેશર ફરામજી સોલને આપેલ પહેલા ગુજરાતી જ્ઞાનકોશમાં તેમણે ‘એન્સાઇક્લોપીડિયા’ માટે ‘સર્વવિદ્યામાલા’ શબ્દ પ્રયોજ્યો છે (૧૮૯૧). પરંતુ ગુજરાતનો પ્રથમ સંપૂર્ણ જ્ઞાનકોશ આપનાર રતનજી ફરામજી શેઠનાએ પ્રયોજેલો પર્યાય ‘જ્ઞાનચક્ર’ મૂળ અંગ્રેજી શબ્દની વધુ નિકટ સમજાય છે. આમ છતાં ‘વિશ્વકોશ’ શબ્દ આધુનિક સમયમાં હિન્દી, મરાઠી, બંગાળી વગેરે ભારતીય ભાષાઓમાં સુપ્રચલિત થયો હોવાથી ‘એન્સાઇક્લોપીડિયા’ના ભારતીય પર્યાય તરીકે ‘વિશ્વકોશ’ શબ્દનો સ્વીકાર થયો છે. વિશ્વકોશ એટલે વિશ્વવિદ્યાનો કોશ. સચરાચર સૃષ્ટિની સર્વાંગીણ માહિતીનો ભંડાર. તેમાં જ્ઞાન-વિજ્ઞાનની વિવિધ શાખાઓને લગતા વિષયોની માહિતી સંક્ષેપમાં અધિકૃત સ્વરૂપમાં મુકાય છે. તેના લેખકનું લક્ષ્ય શાસ્ત્રપૂત માહિતીને શક્ય તેટલા સંક્ષિપ્ત અને સઘન સ્વરૂપમાં, તાર્કિક ક્રમે, તટસ્થપણે રજૂ કરવાનું હોય છે. વિષયના પ્રત્યેક પાસાનું સ્વચ્છ, સુદૃઢ અને યથાર્થ પ્રતિબિંબ પાડવા વિશ્વકોશનો અધિકરણલેખક મથે છે. જ્ઞાનકોશ તરીકે લોકોમાં પ્રચલિત બનનાર પ્રથમ ગ્રંથશ્રેણી તે પ્લીની ધી એલ્ડર (ઈ. ૨૩-૭૯)નો ‘હિસ્ટોરિયા નેચરલિસ’ છે, જેમાં સેંકડો લખાણોમાંથી હજારો હકીકતો અને દૃષ્ટાંતો એકત્રિત કરીને મૂકેલાં છે. આ ગ્રંથશ્રેણી ઘણી લોકપ્રિય નીવડી હતી. મધ્યયુગમાં તેની અનેક આવૃત્તિઓ થઈ હતી. ૧૫૦૦ વર્ષ સુધી આ કોશમાંથી પછીના કોશોને સામગ્રી મળ્યા કરી હતી. જૂના અંગ્રેજી જ્ઞાનકોશોમાં પ્રથમ ઉલ્લેખપાત્ર છે જોન હૅરિસનો ‘એન યુનિવર્સલ ઇંગ્લિશ ડિક્શનેરી ઓવ્ આર્ટ્સ એન્ડ સાયન્સીઝ’ (૧૭૦૪). તેમાં ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનું પ્રાધાન્ય હતું. ધમ્ર્ાવિદ્યા, કવિતા કે ચરિત્રને તેમાં સ્થાન નહોતું. ઇંગ્લૅન્ડમાં આ પ્રવૃત્તિના વિકાસનો સીમાસ્તંભ ગણાય તેવો કોશ તે ‘ચૅમ્બર્સ સાઇક્લોપીડિયા’ (૧૭૨૮) છે. અબ્રહામ રીસે સંપાદિત કરેલા આ કોશના નવીન સંસ્કરણની અનેક આવૃત્તિઓ થયેલી. ૧૮૨૦માં તેની ૪૫ ગ્રંથોની શ્રેણી પૂરી થઈ હતી. બ્રોકહાઉસનો જર્મન વિશ્વકોશ ‘કોન્વરસેશન્સ લેક્સિકોન’ (૧૭૯૬-૧૮૧૧) અહીં ખાસ ઉલ્લેખપાત્ર છે. તેના નમૂના પરથી યુરોપના બીજા દેશોના વિશ્વકોશો તૈયાર થયેલા. વિવિધ વિષયોની અદ્યતન અને અધિકૃત માહિતી પીરસતા, સંક્ષિપ્ત અને સુગ્રથિત લેખોને કારણે આ વિશ્વકોશની પ્રતિષ્ઠા બંધાઈ હતી. રાજકીય કારણસર બોસ્ટનમાં દેશવટો ભોગવતા ફ્રાન્સિસ લાઇબર નામના એક જર્મને ‘એન્સાઇક્લોપીડિયા અમેરિકાના’નું સર્વપ્રથમ પ્રકાશન કરેલું (૧૮૨૯). તેણે બ્રોકહાઉસના જર્મન કોશનું ભાષાંતર કર્યું હતું. ૧૮૩૩માં તેના ૧૩ ગ્રંથ પૂરા થયા હતા. પછીનાં પચીસ વર્ષોમાં તેની અનેક આવૃત્તિઓ થયેલી. પછી રિચાર્ડ એસ. પીલ નામના પ્રકાશકે ‘સાયન્ટિફિક અમેરિકન’ માસિકના સહયોગમાં ‘એન્સાઇક્લોપીડિયા અમેરિકાના’ પ્રગટ કરેલો. ૧૯૧૮-૨૦ દરમિયાન તેની નવી જ ૩૦ ગ્રંથોની શ્રેણી પ્રગટ થયેલી. આ કોશની વિશિષ્ટતા એ હતી કે દરેક સદીનો ઇતિહાસ તથા સાહિત્ય અને સંગીતની મહત્ત્વની રચનાઓનાં સાર ને વિવેચન તેમાં આપેલાં. સંપાદકો, સલાહકારો અને લેખકોના મોટા કાફલાની સહાયથી ‘એન્સાઇક્લોપીડિયા અમેરિકાના’ના નવનિર્માણનું કામ અદ્યાપિ પર્યંત ચાલુ છે. ‘ફ્રેન્ચ આન્સિક્લોપેદિ’એ ફ્રાન્સમાં નવા યુગનું પ્રવર્તન કર્યું હતું. જોન મિલ્સ અને ગોટફ્રીડ સેલીએ ‘ચૅમ્બર્સ સાઇક્લોપીડિયા’ને ફ્રેન્ચ ભાષામાં ઉતાર્યો હતો, તેને ૧૭૫૧-૧૭૯૧ દરમિયાન દેનિસ દિદેરો તથા ઝ્યાં દ આલ્બર્તે વિસ્તૃત બનાવ્યો. આપખુદ શાસન, સામન્તશાહી તંત્ર અને મધ્યયુગીન સમાજની રૂઢિપરસ્તીને ફ્રેન્ચ ક્રાન્તિએ મરણતોલ પ્રહાર કરીને એક નવા યુગનું મંડાણ કર્યું હતું. તેમાં ફ્રેન્ચ વિશ્વકોશે અગત્યનો ભાગ ભજવ્યો હતો. અગાઉના વિશ્વકોશો મુખ્યત્વે વ્યક્તિવિશેષના પ્રયત્નોનું પરિણામ હતા. ફ્રેન્ચ વિશ્વકોશમાં સૌપ્રથમ વિવિધ લેખકોનો પુરુષાર્થ સંઘબદ્ધ થઈને એકસૂત્રમાં પરોવાયો. અહીંથી વિશ્વકોશ એક વ્યક્તિનું સાહસ મટીને વિચારકો અને વાચસ્પતિઓનું સંયુક્ત સાહસ બની રહે છે. પરંતુ રાજકીય અને સામાજિક વિષયો પર આ કોશકારોનું ધ્યાન કેન્દ્રિત હોવાથી બીજા વિષયોની ઉપેક્ષા થવા પામી હતી એ તેની મોટી મર્યાદા હતી. વિશ્વકોશની વિભાવના મહોરીને પૂર્ણપણે મૂર્તરૂપ પામી ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’માં. અર્વાચીન યુગમાં જ્ઞાનકોશની એક અનિવાર્ય જ્ઞાનસાધન તરીકે પ્રતિષ્ઠા થઈ તે ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ના પ્રસારને પ્રતાપે. ૧૭૬૮માં તેની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ અને ૧૯૭૫માં પંદરમી પ્રકાશિત થઈ તે બસો વર્ષના ગાળામાં અદ્યતન વૈજ્ઞાનિક યુગની માગને પહોંચી વળે તેવું તેનું સઘન અને વ્યાપક સ્વરૂપ બંધાયું છે. દુનિયાભરમાંથી વિવિધ વિષયોના નિષ્ણાતોને તેમાં લખવાનું નિમંત્રણ મોકલાય છે. ચીન, જાપાન, સ્પેન, પોર્ટુગલ અને ઇટાલીએ ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ના સહકારથી પોતપોતાની ભાષામાં વિવિધ કદના વિશ્વકોશો વીસમી સદી દરમિયાન પ્રગટ કરેલા છે. અમેરિકાનો ‘રેન્ડમ હાઉસ એન્સાઇક્લોપીડિયા’ પણ અનેક ભાષાઓમાં ઊતર્યો છે. સ્વીડન, નોર્વે, ચેકોસ્લોવેકિયા, પોલૅન્ડ, ફિનલૅન્ડ, રૂમાનિયા, યુગોસ્લૅવિયા, બલ્ગેરિયા, લિથુઆનિયા વગેરે યુરોપીય દેશોમાં અદ્યતન માહિતી પીરસતા સુંદર જ્ઞાનકોશો તૈયાર કરાયેલા છે.

