સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાનાભાઈ ભટ્ટ/નવીન કેળવણી એટલે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          હું જાણું છું કે આજે દુનિયામાં લવરી ઘણી વધી પડી છે એવે વખતે માણસે જીભને ટેરવે ચડી રહ્યું હોય તે પણ ન બોલવું. છતાં જે ધંધામાં હું ઘરડો થયો છું તે ધંધાનો લૂલો-પાંગળોય અનુભવ મારા ધંધાભાઈઓને આપવાના કોડ મને કેમ ન થાય? આપણે હમણાં હમણાં નવીન કેળવણી અને કેળવણીની નવીન દૃષ્ટિની વાતો કરીએ છીએ, અને છાત્રાલયના ગૃહપતિમાં આ નવીન દૃષ્ટિ આવે એવી અપેક્ષા પણ રાખીએ છીએ. આપણે આ નવીન કેળવણીનાં લક્ષણો તપાસીએ. નવીન કેળવણીનું એક લક્ષણ એ છે કે તે વિદ્યાર્થી-પ્રધાન છે. આપણી ઘણી શાળાઓ હજી આજે વિષય-પ્રધાન છે. આપણી શાળાઓમાં પરંપરાથી ચાલ્યા આવતા વિષયો વિદ્યાર્થીને રુચે ન રુચે તોપણ ભણવા જ પડે છે, અને તે તે વિષયોના સારા અભ્યાસી ગ્રેજ્યુએટોને આપણે શિક્ષકો તરીકે પસંદ કરીએ છીએ. શાળાના વિષયો વિદ્યાર્થી માટે છે — પણ વિદ્યાર્થી વિષયો માટે નથી, એ વસ્તુ આપણા લક્ષમાં હોત, તો તો આજે આપણે વિષયના જાણકારને શોધીએ છીએ તેમ વિદ્યાર્થીના જાણકારને શોધતા હોત. નવીનચંદ્રને સંસ્કૃત શીખવવું હોય, તો શિક્ષકને જેમ સંસ્કૃતનું જ્ઞાન જોઈએ તેમ જ નવીનચંદ્રનું પણ જ્ઞાન જોઈએ. પણ આપણી નજર પર આ વાત નથી. આપણી શાળાઓની માફક જ આપણાં છાત્રાલયો પણ વિષય-પ્રધાન છે, વિદ્યાર્થી-પ્રધાન નથી. આપણા ગૃહપતિઓની લાયકાતમાં વિદ્યાર્થીને ઓળખવાની શક્તિનો સમાસ ક્યાં છે? છાત્રાલયનો કોઠાર ચલાવી દઈએ, વિદ્યાર્થીઓને ઘરના પાઠો ફક્કડ કરાવી દઈએ, ને સેક્રેટરીને રાજી રાખી શકીએ, તો પછી વિદ્યાર્થીને ઓળખીએ છીએ કે નથી ઓળખતા એ કોણ જુએ છે? આપણાં છાત્રાલયોમાં કેન્દ્રસ્થાને આપણે ગૃહપતિઓ, કેન્દ્રસ્થાને સેક્રેટરી, કેન્દ્રસ્થાને રસોયો, કેન્દ્રસ્થાને ધર્મશિક્ષણ, કેન્દ્રસ્થાને સમયપત્રાક, કેન્દ્રસ્થાને વાર્ષિક મેળાવડો, કેન્દ્રસ્થાને આપણી શિસ્ત — નહિ કેન્દ્રસ્થાને વિદ્યાર્થી. છાત્રાલયનું ખુદ અસ્તિત્વ વિદ્યાર્થીઓની કેળવણી માટે છે. જો તેને માટે તે ઊભું થાય છે, તો તેને જ કાં આપણે હડસેલી પાડીએ? છાત્રાલયના આખા વિચારમાં અને વ્યવહારમાં વિદ્યાર્થીને કેન્દ્રસ્થાન પર મૂકવો જોઈએ, અને આપણે બધાએ એની આસપાસ ગોઠવાઈ જવું જોઈએ. આથી કોઈ એમ માની ન લે કે છાત્રાલયમાં વિદ્યાર્થી કરે તે જ થાય, અને વિદ્યાર્થીઓ જ છાત્રાલયમાં માતેલા થઈને ફરે. વિદ્યાર્થી કેન્દ્રસ્થાને એટલે આપણે તેનો અને તેના માનસનો વિચાર પહેલાં કરવો. આપણે ગૃહપતિઓ છાત્રાલયમાં જે જે કરીએ કે વિચારીએ તે ખુદ વિદ્યાર્થી ઉપર શું પરિણામ લાવશે, વિદ્યાર્થીના અંતરને સારી વસ્તુ તરફ કેટલું અભિમુખ કરશે, તેની શક્તિમાં કેટલો વધારો કરશે, તેના જીવનમાં કેટલું જડાઈ જશે, વગેરેનો વિચાર કરીને કરીએ તો બસ છે. આજે તો આપણને સારું લાગ્યું માટે વિદ્યાર્થીને સારું લાગવું જ જોઈએ એમ માનીને આપણે ચાલીએ છીએ, અને વિદ્યાર્થીનો વિચાર સરખો કરતા નથી. આથી ખરી રીતે આજે વિદ્યાર્થી શાળામાં કે છાત્રાલયમાં કેળવણી મેળવે છે તેના કરતાં બહારથી વધારે મેળવે છે, અને શાળા-છાત્રાલયોમાંથી છૂટીને હાશ કરે છે. આની સાથે ગાઢ સંબંધ ધરાવતું નવીન કેળવણીનું બીજું લક્ષણ એ છે કે તેમાં વિદ્યાર્થીના વ્યક્તિત્વનો આદર હોય છે. વિદ્યાર્થી એક મીણનું પૂતળું કે કોરો કાગળ નથી, અથવા તો જેમ વાળવા ધારીએ તેમ વાળી શકાય એવો પાતળો છોડ નથી. એ એક સ્વતંત્ર આત્મા છે, વ્યક્તિ છે, જીવતું પ્રાણી છે અને તેને પોતાના વિકાસના ખાસ નિયમો છે. દરેક વિદ્યાર્થી અનંત શક્તિઓને લઈને અવતરે છે અને પોતાની અમુક ચોક્કસ રીતે આગળ વધે છે. વિદ્યાર્થીના આ વ્યક્તિત્વનો વિચાર આપણી શાળાઓમાં તેમજ છાત્રાલયોમાં ક્યાં છે? આપણાં છાત્રાલયો તો સિપાઈઓની બરાકો છે. એક જ સમયપત્રાક, એક જ પોશાક, એક જ શિસ્ત, એક જ તાલીમ — બધાને માટે એક જ જાતની લશ્કરી ગોઠવણ! જુદાં જુદાં વ્યક્તિત્વવાળા વિદ્યાર્થીઓને આપણી શાળાઓ એક જ બીબાંમાં ઉતારે છે, તેમ છાત્રાલયો પણ ઉતારવા મથે છે. આથી વ્યક્તિત્વનો હ્રાસ થાય છે. માણસમાં જે કાંઈ માણસાઈ કે જોમ છે, એ તો આ વ્યક્તિત્વનું છે. વિદ્યાર્થીઓના વ્યક્તિત્વને કચરી નાખી ફિક્કા પોચા નામર્દોને ઉત્પન્ન કરવા, તેના કરતાં શાળા-છાત્રાલયો બંધ કરીને ગમે તેવા જંગલી પણ વ્યક્તિત્વની છાપવાળા મર્દોને ઊભા થવા દેવા, એ યોગ્ય નથી?