સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/માતા : મહા આત્મા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મહાત્મા ગાંધી ભારતના હતા, અને છતાં આખા જગતના પણ હતા. તેમ માતા ટેરેસા દુનિયાભરનાં હતાં, છતાં ભારતનાં કંઈક વિશેષ હતાં. બંનેએ દરિદ્રનારાયણની સેવામાં જીવન સમપિર્ત કર્યું. મધર ટેરેસાનો જન્મ ગાંધીજી પછી ચાર દાયકે, ૧૯૧૦માં યુરોપમાં યુગોસ્લાવીઆ દેશમાં થયેલો. એમનાં માતાપિતા નજીકના નાનકડા દેશ આલ્બેનીઆનાં હતાં. ૧૮ વરસની ઉંમરે એમણે ખ્રિસ્તી સાધ્વી તરીકે દીક્ષા લીધી આયરલેંડ જઈને. પછી છ જ અઠવાડિયાંમાં તો એ યુવતી જહાજે ચડી-ભારત આવીને પોતાના પંથની શાળાઓમાં ભણાવવા માટે. ૧૯૨૯થી ૧૯૪૮ના લગભગ બે દાયકા સુધી કલકત્તાની સેંટ મેરી હાઈસ્કૂલમાં એ ભૂગોળનાં શિક્ષિકા રહ્યાં; થોડાં વરસ તેનાં આચાર્યા પણ બન્યાં. એમની શાળાની પડોશમાં જ કલકત્તાની એક ભયાનક ઝૂંપડપટ્ટી આવેલી હતી. એ જોઈને ગરીબો, મરીજો અને મરવા પડેલાંઓની સેવા કરવાનો સંકલ્પ મધર ટેરેસાના અંતરમાં ઊગ્યો. ઝૂંપડપટ્ટીનાં બાળકો માટેની એક નિશાળથી એમણે આરંભ કર્યો. પછી એક મફત દવાખાનું ચાલુ કર્યું. ધીમે ધીમે એમનું કામ વિસ્તરતું ગયું, અને આજે એમની સંસ્થાનાં ૧૬૦ કેન્દ્રો ભારતમાં ચાલે છે. તેમાં નિશાળો ને દવાખાનાં ઉપરાંત કુષ્ઠરોગીઓ તથા મોતને આરે પહોંચેલાં નિરાધારો માટેનાં આશ્રયસ્થાનો પણ છે. મધર ટેરેસા અને તેમની સાથેનાં સાધ્વીઓ કલકત્તાની શેરીઓમાં ફરતાં અને જીવનના છેલ્લા શ્વાસ લેતાં રસ્તા પર પડેલાં દુર્ભાગીઓને ઊંચકી ઊંચકીને લઈ જતાં ‘નિર્મળ હૃદય’ નામના પોતાના મકાનમાં; જેથી બીજું કાંઈ નહીં તો એ લોકો શાંતિ અને સ્નેહના વાતાવરણમાં પ્રાણ તો છોડી શકે. મધર કહેતાં કે સહુથી મોટો સવાલ એ ગરીબોની બેહાલી નથી, પણ એમને માટેની કરુણાનો અભાવ છે. પરંતુ ગરીબો એકલા કલકત્તામાં જ થોડા વસે છે? આખા દેશમાં, દુનિયાભરમાં એ તો ફેલાયેલાં છે. એટલે પછી એમની સેવા માટે મધર ટેરેસા દેશદેશાવરમાં ઘૂમવા લાગ્યાં. સેવા માટે પૈસાની જે જરૂર પડે, તેની ચિંતા એમને કદી કરવી પડી નથી. “તમને પૈસા ક્યાંથી મળે છે?” એવા દરેક પુછાણને એમનો એક જ જવાબ મળતો : “ભગવાન આપી રહે છે.” ખ્રિસ્તી ધર્મના વિશ્વભરના વડા પોપ ૧૯૬૪માં એક આંતરરાષ્ટ્રીય સંમેલન માટે મુંબઈ આવેલા. એ પ્રસંગે એમની સગવડ માટે ખાસ બનાવેલી મોંઘી મોટરગાડી અમેરિકન પ્રજાએ એમને ભેટ આપેલી. સંમેલન પૂરું થયે પોપે એ મહાકાય મોટરગાડી મધર ટેરેસાને અર્પણ કરી. મધરને તો એમાં બેસીને ક્યાં ફરવાનું હતું? એટલે, કુષ્ટરોગીઓ કાજે ‘શાંતિનગર’ નામનું ધામ એમને આસાનસોલમાં બાંધવું હતંુ, તેને માટે રૂ. ચ્ાાર લાખ એ ગાડીના લીલામમાંથી ભેગા કરવાનું એમણે ઠરાવ્યું. ચાર જ લાખ જોઈતા હતા, અને લીલામમાં એથી વધારે રકમ બોલાય તો એમને લેવી નહોતી. એટલે મધરે એક કરામત કરી. સો-સો રૂપિયાનાં દાન એમણે લોકો પાસેથી માગ્યાં. તેને માટે ૪,૦૦૦ પાવતી ગણીને છપાવી. જેવી ચાર હજારમી પાવતી ફાટી, તેવું એમણે વધુ દાન સ્વીકારવાનું બંધ કરી દીધું. કેટલાક લોકોએ રૂ. ચાર લાખ પૂરા ચૂકવીને એ યાદગાર ગાડી જાતે ખરીદી લેવાની તૈયારી બતાવેલી, પણ મધરે તેમને ના પાડી. એટલી મોટી રકમ ચૂકવવા જે માણસ તૈયાર થાય, તેનાં નાણાં શુદ્ધ હશે કે કેમ, તેની એમને ખાતરી નહોતી. એટલે પેલી પાવતીઓના ૪,૦૦૦ ક્રમાંકમાંથી એકને લોટરીની જેમ ચૂંટીને એ નંબર ધરાવતા રૂ. ૧૦૦ના દાતાને મોટરગાડી ભેટ આપી દીધી. પૈસાની તંગી ભલે એમને નડી નથી, પણ મધર ટેરેસાની સંસ્થાની સાધ્વીઓને નિર્દયપણાની હદ સુધીનું સાદું જીવન જીવવાનું હોય છે. પહેરેલાં કપડાં ઉપરાંત એક જ જોડ વધારાની એમની પાસે હોય છે. અને છતાં ઝૂંપડપટ્ટીવાસીઓ સમક્ષ તેઓ એવું દૃષ્ટાંત રજૂ કરે છે કે આટલાં ઓછાં કપડાં હોય છતાં આપણે સુઘડ પોષાક પહેરી શકીએ. ભલભલા રીઢા દાક્તરો પણ જેનો સ્પર્શ કરતાં કંપારી અનુભવે એવી અવદશાવાળાં દર્દીઓ સાથે એ સાધ્વીઓને નિરંતર કામ પાડવાનું હોય છે. અને રોજેરોજના એમના કામના કલાકો જોઈને તો કામદાર સંઘના આગેવાનો સાત સાત હડતાલનાં એલાન આપવા તૈયાર થઈ જાય!