ભારતમાં શબ્દકોશની રચનાની પ્રવૃત્તિના જેટલી વિશ્વકોશની પ્રવૃત્તિ જૂની નથી. ઓગણીસમી સદીથી કેટલીક ભારતીય ભાષાઓમાં તે માટે છૂટાછવાયા અને અધૂરા પ્રયત્નો થવા લાગ્યા. નગેન્દ્રનાથ બસુનો બંગાળી વિશ્વકોશ ભારતીય વિશ્વકોશોમાં સીમાસ્તંભરૂપ છે. ૧૮૮૬માં પહેલા ખંડનું આયોજન રંગલાલ મુખોપાધ્યાય અને ત્રૈલોક્યનાથ મુખોપાધ્યાય નામના બે ભાઈઓએ કરેલું. પછી નગેન્દ્રનાથે અનેક વિદ્વાનોના સહકારથી તેના ૨૨ ખંડો સંપાદિત કર્યા હતા. તેનું પ્રકાશન ૧૯૧૧માં પૂરું થયું. બસુના ‘બાંગ્લા વિશ્વકોશે’ દેશના બૌદ્ધિકોનું ધ્યાન ખેંચ્યું. ગાંધીજીએ ‘યંગ ઇન્ડિયા’માં તેની પ્રશંસાત્મક નોંધ લીધી હતી. ૧૯૨૫થી ૧૯૩૨ની વચ્ચે બસુએ ‘હિન્દી વિશ્વકોશ’ના ૨૫ ભાગો તૈયાર કર્યા હતા. તેનો આધાર ‘બાંગ્લાકોશ’ હતો. તેમણે હિન્દી ભાષાના વિદ્વાનોનો પણ સહકાર લીધેલો. ૧૯૮૬માં આ ગ્રંથનું નવું સંસ્કરણ ૨૫ ખંડોમાં પ્રગટ કરવામાં આવેલું. તેમાં મૂળ સામગ્રીને અદ્યતન ઓપ આપીને નવી સામગ્રી ઉમેરેલી પણ ખરી. ૧૯૫૪માં નાગરી પ્રચારિણી સભાએ ૧,૦૦૦ પૃષ્ઠનો એક એવા વિશ્વકોશના ૩૦ ગ્રંથોનું આયોજન કરેલું. તેના ત્રણ ગ્રંથો ૧૯૭૦માં પ્રગટ થયેલા. તેની પણ સંશોધિત આવૃત્તિ પ્રગટ થયેલી છે. સુપ્રસિદ્ધ મહારાષ્ટ્રીય વિદ્વાન ડો. શ્રીધર વ્યંકટેશ કેતકરે ‘મહારાષ્ટ્રીય જ્ઞાનકોશ’ મરાઠી ભાષામાં ૨૩ ભાગમાં પ્રસિદ્ધ કર્યો હતો (૧૯૨૧-૧૯૨૯). તે તેમણે એકલે હાથે તૈયાર કરેલો હતો. તેમની ખ્વાએશ ભારતની બધી ભાષાઓમાં સમાન પરિભાષા ધરાવતા જ્ઞાનકોશ તૈયાર કરવા-કરાવવાની હતી. તે મુજબ ‘ગુજરાતી જ્ઞાનકોશ’નો પ્રથમ ભાગ ૧૯૨૯માં વિદ્યાબહેન નીલકંઠની પ્રસ્તાવના સહિત પ્રગટ કર્યો હતો. તેમાં વિવિધ વિષયોના ગુજરાતી નિષ્ણાતોનો સહકાર લીધો હતો. પણ કેતકરના અવસાનને કારણે એનું કામ બે ગ્રંથથી આગળ ચાલ્યું નહિ. વિવિધ વિષયોની માહિતીનો અકારાદિક્રમે ગોઠવાયેલાં શીર્ષકો ધરાવતો, પાશ્ચાત્ય વિભાવનાનો સર્વસંગ્રાહક વિશ્વકોશ હજુ મળવાનો બાકી હતો. બીજી અનેક બાબતોની માફક આ બાબતમાં પણ ગુજરાતમાં તેની પહેલ પારસીઓએ કરી હતી. વિશ્વકોશ રચવાનો પ્રથમ પ્રયત્ન વાછા અને સોલને ૧૮૯૧માં ‘સર્વવિદ્યામાલા’ શીર્ષકથી કરેલો. ચાર ભાગમાં કોશ રચવાનો તેમનો પ્રકલ્પ હતો, પણ એક ભાગથી આગળ તે વધી શક્યા નહોતા. ગુજરાતી ભાષામાં