સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નવલરામ લ. પંડ્યા/જનસમૂહની આરસી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          આખો જનસમૂહ, જ્ઞાન, વિચાર, તથા મનોવૃત્તિમાં કેવો છે તેની ખરેખરી આરસી તો નાટકશાળા જ છે. કેમ કે ત્યાં તો વાંચનાર ને ન વાંચનાર આખું આલમ વખતોવખત આવી જાય છે, અને તેથી તે બધાને ગમતાં, સમજાતાં અને સરસ લાગતાં નાટકો જ ત્યાં ભજવવામાં આવે છે. માટે જે દેશનાં નાટકો સુઘડ, સુરસ, સૂક્ષ્મ વિચારથી ભરેલાં, તે દેશના લોક પણ સુઘડ, સુરસ, સૂક્ષ્મ વિચાર કરવાની સ્થિતિએ પહોંચેલા છે એમ જે માનવામાં આવે છે તે સામાન્યપણે વાજબી જ છે. એ જ કારણથી નાટકશાળા સર્વોત્તમ શિક્ષાગુરુ ગણાય છે. પાઠશાળા કે પુસ્તકશાળાથી પણ તેની સત્તાને પહોંચી શકાતું નથી. લોકનાં જ્ઞાન, નીતિ ને વિચાર ઉપર નાટકશાળા દ્વારા જેટલી અસર કરી શકાય છે તેટલી કોઈ પણ બીજે રસ્તે કરવી એ અશક્ય છે. નાટકશાળા તો જનસમૂહની વચ્ચે જ સાદ કરતી ઊભી રહે છે, અને તેનો મનોહર સાદ સાંભળી લોકો દોડ્યા આવે છે. આખા દેશની મનોવૃત્તિને નાટકશાળા જે માર્ગે વાળવા ચાહે, તે માર્ગે વાળી શકે. નાટકશાળાનો બોધ સારો કે નઠારો માણસના મનમાં ચોંટી બેસે છે તેવો તેને કોઈનો પણ બેસતો નથી. અલબત્ત, એ નાટકો તેવી રીતે ઉસ્તાદોના હાથથી લખાયેલાં જોઈએ જ. કહેવાની મતલબ એ છે કે દેશમાં સુબોધ કે કુબોધ ફેલાવવાનું નાટકશાળા જેવું એકે સાધન નથી. દેશને સુરસિક, શૂરવીર કે ફૂવડ ને બાયલો કરવો, એ નાટકશાળાના બોધની ઉપર જ બહુધા આધાર રાખે છે. નાટકશાળા એ સુધારા કે કુધારાનું એક જબરદસ્ત હથિયાર છે, અને વિચારવંત સુધારકો તેને પોતાના પક્ષમાં લેવા કદી ચૂકતા નથી. નાટક લખનારે બોધ કરવા ઉપર લક્ષ રાખવું જોઈએ, એમ અમે કહેતા નથી. સુબોધ એ સારા નાટકનું સ્વાભાવિક ફળ છે, પણ તેનો ઉદ્દેશ નથી. શુદ્ધ ને ઊંચા રસમાં સ્વાભાવિકપણે જ સારો બોધ સમાયેલો છે, પણ તે બોધનરૂપે નથી તે માટે જ તે વધારે અસર કરે છે. હાલ નઠારાં નાટકો થાય છે તેનો દોષ તો અમે નાટકટોળીઓ કરતાં નઠારા લોકમતને જ આપીએ છીએ. સભ્ય ગૃહસ્થો કંટાળીને કે ગમે તે કારણથી તેને પૂરું ઉત્તેજન આપતા નથી, અને તેથી તેનો મોટો આધાર નીચવર્ગના લોકોને જ રાજી કરવા ઉપર રહેલો છે. જો એ નાદાન શ્રોતાઓ વિદૂષકનું મૂર્ખાઈ કે બેહયાઈભર્યું બટકબોલું સાંભળીને જ રાજી થઈ તાબોટા પાડતા દેખાય, તો સ્વાભાવિક જ છે કે નાટકમંડળીઓ એવું બટકબોલું જ આખા નાટકમાં આણવાના. જો જોનારાને દાદરા, ઠુમરી કે ખ્યાલ ટપ્પા કે ગઝલ રેખ્તા પર વિશેષ ભાવ હોય છે, તો નાટકમાંના રાજા ને બુઢ્ઢા પંડિતો પણ ઠોળિયા બની ભરસભામાં કાને હાથ દઈ રાગોટા જ કાઢવા મંડી જાય છે. જો એવા લોકને બીભત્સ વાતના ઇશારા ગમે છે, તો સભ્ય નાટકમંડળી પણ તજવીજે તજવીજે તેમ જ કરવા દોરાવાની, ને દોરાય છે જ. આવી હાલ આપણી નાટકશાળાઓની સ્થિતિ છે, અને તેને સુધારવાનો ખરો ઉપાય એ જ છે કે તેનું વિવેચન, નિરંતર વિવેચન, ખરા રસજ્ઞ પુરુષોની તરફથી થવું જોઈએ. નાટકનો શોખ એકવાર લોકમાં ઉત્પન્ન થયો છે તે જતો રહેવાનો નથી, અને નાટકટોળીઓ ગમે તેવી છે પણ તે દિન પર દિન વધતી જ જવાની એ નિશ્ચય કરીને જાણવું; માટે એને સુધારવી, સુમાર્ગે વાળવી, અને લોકની આંખ આગળ શુદ્ધ ને ઊંચા રસનાં નાટકો મૂકવાં કે સ્વાભાવિક રીતે જ તેઓ તેને પસંદ કરશે, અને હાલના કચરા કે ટાયલાંને ધિક્કારતાં શીખશે. બાળકના હાથમાંથી જોખમકારી રમકડું લઈ લેવું હોય, તો તેનો સર્વોત્તમ ઉપાય એ જ છે કે બીજું રમકડું નિર્દોષ પણ તેથીયે રઢિયાળું તેની આગળ ધરવું. અર્થાત્ નઠારાં નાટકને કાઢવાનો ઉપાય એ જ છે, કે સારાં નાટકને ઓળખી તેને ઉત્તેજન આપવું, અને તેના જે દોષ હોય તે વિવેકથી બતાવવા.


[‘નવલગ્રંથાવલિ’ પુસ્તક ]