સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પુરુષોત્તમ ગ. માવળંકર/વાચનની વૃત્તિ કેળવવી પડે છે
માણસમાં વિચાર કરવાની ક્ષમતા છે; પણ તેથી કાંઈ દરેક માણસ વિચાર કરે જ છે એવું નથી. વિચાર કરવામાં વાચન સહાયક નીવડે છે. પણ વિચારશીલ માણસ માટે વાચન અનિવાર્ય જ છે, એવું યે નથી. અનેક સ્ત્રી-પુરુષો વાંચી નથી શકતાં, છતાં તેઓ વિચારી તો શકે જ છે. તેમ છતાં અંતઃપ્રેરણાથી વિચાર કરનારાં એવાં ઓછાં જ રહેવાનાં. વાચનથી આપણને અનેક વિચારબિંદુઓ મળે છે, આપણી માહિતી વધે છે; જીવન વિશેની આપણી સમજણને વાચન વધારે છે. જીવનની વિવિધ સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાય છે, એ વિશેનું અનુભવામૃત આપણે વાચન દ્વારા પામીએ છીએ. જેમ આંખો છે એટલે જોવા જેવું સારું બધું જોવાય જ છે, એવું નથી; તેમ વાંચતાં આવડે છે તેથી વાંચવું જોઈતું સઘળું વંચાય જ છે, એવું નથી. અનેક માણસો આખી જિંદગી ભાગ્યે જ કશુંક નક્કર ને નોંધપાત્રા વાચન કરતા હોય છે. વાચનની વૃત્તિ એ દરેક માણસની કુદરતી પ્રક્રિયા નથી; એને કેળવવી પડે છે. આ બાબત અભ્યાસની છે, પ્રયત્નપૂર્વક કરતા રહેવાના વ્યવહારની છે. વાચનની ટેવ નાનપણથી પડવી જોઈએ, મા-બાપોએ અને શિક્ષકોએ તે પાડવી જોઈએ. અઢળક વાચનસામગ્રી નજર સામે આવે ત્યારે જે કાંઈ જોયું તે બધું વાંચ્યું — એવું નહીં ચાલે. વિસ્તૃત સામગ્રીમાંથી કામનું, આહ્લાદનું અને પ્રેરણાપાન માટેનું વાચન શોધી કાઢતાં આપણે શીખવાનું છે. જેમજેમ આપણું વાચન વધતું જાય તેમતેમ શુંશું અવશ્ય વાંચવા જેવું છે અને શુંશું ન વાંચવા જેવું છે તેની આપણને ખબર પડવા લાગે છે. કેવળ બહુ વાંચી નાખવાથી જ કોઈનું કલ્યાણ થયું નથી. વાચન આત્મસાત્ થાય તે પણ અગત્યનું છે. જે જે વાંચ્યું તેમાંથી કયું ગ્રહણ કરવા લાયક છે, એ નક્કી કરતાં શીખવાનું છે. થોડા સમયમાં વધુ વાંચી લેવાની ટેવ ધીરેધીરે અને કષ્ટપૂર્વક પણ પાડવી જોઈએ. ઝડપથી વાંચવું એટલે ગબડાવવું, એમ નહીં! નજર સડસડાટ ફેરવતાં આવડવું જોઈએ, તેમ તેને યોગ્ય મુદ્દા પર રોકતાં પણ આવડવું જોઈએ. વાંચતાં વાંચતાં કયું તરત ભૂલી જવા જેવું છે એની પણ સૂઝ કેળવવાની છે. સરસ પુસ્તકો વસાવતાં રહેવું અને વાંચતાં રહેવું, એ દરેક સંસ્કારી સ્ત્રી— પુરુષનો આજીવન છંદ બની રહો!