પ્રથમ સંપૂર્ણ વિશ્વકોશ આપનાર રતનજી ફરામજી શેઠના છે. તેમણે ૧૮૯૯થી ૧૯૧૦ દરમિયાન નવ ભાગમાં વિસ્તરેલું ‘જ્ઞાનચક્ર’ આપેલું છે. મુંબઈની જ્ઞાનપ્રસારક (ગનેઆન પરસારક) મંડળીના સેક્રેટરી પર અરદેશર સોરાબજી દસ્તૂર કામદીન નામના ગૃહસ્થે પત્ર લખીને અંગ્રેજી ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ને આધારે વર્ણાનુક્રમે શબ્દો ગોઠવીને મુખ્યત્વે ધર્મ, ઇતિહાસ તથા દેશી હુન્નરકળાના વિષયોનું અને પછી તે સિવાયના વિષયોનું પણ જ્ઞાન આપે તેવો ‘રેસાલો’ (હસ્તપ્રત) તૈયાર કરનારને રૂપિયા ચારસોનું ઇનામ આપવાની તત્પરતા દર્શાવી હતી. તેના જવાબમાં ચાર લખાણો આવેલાં. તે પૈકી રતનજી ફરામજી શેઠનાનો ‘રેસાલો’ પરીક્ષક સમિતિને શ્રેષ્ઠ લાગતાં તેને છાપવા માટે પસંદ કરવામાં આવ્યો. તેને પરિણામે ‘અ-આ’થી શરૂ થતાં અધિકરણો ધરાવતો પ્રથમ ગ્રંથ ૧૮૯૯માં પ્રગટ થયો. તે રીતે દર વર્ષે ૪૦૦ રૂપિયાના ઇનામની જાહેરાત કરીને રતનજી શેઠનાના ‘જ્ઞાનચક્ર’ના નવ ગ્રંથો ૧૯૧૦ સુધીમાં પ્રસિદ્ધ થયા. આમ, ‘જ્ઞાનચક્ર’ ગુજરાતી ભાષાનો પહેલો વ્યવસ્થિત જ્ઞાનકોશ છે. જ્ઞાન-વિજ્ઞાનની તમામ શાખાઓની અદ્યતન તેમજ આધારભૂત માહિતી તત્કાળ પીરસે તેવા સર્વસંગ્રાહક વિશ્વકોશની ઊણપ હજુ ગુજરાતમાં ઊભી હતી. સામાન્ય જનની જ્ઞાનભૂખ વધતી જતી હતી. અગાઉની કોઈ પણ પેઢીને હતી તેના કરતાં આજની પેઢીને તેની કદાચ વિશેષ જરૂર જણાતી હતી. આ પરિસ્થિતિમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ગુજરાતી ભાષામાં સર્વસંગ્રાહક વિશ્વકોશ તૈયાર કરવાનો સંકલ્પ કર્યો. મહારાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તે વખતે મુખ્ય પ્રધાન યશવંતરાય ચવ્હાણે ત્યાંની પ્રજાનાં સાહિત્ય-સંસ્કૃતિના વિકાસ માટે એક સ્વાયત્ત મંડળ સ્થાપ્યું હતું. મહારાષ્ટ્રનો ઇતિહાસ અને મરાઠી વિશ્વકોશ તૈયાર કરવાનું કામ તે મંડળને સોંપાયેલું. તદનુસાર વિદ્વાન તર્કતીર્થ લક્ષ્મણશાસ્ત્રી જોશીના મુખ્યસંપાદક પદે મરાઠી વિશ્વકોશ તૈયાર થઈ રહ્યો હતો. સરકારે તે માટે અધિકારી વિદ્વાનોની નિયુક્તિ ઉપરાંત વિશ્વકોશના મકાન અને અલાયદા મુદ્રણાલયની સગવડ કરી હતી. આજ (૨૦૦૬) સુધીમાં મરાઠી વિશ્વકોશના ૧૬ ખંડ પ્રસિદ્ધ થયા છે. મરાઠી વિશ્વકોશની પદ્ધતિનો અભ્યાસ કરીને અમે અમારી રીતે ગુજરાતી વિશ્વકોશ વીસ ભાગમાં તૈયાર કરવાની યોજના ઘડી કાઢી અને એ વખતને ધોરણે ૭૫ લાખ રૂપિયા અંદાજિત ખર્ચની વિગતો યુનિવર્સિટી દ્વારા સરકાર સમક્ષ મૂકી. સરકારે પ્રથમ ૫૦ લાખ રૂપિયા મંજૂર કર્યા. તે અંગેનો સરકારી ઠરાવ પણ યુનિવર્સિટીને મળી ગયો. પણ એ જ અરસામાં સરકાર બદલાઈ. બીજી સરકાર આવી. તેણે આગલી સરકારનો ઠરાવ રદ કરીને વિશ્વકોશની યોજના નામંજૂર કરી! યુનિવર્સિટીને વિશ્વકોશ વિભાગ બંધ કરવો પડ્યો.

૧૯૮૫ના ઓગસ્ટમાં મારે વીસનગર જવાનું થયું. ત્યાં મારા જૂના મિત્ર, સ્વાતંત્ર્યસેનાની અને ઉત્તર ગુજરાતના અગ્રણી કાર્યકર સાંકળચંદ પટેલને મળવાનું થયું. વાતમાંથી વાત નીકળતાં મેં તેમને વિશ્વકોશનું કામ કેવી રીતે બંધ પડ્યું તેની વાત કરી. સાંકળચંદભાઈ સાત ચોપડી ભણેલા. તેમને વિશ્વકોશ એટલે શું તેની ખબર નહોતી. મેં તેમને ટૂંકમાં સમજાવ્યું : “દુનિયાભરનું જ્ઞાન ગુજરાતી ભાષામાં ઉતારી આપે તે વિશ્વકોશ.” દરેક પ્રજાને માટે પોતાની ભાષામાં વિશ્વકોશ હોય તે જરૂરનું છે તે મેં તેમને સમજાવ્યું. આ જ્ઞાનસાધન લોકહિતાર્થે ઉપલબ્ધ કરવું જોઈએ તેની તેમને ખાતરી થતાં તેમણે મને આ કામ ઉપાડી લેવા સૂચવ્યું અને ખર્ચની જવાબદારી પોતે લીધી. ટ્રસ્ટ રચાયું. સાંકળચંદ પટેલે આરંભમાં એવી સંગીન આર્થિક મદદ કરી કે વિશ્વકોશનું કામ તરત વેગ પકડી શક્યું. સાધન કે સગવડના અભાવે એ કામ અટકે કે બગડે નહિ અને ગુણવત્તામાં ઊતરતું ન થવા પામે એ માટે તેઓ ચેતવે. એક પૈસો પણ ખોટું ખર્ચ ન થાય અને જરૂર પડે તો લાખો રૂપિયા ખર્ચાય, એ તેમની નીતિ હતી. ૧૯૮૬ના નવેંબરમાં તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે વિશ્વકોશનો ભૂમિકાખંડ તૈયાર થઈ રહ્યો હતો. સાંકળચંદભાઈએ તેર લાખ રૂપિયા જેટલી માતબર રકમ ત્યાં સુધીમાં આ સત્કાર્ય પાછળ ખર્ચી નાખી હતી. સાંકળચંદભાઈની પ્રથમ પુણ્યતિથિને દિવસે (૨૮ નવેમ્બર, ૧૯૮૭) વિશ્વકોશનો ભૂમિકાખંડ પ્રગટ થયો. વિશ્વકોશનો ત્રીજો ગ્રંથ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલને હસ્તે વિમોચન પામ્યો. ચીમનભાઈએ પ્રકાશનખર્ચના પચાસ ટકા જેટલી ગ્રાન્ટની મંજૂરી પર અવસાનને આગલે અઠવાડિયે જ સહી કરી. માર્ચ ૧૯૯૭ સુધીમાં આઠ ગ્રંથ પ્રગટ થયા. એ જ વર્ષમાં શ્રી શંકરસિંહ વાઘેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીપદે આવ્યા. નવમા ગ્રંથના વિમોચન પ્રસંગે તેમણે વિશ્વકોશના પ્રકાશન-ખર્ચના સોએ સો ટકા ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી. તેને પરિણામે ગ્રંથ ૯થી ૨૦ સુધીના પ્રકાશન અંગેની જવાબદારી ગુજરાત સરકારે નિભાવી છે. વિશ્વકોશની સતત ચાલતી રહેતી પ્રવૃત્તિને લક્ષમાં રાખીને ગુજરાત સરકારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને અમદાવાદમાં આશરે ૨૭૨૬ ચોમી. જમીન વિનામૂલ્યે આપી છે. તે જમીન ઉપર વર્તમાન તેમજ ભવિષ્યની નાની-મોટી પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ શકે તેવું વિશાળ વિશ્વકોશ ભવન તૈયાર થયું છે. ગુજરાતી વિશ્વકોશની પચીસ ગ્રંથોની શ્રેણી ૨૦૧૦ સુધીમાં સંપૂર્ણ થવાની ધારણા છે. ચાલુ ગ્રંથશ્રેણીની કામગીરીની સાથે પછી પ્રગટ થનાર ચરિત્રકોશ અને બાળવિશ્વકોશનું કામ ચાલે છે. ઉપરાંત વિવિધ વિદ્યાશાખાવાર અને વિષયવાર વિશ્વકોશ તૈયાર કરવાનું કામ ટ્રસ્ટના ભાવિ કાર્યક્રમમાં છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના આ વિદ્યાયજ્ઞમાં પચીસ જેટલા વિદ્વાનો કાર્યરત છે. એટલી જ સંખ્યામાં વહીવટી કાર્યકરો જોડાયેલા છે. વિશ્વકોશની સફળતાનો યશ તેેમને જાય છે. વિશ્વકોશના જેટલું જ આકર્ષણ તેની ઉપપેદાશરૂપે પ્રગટ થયેલાં વિવિધ વિષયોનાં લોકોપયોગી પુસ્તકોનું રહ્યું છે. તેમાં ‘કૅન્સર’ (ત્રણ આવૃત્તિઓ), ‘ગુજરાત’ (બે આવૃત્તિઓ), ‘ગાંધીચરિત’ (બે આવૃત્તિઓ), ‘મેઘાણીચરિત’ (બે આવૃત્તિઓ), ‘ભારત’, ‘ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિકો’નો સમાવેશ થાય છે. જ્ઞાન-વિજ્ઞાનના વિસ્ફોટના આ યુગમાં માહિતીમાં સતત ફેરફાર થતો રહે છે. અનેક નવી ઘટનાઓ તથા પરિબળોનો ઉમેરો કરવાની જરૂર પડે છે. આ પરિસ્થિતિમાં ગુજરાતી વિશ્વકોશની નવી આવૃત્તિ કેવળ પુનર્મુદ્રણ રહેવાને બદલે નવસંસ્કરણ પામીને પ્રગટ થાય છે. એ રીતે વિશ્વકોશ ગ્રંથ ૧, ૨, ૩ અને ૪નાં નવસંસ્કરણો ૨૦૦૧થી ૨૦૦૬ સુધીમાં પ્રગટ થયાં છે. દરેકમાં આને કારણે ૧૦૦થી ૧૫૦ જેટલાં પૃષ્ઠો ઉમેરાયાં છે. પછીના ગ્રંથો પણ અત્યારે ક્રમશ : નવસંસ્કરણની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. એટલે વિશ્વકોશની રચનાની પ્રવૃત્તિ સતત ચાલતો રહેલો જ્ઞાનયજ્ઞ છે.


[‘ગુજરાતી વિશ્વકોશ’ પુસ્તિકા : ૨૦૦૬]