સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નારાયણ દેસાઈ/અગ્નિવીણા
કાઝી નસરૂલ ઇસ્લામના પ્રસિદ્ધ કાવ્યગ્રંથનું નામ છે ‘અગ્નિવીણા’. સ્વામી આનંદની પ્રતિભામાં પાવકની પાવનકારી શક્તિ અને વીણાના માધુર્યનું મિલન હતું.. તેમના વ્યક્તિત્વમાં એક તરફ તિલક-ગાંધીની સત્યનિષ્ઠા અને બીજી તરફ સૂર— તુલસી અને રામકૃષ્ણની ભક્તિના સંસ્કાર સમન્વિત હતા. ‘અંત્યજ’ કે આદિવાસી પ્રત્યે થતો અન્યાય, બનાવટી સાધુઓનો દંભ, સંકુચિત પ્રાંતવાદ, અંગ્રેજોનો સામ્રાજ્યવાદ, સ્વરાજ પછીના ઘઉંવર્ણા સાહેબોના ડોળદમામ અને ભ્રષ્ટાચાર, રચનાત્મક કાર્યકર્તાઓની જડતા-નિક્રિયતા કે રાજ્યાશ્રિતતા, અણુબોંબ કે જંતુયુદ્ધની ભીષણતા, સભ્યતા અને પ્રગતિને નામે પ્રકૃતિ પર ગુજારાતો અત્યાચાર — આ તમામ બાબતો સ્વામીની અસિધારાના વારના વિષયો હતા. એક સૈકામાં અગિયાર ઓછા વરસના એમના દીર્ઘ જીવનના વરસે વરસના ત્રણસોને પાંસઠ દિવસમાં ભાગ્યે જ કોઈ એવો દિવસ ગયો હશે કે જ્યારે સ્વામીના અગ્નિના તણખા નહીં ઝર્યા હોય. આ અગ્નિશિખા જ એમના કર્મયોગની પથપ્રદર્શિકા હતી. અન્યાય સામે નિરંતર ઝૂઝવાનો એમનો તરવરાટ જ એ સંન્યાસી જીવને સંસારના રણ-આંગણમાં ખેંચી જતો; એ જ એમને તિલક મહારાજ કે ગાંધીજીને ચરણે બેસાડતો; થાણા કે સુરત જિલ્લાના વાર્લી, કુંકણા, દૂબળા કે ઢોડિયાઓની ઝૂંપડીઓ સુધી રખડાવતો. બીજી બાજુ એમનું માધુર્ય, વાત્સલ્ય કે કરુણાના ધોધરૂપે સદા ધસમસતું રહ્યું છે. દશ વર્ષની વયે ભગવાનનાં દર્શનના લોભે ઘર છોડી નીકળી પડેલા, તે રખડુ સાધુઓની સંગતમાં ચેલાઓ ઉપર થતી જોહુકમી અને જુલમ જોઈ કે ભીખ માંગવામાં ઉપયોગી નીવડે એટલા સારુ કુમળાં બાળકોની આંખો ખુદ માતા-પિતાને જ જાતે ફોડી નાખતાં જોઈને એમનું હૈયું દ્રવી ઊઠેલું. તેમાંથી રામકૃષ્ણ પરમહંસના કોઈ શિષ્યની આંગળી પકડી ઊગરી નીકળવા છતાં એ દૃશ્યની કરુણતા આખી જિંદગી સુધી ભૂલી ન શક્યા. રામકૃષ્ણાશ્રમમાં ભજનોનો જે નાદ લાગ્યો તે છેવટ સુધી એમના હૈયાને તરબોળ કરતો રહ્યો. વિનોબા, મશરૂવાળા, મહાદેવ કે નરહરિની હરોળમાં જે સહેજે બેસી શકે એમ હતા, આખા દેશને નવું જીવન આપનાર ‘નવજીવન’ના અંકો તૈયાર કરવામાં જેમનું સ્થાન ગાંધીજી પછી બીજે નંબરે આવે એમ હતું, જેમણે ગોસેવા સંઘનું મંત્રીપદ શોભાવેલું અને કસ્તૂરબા ટ્રસ્ટનો પાયો નાખેલો, બિહારના ભૂકંપ વખતે જેમણે ગુજરાતની રાહત ટુકડીની આગેવાની કરેલી, સરદાર પટેલના મિત્ર અને મંત્રી તરીકે જેમણે એકથી વધુ વાર કામ કરેલું, ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે જેમણે નિરાશ્રિતોની સેવા ઘરના માણસની જેમ કરેલી, ખેર સાહેબ, વૈકુંઠભાઈ મહેતા, યશવંતરાવ ચવ્હાણ જેવા પ્રધાનો જેમની પાસે આદરપૂર્વક સલાહ માગતા, તેમને આજે લોકો આટલું ઓછું કેમ જાણે છે? સ્વામી અવિખ્યાત રહ્યા તેનું સાચું કારણ એ છે કે સંસારી વસ્ત્રોમાં હોવા છતાં તેઓ આજન્મ સંન્યાસી જ હતા. પોતાના સહજ સંન્યાસમાં એમણે પોતાની નામનાને ડુબાડી દીધી હતી. તેથી જ ગાંધીજીના આંદોલનના વાજતા અને ગાજતા દિવસોમાં પણ સ્વામી તમને મંચ પર બિરાજેલા ન દેખાત. એ તો હોય કોઈ ટ્રેડલ પ્રેસ ચલાવતા, બીબાં ગોઠવતા, પ્રૂફ જોતા, કોષો ઊથલાવતા કે ચોક્કસ ઉદ્ધરણોનાં મૂળ શોધતા. એમની મિજબાની તો ચાલતી હોય ઘોડાગાડીમાં બેસીને ચણા ફાકવામાં કે બિહારનાં ગામડાંઓમાં રખડતાં પ્રેમથી સત્તૂ આરોગવામાં.
[‘ભૂમિપુત્ર’ પખવાડિક : ૧૯૭૬]