સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાનાભાઈ ભટ્ટ/અભણોના વેદના લહિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          વ્યાસ ભગવાન એક વાર બદરિકાશ્રમમાં બેઠા હતા. ત્યાં નારદમુનિ આવી ચડયા. ત્યારે નારદે વ્યાસને પૂછ્યું, “ભગવાન, તમે પરમતત્ત્વનું ઊંડું ચિંતન કર્યું છે, છતાં તમારા મુખ પર આવો ખેદ કેમ?” વ્યાસ બોલ્યા, “ભક્તરાજ નારદ, તમારી વાત સાચી છે. મેં ‘વેદ’ના વિભાગ કર્યા અને ‘વેદાંતસૂત્રો’ની રચના કરી; છતાં કોણ જાણે કેમ મારા ચિત્તમાં હું પ્રસન્નતા અનુભવતો નથી. તમે યોગી છો, તો મારા ખેદનું કારણ મને સમજાવો તો તમારો મોટો ઉપકાર થશે.” આવાં વચન સાંભળીને નારદ ઘડીભર શાંત રહ્યા અને પછી ઊંડા વિચારમાંથી જાગીને બોલતા હોય એમ બોલ્યા, “વ્યાસજી, મને તમારા ખેદનું કારણ સમજાય છે. તમે ‘વેદ’ રચ્યા એ વાત સાચી; પણ તમારા ‘વેદ’ અને ‘વેદાંત’ એ તો વિદ્વાન બ્રાહ્મણો સમજી શકે એવાં ગણાય. પરંતુ આવા વિદ્વાન બ્રાહ્મણોની સંખ્યા કેટલી? આવા ગણ્યાગાંઠયા પંડિતોને બાદ કરીએ તો ‘વેદ-વેદાંત’ના અધિકારી પણ ન ગણાય એવા લાખો શૂદ્રો, સ્ત્રીઓ, અભણ, અનાર્ય એ બધાં લોકોને તો તમારા જ્ઞાનનો લાભ જ નથી મળ્યો. ભગવાન તો વિદ્વાનનો પણ છે અને અભણનો પણ છે, બ્રાહ્મણનો છે અને શૂદ્રોનો પણ છે, પુરુષોનો છે અને સ્ત્રીઓનો પણ છે — અને તેમાં પણ જે અભણ છે, દલિત છે, ગરીબ છે, તેનો તે વધારે છે. માટે આવાં લાખો અભણ સ્ત્રી-પુરુષો સમજે એવી રીતે તમે તમારું શાસ્ત્રા લખો, તો તમે વિરાટ ભગવાનની સેવા કરી ગણાશે. અને ત્યારે તમારો ખેદ આપોઆપ દૂર થશે.” વ્યાસ બોલ્યા, “નારદજી, વિચાર કરતાં મને પણ તમારી વાત યથાર્થ લાગે છે.” આ પ્રમાણે વાત ચાલતી હતી ત્યાં તો વ્યાસ ભગવાનના મનમાં ‘મહાભારત’ની વાતો કેમ જાણે આકાર લેવા માંડી અને તેમની આર્ષવાણી ફૂટું ફૂટું થવા લાગી. એટલે વ્યાસે નારદને જણાવ્યું, “ભક્તરાજ, તમે કહો છો તેવો અભણ લોકોનો ‘વેદ’ મારે લખવો હોય તો તેના માટે એવો હોશિયાર લખનારો જોઈએ. ભગવાનની કૃપાથી મને બધું સ્ફુરશે, પણ એ લખવા માટે તમે મને કોઈ યોગ્ય લખનારો આપો.” વ્યાસનાં વચન સાંભળીને નારદ સીધા ગણપતિ પાસે ગયા અને વિરાટ ભગવાનની સેવાના આ કામમાં વ્યાસના લખનાર થવા માટે ગણપતિને વાત કરી. પણ ગણપતિ તો મોટા દેવ! ગણપતિ જેવા દેવ વ્યાસ જેવા ઋષિના લખનારા થાય? પણ નારદજી તો ભારે કુશળ. તેમણે નમ્રતાથી કહ્યું, “હે ગણેશ, વ્યાસને અભણ લોકોનો ‘વેદ’ રચવાની પરમાત્માની પ્રેરણા થઈ હોય એમ લાગે છે. એમની પ્રતિભાનો ધોધ ફૂટું ફૂટું થઈ રહ્યો છે. આવે વખતે આ ધોધનો ઝીલનારો કોઈ ન મળે તો પરમાત્માની કૃપા ને વ્યાસની પ્રેરણા એળે જાય. વ્યાસના આ ધોધને ઝીલનારો તમારા વિના બીજો કોઈ દેખાતો નથી. માટે સમાજના કલ્યાણ ખાતર તમે આ લખવાનું કામ સ્વીકારો.” ગણેશ ઘડીભર વિચારમાં પડી ગયા અને પછી બોલ્યા, “ભલે, હું વ્યાસની કૃતિનો લેખક થાઉં; પણ મારી એક શરત વ્યાસ સ્વીકારે. વ્યાસનો કવિતાપ્રવાહ ખરેખર ધોધ જ હોય તો મારે લખતાં લખતાં કદી અટકવું પડે નહીં એમ વ્યાસ લખાવે. જો લખતાં લખતાં મારે બેસી રહેવું પડે, તો હું લખવાનું કામ છોડી દઉં.” નારદે બદરિકાશ્રમમાં આવીને બધી વાત વ્યાસને કહી, એટલે વ્યાસ પણ ઘડીક તો વિચારમાં પડી ગયા, પણ પછી બોલી ઊઠ્યા, “નારદજી, ભલે, ગણપતિને લખતાં લખતાં વચ્ચે અટકવું ન પડે એવી રીતે હું લખાવીશ. પણ ગણેશ ભગવાનને કહેશો કે એમણે પણ કોઈ શ્લોક સમજ્યા વિના લખાણ આગળ ચલાવવું નહીં.” ગણપતિએ એ વાત આનંદથી સ્વીકારી. ગણેશ પોતે જ વિદ્યાના અધિષ્ઠાતા હતા, એટલે શ્લોકો સમજવામાં તેમને જરાય મુશ્કેલી આવે તેમ ન હતું. પણ વ્યાસ ભગવાને એવી યુક્તિ કરી કે દર એકસો શ્લોકને અંતે એક એક કૂટ શ્લોક એ ગોઠવતા ગયા, અને ગણપતિ આ કૂટ શ્લોકનો અર્થ બેસાડવા રોકાય, એટલી વારમાં વ્યાસ બીજા ત્રણસો નવા શ્લોકો વિચારી લે અને કામ આગળ ચલાવે.