*

રાષ્ટ્રપતિઓ, ધર્મગુરુઓ અને ભાતભાતના અનેક આગેવાનોએ ટેરેસા માતાને આપેલી અંજલિઓને ઝાંખી પાડી દે તેવા સાદા બોલ ભારતની એક અજાણ નારીના મુખમાંથી નીકળેલા : “મધરને મળીએ તે જે ઘડીએ એમને કોઈક રીતે મદદ કરવાનું મન આપણને થઈ જાય… આપણી અંદર જે કાંઈ શ્રેષ્ઠ રહેલું હોય, તેને તેઓ બહાર આણે છે.” મહાત્મા ગાંધીની મહાનતા કરતાંયે એમની નમ્રતા ઊંચેરી હતી. તેમ છતાં પોતાને વિશે એવું સત્યવચન ઉચ્ચારવામાં એમણે સંકોચ નહોતો અનુભવ્યો કે, “મારામાં એવી શક્તિ છે કે સામા માણસનું શ્રેષ્ઠ હું બહાર લાવી શકું છું.” મધર અને મહાત્માજી વચ્ચે બીજું એક સામ્ય હતું એમની ઈશ્વરનિષ્ઠાનું અને પ્રાર્થના માટેની એમની ઊંડી લગનીનું. ગાંધીજીના જીવનનો પેલો પ્રસંગ જાણીતો છે. એક વાર રાતે દોઢ-બે વાગ્યે એકાએક તેઓ જાગી ઊઠે છે. “મારો માલિક, લૂણનો દેનારો, શ્વાસોચ્છ્વાસનો સ્વામી-તેને મેં આજે યાદ ન કર્યો! ને પ્રાર્થના કર્યા વિના સૂઈ ગયો!” એનું બયાન આપતાં પોતે લખે છે : “મારું આખું શરીર ધ્રૂજવા લાગ્યું. પરસેવે હું રેબઝેબ થઈ ગયો.” મધર ટેરેસા કહેતાં કે રોજ સવારે ઓછામાં ઓછો અરધો કલાક અને રાતે એક કલાક પ્રાર્થનામાં ગાળવો જોઈએ. “કામ કરતાં કરતાં પણ આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. કામ પ્રાર્થનાને રોકતું નથી, અને પ્રાર્થના કોઈ કામને અટકાવતી નથી. આપણા ચિત્તને જરાક જ ઉન્નત કરવાનું છે : હે નાથ, હું તમને ચાહું છું, તમારામાં શ્રદ્ધા રાખું છું, તમારી જ મારે જરૂર છે અત્યારે.”

*

આરંભમાં મધર ટેરેસા સેવા કરવા આવ્યાં, ત્યારે કલકત્તાના લોકોએ એમને બિલકુલ આવકાર આપેલો નહીં. એમને ઘણી મુશ્કેલીઓ પડેલી. એક સમયે તો જુવાનિયાની ટોળકીઓ ધમકીઓ આપતી, ભાંગફોડ કરતી ફરતી રહેતી હતી. બધી સાધ્વીઓ ભયથી ફફડી ઊઠેલી. અંતે એક દિવસ મધરથી રહેવાયું નહીં : “તમારે આમ જ કરવું હોય, તો ચાલો, મને મારી જ નાખો! હું સીધી સ્વર્ગમાં પહોંચી જઈશ.” ત્યાર બાદ એ યાતના અટકી. ટેરેસા માતા કહેતાં : “મને ઘણી વાર વિચાર આવે છે કે નિર્દોષ લોકો જો આટલું બધું સહન ન કરતા હોત, તો આ જગતનું શું થાત? બધો વખત તેઓ જ પ્રભુ પાસે માનવજાતનું ઉપરાણું લેતા ખડા હોય છે-વેદનાનો સ્વીકાર કરી લઈને.” [‘સ્ટેટ્સમન’ દૈનિક]