સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નર્મદાશંકર દવે (નર્મદ)/સ્વદેશાભિમાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          પોતાનાં છોકરાંનું, કુટુંબનું કલ્યાણ ઇચ્છવું ને કરવું એ જેમ ઘરડાં વડીલોને સ્વાભાવિક છે, તેમ અમારા દેશમાં રૂડું કરનાર બહુ હોજો, અમને સારો રાજા મળજો, અમારા દેશમાં ભણેલા ઘણા થજો, અમારા દેશમાં પુણ્યાત્મા અવતરજો વગેરે પોકારો દેશદેશના માણસોને સ્વાભાવિક છે. પણ જે પ્રમાણે કુટુંબ અને ન્યાતની વાતમાં એ અભિમાન જણાઈ પડે છે, તે રીતે દેશની બાબતમાં દેખાતું નથી; માણસના દિલમાં તો છે, પણ બહાર પડતું નથી. જારે સભામધ્યે ચાલતા પ્રકરણમાં કોઈની વિદ્યા, કોઈનું ઔદાર્ય, કોઈનું આચરણ, કોઈના પૈસા, કોઈનાં ભૂંડાં કર્મો આદિકનું વર્ણન થતું હોય તે વેળા, જે કુળના ને જે ન્યાતના પુરુષ વિષે બોલાયું હશે, તે કુળના અને તે ન્યાતના સભામાં બેઠેલા માણસોના દિલમાં ખુશીનો અથવા દિલગીરીનો જોસ્સો એકાએક પેદા થઈ આવે છે : હાશ! આપણામાં પણ મોટમોટા થઈ ગયા છે; ધન્ય છે તેઓને; અથવા હાય રે! આપણી ન્યાતનું નામ ફલાણાએ બોળ્યું જ જો, મુઓ એ; એમ અભિમાન અથવા ધિક્કાર થાય છે. હિંદુસ્તાન દેશમાં નાના પ્રકારના લોકો છે. જાતો ઘણી છે-ન્યાતો અગણિત છે-પોતપોતાની ન્યાત શ્રેષ્ઠ, એમ સર્વ ન્યાતના લોકો જાણે છે. જેમ માર ખાધાથી ચામડું બહેર મારી જાય, તેમ લોકો બહેર ખાઈ ગયેલા છે-અદેખાઈએ સજ્જડ મૂળ ઘાલ્યું છે-અને અદેખાઈથી કલહ, કંકાસ, નીચ-ઊંચ વગેરે કુસંપો થવા માંડ્યા છે. એકે એક કામ આરંભ્યું તો બીજો તોડી પાડે છે, એટલે શરૂ કરેલું પાર પડતું નથી. ચાનક રાખી સર્વ ન્યાતના ગૃહસ્થોએ પોતપોતાના કુળનું, ન્યાતનું તથા શહેરનું ભલું કરવું અને છેવટે દેશમાં તવંગરને સુખ-યશ મળે, ગરીબ સુખે રોટલો પેદા કરે, દેશમાં મોટમોટાં કારખાનાં નીકળે, પૈસેટકે દેશ તાજો થાય, ઊપજ ઘણી અને સુંદર થાય, એવી ઉત્તમ જણસો પરદેશમાં વેચાય; વિદ્યા, હુન્નરો બહોળા લોકોમાં ફેલાય : તેમ કરવા મંડી પડવું, એનું નામ દેશાભિમાન. દેશને પરદેશીઓના હુમલામાંથી સંરક્ષવાને રાજા અને લશ્કરી શૂરા માણસો રણસંગ્રામમાં પડે છે, તેઓ જ ખરા અને માત્ર દેશાભિમાની છે એમ ન સમજવું. રે! જે ગરીબ વિદ્વાન અરણ્યમધ્યે ઝૂંપડામાંના ખૂણામાં બેસી લોકોનું સારું થાય એવી વાતો અને તેનાં સાધનો ઝાડનાં પાંદડાં ઉપર લખી લોકોમાં આપી જાય છે, તે પણ ખરેખરો અને મોટો સ્વદેશાભિમાની છે એમ જાણો. અસલ વેળા દેશની સ્થિતિ કેવી હતી? લોકો સુખી હતા-ક્ષત્રી શૂરા હતા, બ્રાહ્મણો ધર્મોપદેશ અને ગ્રંથો કરતા, વૈશ્યો મોટા વ્યાપાર ચલાવતા, અને શૂદ્રો મન દઈ સેવા કરતા. તેઓ દેશાટન કરતા. નવા દેશની નવી