સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નવલરામ લ. પંડ્યા/ઓથારિયો હડકવા
(એક ચર્ચાપત્ર) શ્રી. ‘ગુજરાત શાળાપત્ર’ના અધિપતિ સાહેબ, આપણામાં હાલ જે નવો ભયંકર રોગ ચોતરફ ફાટી નીકળ્યો છે તે જોઈ સઘળે ત્રાહે ત્રાહે થઈ રહ્યો છે. એથી તે બાપડાં પોર્યાંઓની, તેનાં સગાંવહાલાંની, અને છેવટે બધા દેશની એવી ખરાબી થાય છે કે આ રોગનો ઇલાજ કોઈએ શોધી કાઢવો જોઈએ. એ કામ મહા વિકટ છે, અને તે વેળાએ દેશનું સમસ્ત વૈદ્યમંડળ ભેળું થઈ વિચાર કરે તોપણ તેનો પત્તો ન લાગે. પરંતુ પ્રયત્ન એ જ પુરુષનું કર્તવ્ય છે, તેથી મેં મારી અલ્પ જોગવાઈઓ પ્રમાણે એ રોગ સંબંધી જે કંઈ જૂજ તપાસો કરી છે તે નમ્રતાથી સર્વેની હજૂરમાં રજૂ કરું છું, કે વખતે કોઈ અપૂર્વ બુદ્ધિશાળીને આ મહાવ્યાધિના નિદાનાદિકનો ખરો માર્ગ સૂઝી આવે. ચિકિત્સા : જેમ શીળીનો ઉપદ્રવ બહુધા બાળકોને જ થાય છે તેમ આ રોગમાં કિશોરાવસ્થાવાળા જ સપડાઈ પડે છે. મૂછનો દોરો ફૂટવા માંડ્યો કે આ દુષ્ટ મરજની પૂરેપૂરી વકી રાખવી, અને જ્યાં સુધી તે બરાબર ભરચક ઊગી નથી, ત્યાં સુધી તે ચેપ લાગવાની દહેશત એક ક્ષણ પણ દૂર થતી નથી. એટલે, આ રોગથી સંભાળ રાખવાનો ખરેખરો વખત ૧૫થી ૨૫ની ઉંમર સુધીનો છે. વખતે એથી મોટાને અને એકાદ બે ડોસાને પણ આ રોગ ભયંકર રૂપમાં થયેલો સાંભળ્યો છે, તથાપિ તે માત્ર અપવાદ જ કહેવાય. કિશોરાવસ્થામાં તો શીળીની પેઠે એ રોગ હાલ સર્વને જ થતો માલૂમ પડે છે, અને તેથી જ લોકમાં આટલો બધો ગભરાટ ઊઠ્યો છે. આ રોગનું પૂર્વરૂપ બહુ જ ભૂલથાપ ખવડાવનારું છે. પ્રથમ તો બુદ્ધિ ને શરીરમાં ઘણી જ ચંચળતા દેખાય છે. કિંચિત્ જ્વર નાડીમાં તથા માથા પર રહે છે, તે કોઈના લહ્યામાં આવતો નથી. અંત :કરણમાં કોહવાણ શરૂ થાય છે, તે તો કોઈના દીઠામાં શી રીતે આવે? તેથી તેનાં માબાપ તથા મહેતાજી તો છોકરો ખૂબ ખીલવા લાગ્યો છે એમ સમજી રાજી રાજી થતાં હોય છે. તે વેળા જ આ ભૂંડો રોગ તેના શરીરમાં ઘર ઘાલે છે. થોડા વખતમાં તે બાળકનો સ્વભાવ ખાટો ને તીખો થવા લાગે છે. બોલવું બહુ કમ થઈ જાય છે, અથવા બોલે છે તો તે મહા ધૂંધવાતું ને તિરસ્કારભર્યું. હજી પણ એના વાલીઓ ચેતી ઠાવકા ઉપાયો કામે લગાડતા નથી, તો પછી આ રોગ પોતાનું ભયંકર રૂપ એકાએક પ્રકટ કરે છે. એકાએક દરદીની આંખો જતી રહે છે, અથવા યથાર્થતાથી બોલીએ તો એને એક એવો વિલક્ષણ નેત્રવિકાર થાય છે કે સૂક્ષ્મદર્શક ને દૂરબીનના વિરુદ્ધ ગુણો જ એની આંખમાં આવીને વસે છે. હવે એ પોતાનાં માબાપ, ગુરુ વગેરે પ્રાણી માત્રને માખી જેવડાં જ, અને પોતાને હાથી કરતાં પણ મોટો દેખે છે. હવેથી એ મદોન્મત્ત હાથીના જેવો જ જગતમાં નિરંકુશ ફરે છે, અને પ્રાચીન કાળના સર્વમાન્ય અદ્ભુત પ્રચંડાંગી પુરુષોનાં નામ સાંભળી ચિડાઈ ઊઠે છે કે ‘છિટ! એ અલ્પ જંતુઓની મારી આગળ વાત ન કરો!’ કેટલાક ધારે છે કે આ નેત્રવિકાર નથી, પણ ભેજાનો વરમ છે. એમ પણ હોય. એના આ સમેના બખાળા બેશક ગાંડા કરતાં પણ વધારે છે. પણ આ તો હજી એ રોગની પાશેરામાં પહેલી પૂણી છે. હજી તો આ રોગને બહુ તો સનેપાત જ કહી શકાય, પણ થોડા વખતમાં તે હડકવાનું ત્રાસદાયક રૂપ ધારણ કરે છે. હવે એ દરદીનું ડાચું ફાટેલું જ રહે છે, અને તેમાંથી ઝેરી મહા ગંધાતી લાળ નિરંતર વહ્યા કરે છે. એની વાણી એવી બદલાઈ જાય છે કે તેનું બોલ્યું માણસમાં તો કોઈ પણ સમજતું જ નથી. પણ હડકવા સાથે ઘણામાં ઘણું મળતાપણું તો આ વાતમાં છે. જે કૂતરાને હડકવા હાલ્યો હોય છે તે જેમ પાણીનું પ્યાલું જોતાં મહા આક્રંદે ચડે છે, તેમ આ અભાગિયાની નજરે શાહીનો ખડિયો પડતાં જ એનો જીવ ભેઉથલ થઈ જાય છે. જેમ હડકાયેલું કૂતરું પાણીના શોષથી વ્યાકુળ ચોતરફ દોડ્યા જ કરે છે, પણ તેને ગળે એક પણ ટીપું ઊતરી શકતું નથી, અને તેથી તે છેક બાવરું, ગાભરું, ને ગાંડું બની જાય છે, તેમ જ આ બાપડા દરદીની અવસ્થા છે. આઠે પહોર જાગતાં ને ઊંઘતાં એના મનમાં નિરંતર એમ જ થયા કરે છે કે હું કંઈ લખું, હું કંઈ લખું, અને લખવા જાય છે ત્યારે એક પણ અક્ષર લખી શકાતો નથી. આ સમે એનો જે પરિતાપ, એના જે પછાડા, ને એની જે વેદના તે તમે જોઈ હોય તો નિશ્ચય એમ જ કહો કે એ કરતાં હડકાયેલા કૂતરાની અવસ્થા સો દરજ્જે સારી છે. ખડિયો દીઠો કે તેને એ ધાઈને બાઝે છે, અને પાસે કલમ તો મળે નહિ એટલે તેમાં દશે આંગળાં બોળી લખવાનું કરે છે. પણ જેના જીવનું જ ઠેકાણું નથી, તેના હાથપગ તે ધાર્યું શી રીતે કરી શકે? કાગળ ક્યાંના ક્યાં રહી જાય છે, અને તે પોતાના શરીર ઉપર જ લીટા પાડવા મંડે છે. કંઈક ભાન આવે છે ત્યારે ચિડાઈને શાહીનો શીશો જ કાગળ ઉપર છૂટો ફેંકે છે, અને પછી પાછો જે શાહીનાં ખાબડાં ભરાય છે તેમાં હાથ બોળી પરવશપણે આડાઅવળા જેમ આવે તેમ પોતાના મોં ઉપર જ ફેરવવા મંડી જાય છે. આ સમે એ ભાઈનું સ્વરૂપ આફ્રિકાના ઉરાંગઉટાંગથી પણ વધારે વિચિત્ર દેખાય છે, પરંતુ એને મન તો એ કોટિકંદર્પતુલ્ય છે. સારું છે કે હજી લોકોના જોવામાં એની ચેષ્ટાઓ નથી; નહિ તો એને બેશક ગાંડાની ઇસ્પિતાલમાં તેઓ પુરાવ્યા વિના રહે નહિ. હજી તો ફક્ત બિચારાં ઘરનાં કોઈક દેખે છે ને દાઝે છે. તે બાપડાં તો જ્યારથી એણે અધવચ નિશાળ છોડી દીધી, કોઈનું કહ્યું માન્યું નહિ, અને ધંધારોજગારની વાત એ કાને ધરતો નથી એવું જાણ્યું, ત્યારથી જ ગંભીર હૈયાશોકમાં પડ્યાં છે. એની તરફના લાભની આશા તો તેમણે સઘળી જ છોડી દીધી છે, પણ એનું આગળ શું થશે એ ચિંતામાં ને ચિંતામાં તેઓ રાતદહાડો બળીને ખાખ થઈ જાય છે. પણ તેમની ક્યાં જરાયે દાઝ છે આ મદે ચડેલા હૃદયમૃત મૂર્ખાને? એનો આત્મા તો અહંપદમાં તલ્લીન થઈ ગયો છે. માબાપ કરોડોબંધ નિસાસા મૂકે છે, અને બાયડી પાછલી રાતનો દરરોજ એના નામનો છેડો વાળે છે, તે વેળા એ ભાઈ પોતાની લહેરમાં કેવો આનંદે છે તે હવે આપણે જોઈએ. પણ અધિપતિસાહેબ, આપ એક ચર્ચાપત્રને આપો તે કરતાં તો વધારે જગા રોકાઈ ગઈ, અને કહેવાનું તો હજી પાર વિનાનું છે. કરવું શું? એ જ કે મારે મારી કલમ અટકાવવી, નહિ તો રખેને તમે એમ ધારો કે મને પણ આ ઓથારિયો રોગ જ થયો હશે. મને એ રોગ થયો તો નથી, પણ દહાડાની ચાલે કદાપિ થયો જ હોય એમ સાબિત થાય તોપણ તેમાં કંઈ અજબ થવા જેવું નથી, કેમકે હાલ આસપાસની તમામ હવામાં અણુએ અણુમાં એ ચેપ પ્રસરી રહ્યો છે. એની અસર આટલી તો મને પણ જણાય છે કે કેમે કરી આ કલમ મારા આંગળામાંથી હાલ છૂટતી જ નથી, માટે મને બેચાર બોલ તો વધુ લખવા દો. આ રોગનું નામ ઓથારિયો હડકવા કેમ પડ્યું તે તો તમારે આ અંકમાં જણાવવું જ જોઈએ. ઠીક, ત્યારે સાંભળો. આ રોગની આખર અવસ્થામાં દર્દી ‘હું ઓથાર’ ‘હું ઓથાર’ એમ બરાડતો ગામમાં ફરે છે, તે ઉપરથી જ આ નામ નીકળ્યું છે એમાં જરાયે સંદેહ નથી. એમ બોલે છે એનો અર્થ શો એ તકરારની વાત છે. અમારા ગામમાં એકસો ને એક વરસની એક ડોશી છે તે તો કહે છે કે એને જે ઓથારે ચાંપ્યો છે તે જ આમ બોલે છે. આ વાત અંગ્રેજી ભણેલા હસી કાઢે છે. તેઓનું કહેવું એમ છે કે અંગ્રેજીમાં ‘ઓથાર’ શબ્દનો અર્થ ગ્રંથકર્તા થાય છે, અને ‘હું ઓથાર’ ‘હું ઓથાર’ એમ જે બરાડા પાડે છે તેની મતલબ તો એ છે કે હું મોટો ગ્રંથકર્તા થઈ ગયો. અંગ્રેજીમાં એમ અર્થ થતો હશે તેની હું ના કહી શકતો નથી, પણ આ છોકરા તેમ સમજીને બોલતા હોય એ તો મને જરા પણ સંભવિત લાગતું નથી, કારણ કે એમાંના ઘણા તો બાપજનમમાં અંગ્રેજીનો એકે અક્ષર ભણ્યા નથી એ હું ખાતરીથી જાણું છું. સાધારણ લોકો તો, ‘હું ઓથાર’, ‘હું ઓથાર’, એવા તેમના બોલ સાંભળી એટલું જ કહે છે કે ‘હા બાપુ, ખરું કહો છો. તમારા જેવા બીજા ‘ઓથાર’ જગતમાં શોધ્યા ક્યાં જડવાના હતા?’ આ જવાબ બેશક મશ્કરીનો છે, પણ પંચ ત્યાં પરમેશ્વર એ ન્યાયે મને તો એ જ કારણ ખરું ભાસે છે. ગાંડાઈની પરિસીમા એ જ કે ગાંડાઈનું અભિમાન કરી ફુલાવું. એ વાત ખરી છે કે ગાંડાને પણ ગાંડો કહેતાં મહા દુઃખ લાગે છે, પણ આ રોગનું એ જ વિશેષ છે, અને તે માટે જ આ ઓથારિયો હડકવા સઘળી ગાંડાઈમાં પરમ ગાંડાઈ ગણાય છે. બસ! લો, આ કલમ ફેંકી દીધી! મરજી હશે તો બાકીનું હવે પછી, ને નહિ તો રામ રામ. લિ. વૈદ્ય નિર્દર્ભકર આનંદધરના યથાયોગ વાંચવા.
[‘નવલગ્રંથાવલિ’ પુસ્તક]