સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નગીનદાસ પારેખ/આરાધ્યદેવ : જીવન
એક સ્વાધ્યાયપરાયણ, વિદ્યાર્થી-વત્સલ અને રાષ્ટ્રપ્રેમી શિક્ષક તથા ઓજસ્વી શૈલીના લેખક ગોવિંદરાવ પા. ભાગવતનો જન્મ મધ્ય ભારતમાંથી ગુજરાતમાં આવી વસેલા મહારાષ્ટ્રીય કુટુંબમાં થયો હતો. ગાંધીજીએ અસહકારની હાકલ કરતાં મૅટ્રિકમાંથી અભ્યાસ છોડીને એ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા હતા ને પછી ગામડાંમાં સ્વરાજના સૈનિક તરીકે કામ કરવા લાગી ગયા હતા. સુણાવમાં રાષ્ટ્રીય શાળા શરૂ થતાં પોતાના મોટા ભાઈ ગોપાળરાવ સાથે તેઓ એ શાળામાં પહોંચ્યા હતા. તેજસ્વી નક્ષત્રામાળા સમું એક વિરલ શિક્ષક-જૂથ એ શાળામાં એકઠું થયું હતું. રવિશંકર મહારાજ એના સ્થાપક હતા. એ શાળાએ આસપાસનાં ગામોમાં જે સંસ્કાર સીંચ્યા હતા, તેનો પ્રભાવ દાયકાઓ પછી પણ વર્તાતો રહ્યો. શિક્ષકનું કામ સ્વીકારતાં જ ગોવિંદરાવે પોતાનું ઘડતર શરૂ કર્યું. કવિ ‘કાન્ત’નો ‘શિક્ષણનો ઇતિહાસ’ એમનું ‘બાઇબલ’ બની ગયું. એમનો આરાધ્યદેવ જીવન હતું. ગમે તે વિષય શીખવતા હોય, વિદ્યાર્થીઓનું જીવનઘડતર કરવામાં તેનો કઈ રીતે ઉપયોગ કરવો એ જ તે વિચારતા હોય. પોતે જન્મે મહારાષ્ટ્રીય, પણ મરાઠી કરતાં ગુજરાતી ભાષા ઉપર તેમનું પ્રભુત્વ વધારે હતું. ૧૯૩૫માં ગાંધીજીને હાથે નડિયાદમાં વિઠ્ઠલ કન્યા વિદ્યાલયની સ્થાપના થઈ ત્યારે ગોવિંદરાવને ત્યાં બોલાવવામાં આવેલા. ૧૯૪૨ની લડતમાં વિદ્યાલય બંધ થયું ત્યારે એમણે કમલ પ્રકાશન મંદિર નામે પ્રકાશન સંસ્થા શરૂ કરી. એ વખતે પુસ્તકોના થેલા ઉપાડીને ઘેર ઘેર જઈ લોકોને સદ્વાચનનો શોખ લગાડવા એમણે કરેલા પ્રયત્નો સ્વરાજની લડતના પુરુષાર્થ કરતાં લગારે ઓછા નહોતા. [‘બુદ્ધિપ્રકાશ’ માસિક : ૧૯૭૩]