સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાથાલાલ દવે/ધરતીના સાદ
Jump to navigation
Jump to search
એવા આવે છે ધરતીના સાદ રે…હાલો ભેરુ! ગામડે.
ભીની માટીની ગંધ આવે યાદ રે…હાલો ભેરુ! ગામડે.
બોલાવે આજ એનાં ખુલ્લાં આકાશ,
મીઠા પરોઢના અલબેલા ઉજાસ.
ઘેરાં ઘમ્મર વલોણાંના નાદ રે…હાલો ભેરુ! ગામડે.
ચારીશું ગાવલડી ડુંગરના ઢાળે,
બાંધીશું હીંચકો વડલાની ડાળે.
મોર ગહેકે જ્યાં સરોવરની પાળે…હાલો ભેરુ! ગામડે.
ગાઓ રે બંધવા! ગામડાંનાં ગીત,
યાદ કરો ભોળુડાં માનવીની પ્રીત.
જાણે જિંદગીનાં મીઠાં નવનીત રે…હાલો ભેરુ! ગામડે.
ખૂંદવાને સીમ, ભાઈ! ખેડવાને ખેતરો,
ભારતના ભાવિનાં કરવાં વાવેતરો,
હે જી કરવા માભોમને આબાદ રે…હાલો ભેરુ! ગામડે.