વસ્તુઓ, નવો રિવાજ, વિલક્ષણ વિચારો લઈ આવી એઓથી સ્વદેશને શણગારતા. રાજા-રૈયત પરસ્પર એકબીજાનો ધર્મ જાણી વર્તતાં. લોકમાં સદાચાર હતા. છોકરાંઓની મા ભણેલી હતી. ન્યાતિપ્રતિબંધ થોડા હતા. એ સર્વ હમણાં ક્યાં બળી ગયું છે? રાજા મનુને હજુ સંભારો, મહાઋષિઓના ચિરંજીવ ગ્રંથોનાં અવલોકન કરો. રે! તમારો મોટો જ્યોતિષી ભાસ્કરાચાર્ય, હિંદુનું નામ રાખી આખી પૃથ્વીમાં દીવા જેવો પ્રકાશે છે. વેદાંતશાસ્ત્ર અને કર્મમાર્ગમાં વ્યાસ અને જૈમિનિ એઓએ ખૂબ બુદ્ધિ પહોંચાડી છે. પતંજલિ, કશ્યપ અને ન્યાયશાસ્ત્રીઓ, તેમ પાણિનિ વગેરે વૈયાકરણીઓએ ઘણા શ્રમ લઈ ગ્રંથો રચ્યા છે. વાલ્મીકિ અને વ્યાસનાં કરેલાં ‘રામાયણ’ અને ‘મહાભારત’ પશ્ચિમના લોકો આતુરતાથી ભણે છે. ઉજ્જૈન નગરીના વિક્રમ, ધારાનગરના ભોજ અને પ્રતિસ્થાનના શાલિવાહન એઓનાં પરદુઃખભંજન રાજ્યો કહેવાયાં. શંકર, વલ્લભ, ગૌતમ આદિ પુરુષો ધર્મબોધ કરવાની કીર્તિ મેળવી ગયા છે. રામ, અર્જુન, પરશુરામ, ચંદ્રગુપ્ત, પોરસ, પૃથ્વીરાજ અને શિવાજી વગેરે લડાઈમાં શૂરા કહેવડાવી ગયા છે. નાના ફડનવીસ, સીંધીઆ, હોલકર એઓએ રાજખટપટમાં હોશિયારી બતાવી છે. આ વિષય બંધ કરવાને મારું મન થતું નથી, પણ આટલી સૂચનાથી આપણી હમણાંની અવસ્થામાં કેટલી ન્યૂનતા છે, તે સ્હેજ માલૂમ પડશે. શૂરપણું તો બિલકુલ નથી. રાજાઓએ, ક્ષત્રિયનામ ધરાવી જનાનાના જ ખૂણાઓ ધરી અફીણ-કસુંબાના તોરમાં નામરદાઈ કરી એ શરમની વાત થઈ છે. અરે, ઓ ભાટ ચારણો! તમારી કળા ક્યાં ગુમાવી નાખી છે? નીતિમાન લોકોના પ્રતિનિધિ થઈ, રાજાઓને ચેતવો કે, રાજા! અમે તમારા નેકીદાર કહેવાયા ને તમારી નેકી તો કંઈ જ નથી, માટે બદી છોડી દો ને અમને તમારી નેકીને જ પોકારવા દો. કવિઓ અને કારભારીઓ! રાજાઓની સુસ્તી, તેઓની નામરદાઈ, તેઓની અવિદ્વત્તા એ ઉપર ફરદુસીની પેઠે નિંદાયુક્ત કવિતા રચો, જેથી તેઓ દુખાઈને ચાનક રાખી કુળનામ બોળ્યાં છે તેને તારી લાવે. ઓ રજપૂતો! તમને મુસલમાનોએ, તમને પિંઢારાઓએ, તમને દેશની ચાર સીમાઓ તરફથી બળવાન લોકોએ, હેરાન હેરાન કર્યા છે. ચોરી, છિનાળી, લબાડી, સોદાઈ વગેરે દુર્ગુણોએ તમારા દેશની હાલત બૂરી કરી નાખી છે. છોકરા અને છોકરીઓને નિશાળે મૂકી ભણાવો. તેઓને સદા જ્ઞાનનું જ ખાજું આપો. રસ્તા ચોખ્ખા કરાવો. વ્યસનોથી દૂર રહો. ખેડૂતો હાલ ઘણા અજ્ઞાન છે. તેઓએ વિદ્યા શીખી ભૂમિસંબંધી રસાયનશાસ્ત્ર જાણી ખેતીનાં કામમાં સુધારો કરવો જોઈએ. છાપયંત્ર ઠામઠામ દાખલ કરો. જોતા જાઓ, વિદ્યાનાં ફળો વિલાયતમાં કેવાં થાય છે! જ્યારે એકેક માણસ છાતી તોડી કામ કરી, આ સંસાર લડાઈનું ઠેકાણું છે, એમ સમજી દેશને સારુ પોતપોતાની ફરજો બજાવશે, ત્યારે જ દેશનો જયજયકાર થશે. નાખુશ છું કે