સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નગીનદાસ સંઘવી/ઇતિહાસની વિકૃતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          મહારાષ્ટ્રના વૈચારિક અને સાહિત્યજગતમાં અદકેરું સ્થાન ધરાવનાર દુર્ગાબાઈ ભાગવત પર જાનનું જોખમ ઊભું થયું છે તેમ સમજીને પોલીસ ખાતાએ તેમને ખાસ સંરક્ષણ આપવાનું ઠરાવ્યું છે. તેમનો દોષ એટલો જ છે કે દલિતોના પૂજનીય ડૉ. ભીમરાવ આંબેડકરે ભારતીય બંધારણમાં કશો મહત્ત્વનો ભાગ ભજવ્યો ન હોવાથી તેમને બંધારણના જનકની પદવી આપવી અયોગ્ય છે તેવો મત તેમણે દર્શાવ્યો છે. વારંવાર અસત્યનું ઉચ્ચારણ કરીને રાજકીય આગેવાનો અને દલિતોના ખેરખાંઓએ આ મતને સર્વમાન્ય હકીકત તરીકે એવો ઠસાવી દીધો છે કે ખુદ ડૉ. આંબેડકરનું પોતાનું કબૂલાતનામું પણ માનવાની કોઈ દરકાર રાખતું નથી. ૧૯૫૪માં તેમણે કરેલા નિવેદનને તમામ અખબારોએ બહોળી પ્રસિદ્ધિ આપી છે. “હું તો કેવળ લહિયો હતો અને નિર્ણયો અન્યત્રા લેવાયા છે” (આઈ વોઝ એ મિયર હેક રાઇટર, ડિસિશન્સ વેર ટેકન એલ્સવ્હેર), તેવું તેમણે જાતે જ કહ્યું છે. હકીકતોને તોડીમરોડીને, આસપાસના સંદર્ભને જાણ્યાસમજ્યા વગર ઇતિહાસની વિકૃત રજૂઆત, એ આપણા રાજકારણનો સામાન્ય શિરસ્તો છે. ઇતિહાસ આપણે ત્યાં અભ્યાસ કે સંશોધનનો વિષય મટીને એકબીજાને ભાંડવા ઉતારી પાડવાનું સાધન બની ગયો છે અને લોકોનાં અજ્ઞાન કે અર્ધજ્ઞાનનો જબરદસ્ત દુરુપયોગ થઈ રહ્યો છે. વાત કે વિગત થોડી જૂની થાય કે તરત જ તેના પર પડ ચડાવીને મનગમતો રંગ આપવામાં આવે છે. મહાત્મા ગાંધીને મુસ્લિમપરસ્ત ગણીને ગોળી મારનાર લોકો તેમના ચુસ્ત અને આજીવન અનુયાયી સરદાર પટેલને મુસ્લિમદ્વેષી તરીકે રજૂ કરવામાં આંચકો ખાતા નથી. સરદાર પટેલ ને જવાહરલાલ નેહરુ જેવા પ્રચંડ વ્યક્તિત્વ ધરાવનાર આગેવાનો વચ્ચેના મતભેદને જાણ્યાસમજ્યા વગર તેમને પરસ્પર શત્રુ ચીતરવાનો વિકૃત આનંદ પણ લોકો અનુભવે છે. જ્વલંત રાષ્ટ્રભક્તિ પણ દીર્ઘદૃષ્ટિનો અભાવ ધરાવનાર સુભાષ બોઝે તે વખતે જાપાન-જર્મની જેવા લોકશાહી-શત્રુઓનું પડખું સેવીને નિષ્ફળતા વહોરી લીધી. આ ખૂનખાર નાઝીવાદે ભારત પર ભરડો જમાવ્યો હોત તો શું થયું હોત તેનો ખ્યાલ આજે પણ કંપારી ઊપજાવે છે. પણ સુભાષ બોઝ આજે સર્વગુણસંપન્ન લેખાય છે. શીખ આતંકવાદી જેવું કશું હતું જ નહીં અને ઇન્દિરા ગાંધીએ ૧૯૮૪માં સુવર્ણમંદિર પર લશ્કરી હલ્લો કરીને શીખોને ત્રાસ આપ્યો, નિર્દોષ શીખો પોતાની