સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નિર્મળા દેશપાંડે/વિચાર ગળે ઊતરે તો જ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          ૧૯૫૩ની વાત છે. બિહારના હજારીબાગ જિલ્લામાં ભૂદાનયાત્રા ચાલતી હતી. હજારીબાગ શહેરમાં પગ મૂકતાંની સાથે કેટલાક સજ્જનોએ આવીને વિનોબાને ખબર આપ્યા : “બિહાર સરકારના ગોવધબંધીના કાયદામાં ગાયની સાથે બળદની હત્યા પર પણ પ્રતિબંધ મુકાય તે માટે વીરજી નામના એક ભાઈ આમરણ ઉપવાસ પર ઊતર્યા છે; આજે ઉપવાસનો આઠમો દિવસ છે. વીરજીની હાલત અત્યંત ચિંતાજનક છે. તમે એમને સમજાવીને ઉપવાસ છોડાવો.” વિનોબા તરત સંમત થયા. વીરજીના ઘર તરફ પ્રયાણ કરતાં મહાદેવીને કહ્યું, “થોડાં સંતરાં સાથે લઈ લે.” મૃત્યુને દરવાજે પહોંચી ચૂકેલા વીરજી વિનોબાને પ્રણામ કરીને બોલ્યા, “સારું થયું આપનાં દર્શન થયાં તે, હવે હું સુખેથી મરી શકીશ.” જરા હસીને વિનોબા બોલ્યા : “મરવાની કશી જરૂર નથી. તમારા આમરણ ઉપવાસ સત્યાગ્રહ નથી, પણ દુરાગ્રહ છે; એવો મારો અભિપ્રાય છે. એ વાત તમારે ગળે ઉતારવા જ હું આવ્યો છું. દેશ સ્વતંત્રા થયો છે, લોકશાહી પદ્ધતિથી દેશનો કારભાર ચાલે છે. જનતા પાસે જઈ, પોતાના મતનો પ્રચાર કરી, જનમતને પોતાની તરફેણમાં કરવાની તમને સ્વતંત્રતા છે, તેનો ઉપયોગ કરવાનું પડતું મેલીને તમે ઉપવાસ શા માટે આદર્યા છે? લોકોને તમારો વિચાર સમજાવો. પછી પ્રજા તે મુજબ સરકાર પાસે કાયદો કરાવશે. ઉપવાસ એ સત્યાગ્રહમાં આખરી ઉપાય છે. બીજાં બધાં શસ્ત્રા નિષ્ફળ ગયા પછી જ તેને અડવાનું હોય. સત્યાગ્રહ એટલે ધાકધમકી નથી. સત્યાગ્રહ એટલે તો પ્રેમ-પ્રકાશ. આજની હાલતમાં તમારા આ ઉપવાસ બધી રીતે અયોગ્ય છે. માટે તે છોડી દો.” વાતાવરણ ક્યાંય સુધી સ્તબ્ધ રહ્યું. પછી વીરજીએ પોતાની બાજુ માંડી. વિનોબાએ સત્યાગ્રહના શસ્ત્રાનું વિવેચન કરીને ફરીથી પોતાનો વિચાર વીરજીને ગળે ઉતારવા પ્રયત્ન કર્યો. છેવટે વીરજીએ કહ્યું, “તમારી આજ્ઞા હશે તો હું ઉપવાસ છોડીશ.” આ સાંભળીને લાગલા જ વિનોબા બોલ્યા : “તો તો ધરાર ના છોડશો. હું તો કોઈનેય આજ્ઞા કરતો નથી, અને કોઈની આજ્ઞા માગતો પણ નથી. હું તમને ફક્ત એક વિચાર સમજાવું છું. એ વિચાર તમારે ગળે ઊતરે તો જ ઉપવાસ છોડજો, ગળે ન ઊતરે તો ન છોડશો. એમ કરતાં પ્રેમપૂર્વક મૃત્યુને આધીન થજો. તમારો આ ઉપવાસ એટલે સરકાર સામે તાકેલી પિસ્તોલ છે. એ શુદ્ધ સત્યાગ્રહ નથી, એવો મારો સ્પષ્ટ અભિપ્રાય છે.” વીરજી ફરીફરીને કહેતા રહ્યા કે, “તમે આજ્ઞા આપો. તમારા જેવા મહાન સંતના શબ્દ ખાતર હું ઉપવાસ છોડીશ. બાકી તમારો વિચાર મારે ગળે ઊતર્યો નથી... તમે આજ્ઞા આપો.” મોતની સાથે બાથે ચડેલા આ હાડપિંજરને જોઈને ત્યાં ઉભેલા પ્રતિષ્ઠિત સજ્જનો વિનોબાને આજીજી કરવા લાગ્યા, “આપો, આપો, આજ્ઞા આપો ને તેનો પ્રાણ બચાવો.” વીરજી તરફ જોતાં વિનોબા બોલ્યા, “હું તમારા આ ખોળિયાને બચાવવા આવ્યો નથી. તમારા શું કે કોઈના શું, ખોળિયાની મને મુદ્દલ ચિંતા નથી. આ ખોળિયું આજે નહીં તો કાલે પડવાનું જ છે. તમને જે વિચાર યોગ્ય લાગે તેને ખાતર મરવું, એ તમારું કર્તવ્ય છે. હું તો તમને ફક્ત વિચાર જ સમજાવું છું કે આ તમારો ઉપવાસ એ સત્યાગ્રહ નથી. એ વિચાર ગળે ઊતરે તો જ ઉપવાસ છોડજો.” વાતાવરણ ગંભીર થતું જતું હતું. “આજે આખો દિવસ હું ગામમાં જ છું, આવતી કાલે સવારે અહીંથી નીકળીશ. માટે દિવસભર વિચાર કરી જુઓ. વિચારને અંતે તમને મારું કહેવું બરાબર લાગે તો મને ખબર આપજો. હું ખુશીથી પાછો આવીશ અને મારા હાથે સંતરાંનો રસ પાઈને પારણાં કરાવીશ. પણ મારો વિચાર ગળે ન ઊતરે તો આપણા છેલ્લા જુહાર. સતત પરમેશ્વરનું સ્મરણ કરતા રહેજો.” સાંજ પડી. વીરજીને ઘેરથી સંદેશો લઈને કોઈક આવ્યું. પોતાના પડાવ પરથી વિનોબા પાછા વીરજીને મળવા નીકળી પડ્યા. “દિવસ આખો વિચાર કરતો રહ્યો છું. તમારી વાત મને ઠીક લાગે છે.” દુર્બળ અવાજે વીરજીએ કહ્યું. હસીને વિનોબા બોલ્યા, “પૂરો વિચાર કરીને નિર્ણય કરજો. શરીરને બચાવવા ખાતર નહીં, પણ આ ઉપવાસ અયોગ્ય છે એવું સમજાય તો જ ઉપવાસ છોડવાનો નિર્ણય કરજો.” વીરજીને વિચાર બરાબર સમજાયો છે તેની ખાતરી કર્યા પછી સંતરાંના રસનો પ્યાલો તેના હાથમાં આપી વિનોબા ‘વેદ’ના મંત્રો ઉચ્ચારવા લાગ્યા. [‘ભૂમિપુત્રા’ દશવારિક : ૧૯૫૭]