જુવાન સમજેલા તેઓ પણ જાણી જોઈને ખાડામાં પડ્યા છે. ન્યાત જમાડી, વરા, ફુલેકાં, વરઘોડા, બડુવા, સાબેલા, સરકસ, નાચરંગમાં ફુલાઈ ફુલાઈ પૈસો ઉડાડી દો છો તે તમને ઘડપણે ઘણો સાલશે. એ નાણાંઓનું અર્ધ ધર્મશાળાઓ, મુસાફરીનાં મકાનો, તરસ્યાને માટે કૂવા વાવ તળાવ, થાક્યાને માટે ચોતરાઓ, એ સર્વ બાંધવામાં, આંધળા લૂલા વગેરે ગરીબ નિરાશ્રિતને ધર્મ કરવામાં તથા તેઓને કામે લગાડવામાં, બાળકોને સારુ મકતબો તથા લોકોને વાસ્તે કિતાબખાનાંઓ અને દવાખાનાંઓ વગેરે કારખાનાંઓ કાઢવામાં નાખ્યાં હોય, તો દેશમાં કેટલું પુણ્ય અને સુખ અને કેવી કીર્તિ સ્થિર રહે! કહ્યું છે : अस्थिरं जीवितं लोके अस्थिरे धनयौवने | अस्थिरा : पुत्रदाराश्च धर्मकीतिर्द्वयं स्थिरम् || પ્રાણી માત્રના જીવતરનો, પૈસાનો, જુવાનીનો, છોકરાંનો, બૈરીનો કોઈનો ભરોસો નથી; આજ છે ને કાલ નહીં. પણ ધર્મ અને કીર્તિ એ તો સ્થિર રહેવાનાં. માણસ મરી જાય છે, પણ તેનાં સુકૃત્યો વિસરાતાં નથી. વરા, ઘરબારી, ન્યાતો અને વરઘોડા તો જે દિવસે હોય, તે જ દિવસોમાં યાદ રહે છે. પણ દેશને અર્થે પરોપકારબુદ્ધિથી કરેલાં કામો નિરંતર અમર રહે છે. જમશેદજી જીજીભાઈને અગાઉ એની ન્યાતીના જ ઓળખતા ને હવે જગ ઓળખે છે. ઓ ભગવાન! આળસુ, અજ્ઞાન, દુરાચાર અને ફુવડાઈ દેશમાંથી ગયેલી કયે દિવસે દેખાડીશ? ગુજરાત અને એની પેલી બાજુ વર્તમાનપત્રો અને વિદ્યાજ્ઞાનપ્રસારકર્તા ગ્રંથો થોડા જ છે અને મંડળીઓમાં મળી ભાષણ વગેરેના વિચારો થોડા થાય છે. એ ઉપર સર્વે ધ્યાન પહોંચાડવું. શું સુરતનાં ‘દર્પણ’ અને ‘જ્ઞાનદીપિકા’ અને અમદાવાદનાં ‘વર્તમાન’ અને ‘બુદ્ધિપ્રકાશ’ આખા ગુજરાત અને કાઠિયાવાડને સુધારવાને બસ જાણો છો? ઘણાં જ થોડાં છે. માટે એ પુસ્તકોમાં વધારો કરવો. ધીમે ધીમે નઠારી ચાલ કાઢી નાખતા જાઓ ને તેને બદલે તમારાં વિદ્યા, જ્ઞાન, અનુભવ અને બુદ્ધિ જેની સૂચના કરે, તે તે વાતો દેશમાં ઊભી કરો. હિંમત! હિંમત! હિંમત ધરો! જેની પાસે સાધન ન હોય, તેને સઘળી વાતની વાર લાગે; પણ તમારી પાસે રસાળ જમીન છે, અમૂલ્ય ખાણો છે, જે જોઈએ તે તમારી પાસે જ છે. વિદ્યા અને શ્રમ એ પણ તમારા જ હાથમાં છે. ત્યારે કહો ભાઈ, હવે શા માટે ન મંડી પડીએ? દેખીતી આંખે, કુમળી ચામડીએ અને નાજુક દિલે, દુઃખના બળાપા કેમ સહન કરીએ? આવો, આપણે રણમાં શ્રમ અને બુદ્ધિની તલવાર ઉછાળીએ. હે પ્રભુ! અમે નાચાર થઈ ગયા છીએ તેની તરફ જો, સન્માર્ગે ચાલવાની બુદ્ધિ આપ, તારે વિશે અમારું ચિત્ત રહે એમ કર, ને હિંદુસ્તાન દેશમાં દશે દિશાએથી, હું મારા દેશને માટે જાન ખોઈશ, હું મારા સ્વદેશીનું સારું કરીશ એવાં રૂડાં અને શુભ વેણો નીકળે એવો સમય જલદીથી આપ.


[‘જૂનું નર્મગદ્ય’ પુસ્તક]