સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/બળતા દવમાંથી બચવા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રવિશંકર મહારાજ : અહીં કોઈ દારૂ પીએ ખરું? આદિવાસી : ના, મા’રાજ; હવે તો કોઈ નથી પીતું. મહારાજ : ત્યારે તો સરકારે દારૂ ખૂંચવી લીધો એ સારું થયું, ખરું ને? આદિવાસી : બહુ હારું કર્યું. એક વૃદ્ધ આદિવાસી (વચ્ચે) : મારે માટે તો બહુ ખોટું થયું, બાપજી! આ દારૂ હતો ત્યારે વરશેદા’ડે પરૂણા પઈતા પચા રૂપિયા થતા’તા, અને આ શાલ એકલા ચામાં હોળ મણ ગોળ થયો. મહારાજ : સોળ મણ ગોળ થયા પછી પણ પીઓ છો કે? આદિવાસી : ના, મા’રાજ; હવે તો થાચ્યો. મહારાજ : મહેમાન આવે તો? આદિવાસી : પરૂણાને તો પાવો જ પડે તો! મહારાજ : પાતાં વધે તો શું કરો? આદિવાસી : વધે તો પી લઈએ; કંઈ ઢોળી દેવાય, મા’રાજ? મહારાજ : સાંભળો; ઘરમાં કોઈ માંદું પડ્યું હોય તો દાક્તરને ત્યાંથી દવા લાવીએ છીએ અને તેને પાઈએ છીએ, એ દવા વધે તો આપણે પીએ છીએ? આદિવાસી : ના, હાજો માણહ હું કામ પીએ? મહારાજ : તેમ, ઘેર કોઈ મહેમાન આવે તે ચા પીતો હોય તો માંદો છે એમ સમજીને તેને પાવો; પણ આપણે ન પીવો. (સભા સામે જોઈ) આ ચા પીવાથી બુદ્ધિ, શક્તિ કાંઈ વધતાં હશે ખરાં? આદિવાસી : ના, ના; વધે શાનાં? ઘટે સે. મહારાજ : તમારા બાપદાદા ચા પીતા હતા? આદિવાસી : ન’તા પીતા. મહારાજ : એ તમારા જેટલું કામ કરતા હશે કે ઓછું? આદિવાસી : અમારા કરતાં બમણુંતમણું; ઈમનાં શરીર પણ અમારાં કરતાં હારાં. મહારાજ : તમે કહો છો ચા પીવાથી બુદ્ધિ નથી વધતી, શક્તિ નથી વધતી, ને કામ ઓછું થાય છે; ત્યારે ચા ન પીઓ તો ન ચાલે? આદિવાસી : ચા વના તો ચાલે જ તો; રોટલા વના નાં ચાલે. એક આદિવાસી : હેં ભઈ, જુઓ; આપણા ઘૈડિયા દારૂ પીતા’તા તાણે ચ્ચાર પૈશામાં ચાલતું; આજ ચાર ‘કોપ’ના ચાર આના થાય સે. વળી ચાર મેમાંન આઈ જ્યા, તો બીજા ચાર આના. આ ચાએ તો ઘર ઘાલ્યું. ચા તો દારૂ કરતાં ય ભૂંડો. મહારાજ : આ બાજુ બીડીઓ આવી છે કે? આદિવાસી : આવી સે — પણ ઓશી. ચલમ વધારે પિવાય. મહારાજ : બીડી-ચલમ પીવાથી ભૂખ મટતી હશે? આદિવાસી : ના, ના. મહારાજ : ત્યારે કેમ પીઓ છો? જુવાન : અમારા બાપદાદા પીતા’તા એટલે અમે પીએ છીએ. મહારાજ : તમારી વાત સાચી છે. બાપ ઘરમાં મોઢામાંથી ને નાકમાંથી ધુમાડા કાઢતો હોય ત્યારે છોકરાને પીવાનું મન કેમ ન થાય? તમારાં છોકરાં પીએ એ સારું કે ન પીએ એ સારું? આદિવાસી : ન પીએ એ હારું. મહારાજ : આ છોકરાંનાં નસીબ તમારા હાથમાં છે; એટલે એમના ભલા માટે પણ તમે વ્યસન છોડો. વ્યસન એક વાર પેસી ગયાં, તો કાઢવાં મુશ્કેલ. માટે ચેતો. પાણીનો બંધ બાંધેલો હોય તેમાં જરાક સરખું જ કાણું પડ્યું હોય, પણ સમયસર એને પૂરી ન દઈએ તો એ મોટું થતું જાય છે — ને પછી બંધને તોડી નાખે છે અને બધાંને પૂરમાં ખેંચી જાય છે. વ્યસનોનું પણ એવું છે. આદિવાસી : મા’રાજ! આ ચા, બીડી, દારૂ.... બધું ખરાબ હોય તો ભગવાને પેદા શું કામ કર્યું હશે? મહારાજ : ભગવાને તો અમૃત કર્યું છે, ને ઝેર પણ કર્યું છે. પણ આપણે આપણા ભલાનું હોય તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આદિવાસી : ત્યારે, બાપજી, આ સરકારે દારૂ કાઢયો ઈમ ચા-બીડી કાઢે તો? મહારાજ : ભાઈ, વ્યસન કોઈનાં કાઢયાં જતાં નથી. એની તો એક જ દવા છે, ને તે સાચી સમજ. વ્યસન માત્ર ખરાબ છે, દુઃખદાયી છે એવું જેને ચોક્કસ જ્ઞાન થયું, અને તેના ફંદામાં ન પડવાનો જેણે મન સાથે પાકો નિશ્ચય કર્યો, તે બચી જાય છે. નદી કાંઠોકાંઠ ભરેલી હોય, પણ જેને તરતાં આવડતું હોય તેને બીક હોય કે? આદિવાસી : વાત હાવ હાચી છે. તરતાં આવડે તે ઊગરી જાય. મહારાજ : વ્યસનોનો દવ બળતો આવી રહ્યો છે. તેમાં કોઈ બચતું નથી. ભણેલાં ને અભણ, સાધુ-સંન્યાસીઓ અને દેશના નેતાઓ — બધાં એમાં ઝડપાઈ ગયાં છે. આપણે બચવું હોય તો વચ્ચે એક વીજ— ખાઈ ખોદી દ્યો; એટલે દવ આગળ વધતો અટકી જશે. તમે તમારા ને તમારાં છોકરાંના ભલા માટે ચા-બીડી-ચલમ છોડી દો. એક ડોસો : હાંભળ્યું, માલા! આ સુધારો કરવા આયા સે બાપજી. કાંક સોડો! માલો : વાત તો હાચી સે; પણ...પેલો રૂડિયો કે’તો’તો કે આ બીડી-ચલમ પીએ તો આપણને ને બળદયાંને બે ઘડી વિશરામ મળે, એટલે પીએ શીએ. મહારાજ : પણ, પૈસા ખરચીને વિશરામ લઈએ તો જ વિશરામ લીધો કહેવાય? એમનેમ બે ઘડી બેસવું હોય તો ન બેસાય? માલો : ઈમેય બેહાય તો ખરું.