ધર્મરક્ષા કાજે શહીદ થયા, તેવું નર્યું જૂઠાણું શીખ સમાજના આગેવાનો ઠોક્યે જાય છે અને આ લશ્કરી કારવાઈ માટે સરકારે માફી માગવી જોઈએ તેવું જોરશોરથી કહ્યા કરે છે. આતંકવાદનું ઉન્મૂલન કરવામાં પોલીસે વધારે પડતું બળ વાપર્યું અને આ હોળીમાં કેટલાક નિર્દોષ લોકોનો જાન ગયો તેવું કહેવાય છે. તેની તપાસ થવી જોઈએ અને ગુનેગારને સજા થવી જોઈએ; પણ કુલ મળીને સાત હજાર હિંદુઓ— શીખોનો ભોગ લેનાર આતંકવાદીઓ શહીદ હતા તેમ કહેવું, તે લોહીતરસ્યો વાઘ શાકાહારી છે તેમ કીધા બરાબર છે. સુવર્ણમંદિરમાં કિલ્લેબંધી થઈ, હથિયારો અને દારૂગોળાના ભંડાર ભરાયા, ભિંદરાવાલે જેવો ગુનેગાર અંદર ઘૂસીને આશરો પામ્યો અને લશ્કર પણ મહામુશ્કેલીએ અંદર પ્રવેશ કરી શક્યું. આ ધર્મસ્થાન નથી, પણ સમાંતર સરકારનો અડ્ડો છે. આવી કિલ્લેબંધી કાશી વિશ્વનાથના પૂજારીઓ કરે કે અજમેરની ખ્વાજા શરીફની દરગાહમાં થાય ત્યારે આ તમામ સ્થાનોને જડમૂળથી ઉદ્ધસ્ત કર્યા સિવાય દુનિયાની કોઈ સરકાર કેવી રીતે ચૂપ બેસી શકે? માફી તો શીખ ધર્મના આગેવાનોએ માગવાની છે કે સુવર્ણમંદિરની સાચવણ તેમણે કરી નહીં અને હજારો નિર્દોષ માણસોની કતલનું પાપ તેમણે પોતાને શિરે વહોરી લીધું. તાજેતરના ઘટનાક્રમની આ સૌથી મોટી વિકૃતિ છે, પણ હજારો લોકો તેમાં શ્રદ્ધા ધરાવે છે. સત્તા અને વિલાસ ગુમાવી બેઠેલાં થોડાં મુસલમાન-હિંદુ રજવાડાંએ ૧૮૫૭માં કરેલાં છમકલાંને આઝાદીની પહેલી લડત ગણાવનારા ‘ઇતિહાસકારો’નો આપણે ત્યાં તોટો નથી. ૧૮૫૭ના એક પણ આગેવાનને રાષ્ટ્ર કે આઝાદીનું ભાન નથી કે દરકાર નથી, દાદાભાઈ નવરોજી કે દયાનંદ સરસ્વતી જેવો એક પણ ત્યાગી સમજદાર માણસ તેમની સાથે ઊભો રહ્યો નથી, તેની કશી ખેવના રાખવામાં આવતી નથી. પણ આવા તો કેટલા દાખલા આપીએ? જેમ પાછળ જતાં જઈએ છીએ તેમ આવી વિકૃતિઓથી આપણા ઇતિહાસગ્રંથો ઊભરાય છે. શિવાજી તદ્દન સામાન્ય સરદાર અને તે જમાનાના અનેક સરદારો — રાજાઓના પ્રમાણમાં વધારે સમજદાર અને સદાચારી કહી શકાય; પણ તેમને રાષ્ટ્રપુરુષ કરીને વંદન કરવામાં આવે છે, એટલું જ નહીં, પણ સુરતમાં તેમણે બે વખત લૂંટ ચલાવી તે મોગલ બાદશાહને હથિયારનો પુરવઠો મળતો અટકાવવા માટે ચલાવેલી, એવી વાહિયાત વાતો પણ કરવામાં આવે છે. તે જમાનામાં બીજાં રાજ્યોમાં ધાડ પાડવી, લૂંટ ચલાવવી તે સર્વસામાન્ય શિરસ્તો હતો અને સુરત જેવા સમૃદ્ધ શહેરને લૂંટીને તિજોરી ભરવા સિવાય તેમાં બીજો કોઈ ઉદ્દેશ શોધવાની જરૂર નથી.