સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/રવીન્દ્ર-જીવન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૮૬૧ : મે ૮ (તા. ૭ની મધરાત પછી અઢી વાગ્યે) કલકત્તામાં જન્મ. પિતા મહષિર્ દેવેન્દ્રનાથ, માતાશારદા દેવીનું ૧૪મું સંતાન. ૧૮૬૭ : અભ્યાસ શરૂ. ૧૮૬૮ : ૭ વર્ષની વયે જોડકણાં બનાવતા થયા. ૧૮૭૩ : નાટક ‘પૃથ્વીરાજ પરાજય’; પિતા સાથે ઉત્તર ભારતનો પ્રવાસ. ૧૮૭૪ : ‘તત્ત્વબોધિની’ પત્રિકામાં પ્રથમ કવિતા પ્રકાશિત ‘એક વિદ્યાર્થી’ને નામે. શાળા છોડી દીધી, ખાનગી શિક્ષકો દ્વારા વિદ્યાભ્યાસ. ૧૮૭૫ : માતાનું અવસાન. ‘મેકબેથ’નું બંગાળી ભાષાંતર. ‘ભાનુસંહિ’ને નામે વૈષ્ણવ પદાવલિ જેવાં પદો રચ્યાં. ૧૮૭૭ : પોતાના નાટકમાં અભિનય. નિબંધો, સાહિત્યિક વિવેચનલેખો. મોટા ભાઈ સત્યેન્દ્રનાથ (અમદાવાદમાં જિલ્લા ન્યાયાધીશ) પાસે અંગ્રેજી સાહિત્ય ભણવા રહ્યા. ૧૮૭૮ : મોટા ભાઈ સાથે ઇંગ્લંડ; ત્યાં શાળામાં અભ્યાસ; પછી કોલેજમાં. નાટકો, કાવ્યો, પત્રધારાનું લેખન. ૧૮૮૦ : ભારત પાછા. નાટકોનું લેખન તથા અભિનય. નિબંધો ને લેખો. ૧૮૮૨ : ખ્યાતિનો આરંભ (બંકિમચંદ્ર અને રોમેશચંદ્ર દત્ત દ્વારા પ્રશંસા), વિખ્યાત કાવ્ય ‘નિર્ઝરેર સ્વપ્નભંગ’. ૧૮૮૩ : મૃણાલિનીદેવી સાથે લગ્ન. ૧૮૮૪ : માતાસમી મોટી ભાભીનું અવસાન. યુરોપી કવિઓની કવિતાના અનુવાદો. ૧૮૮૫ : નવલકથા ‘રાજષિર્’. ૧૮૮૬ : કોંગ્રેસની બીજી બેઠક (કલકત્તા) માટે ગીત. ૧૮૯૦ : ઇટલી-ફ્રાન્સ થઈને ઇંગ્લંડનો ૧૦ અઠવાડિયાંનો પ્રવાસ. પાછા આવી કુટુંબની છએક સ્થળોની જાગીરનો કારભાર પ્રથમ વાર હાથ લીધો; કુશળ સંચાલન. કોંગ્રેસની છઠ્ઠી બેઠક (કલકત્તા)માં ‘વંદેમાતરમ્’ ગાયું. ભત્રીજા સુધીન્દ્રનાથ સાથે મળી આરંભેલા ‘સાધના’ માસિકમાં અરધાંથી વધુ લખાણો. યુરોપયાત્રાની ડાયરી શરૂ. ૧૮૯૨ : ‘ચિત્રાંગદા’ (કાવ્ય-નાટક). જાગીરદારી અંગે ઉત્તર બંગાળ-ઓરિસ્સાના આંટાફેરા. ૧૮૯૩ : ૩૬૨ ગીતોનો સંગ્રહ પ્રગટ. ૧૮૯૪ : ટૂંકી વાર્તાનો સંગ્રહ. શિક્ષણમાં વિશેષ રસ. ‘કાબુલીવાલા’ વાર્તા. બંગીય સાહિત્ય પરિષદના સ્થાપક ઉપપ્રમુખ. ૧૮૯૫ : ‘સ્વદેશી વસ્તુભંડાર’ની સ્થાપના. ૧૮૯૬ : કોંગ્રેસની ૧૨ મી બેઠક (કલકત્તા) માટે ‘અયી ભુવન મનમોહિની’નું ગીત. ૧૮૯૮-૯૯ : ‘ભારતી’ સાપ્તાહિકનું સંપાદન. ૧૯૦૦ : ‘ચિરકુમાર સભા’ (કટાક્ષ-નાટક). ૧૯૦૧ : સર્વપ્રથમ બંગાળી માનસ-વિશ્લેષણીય નવલકથા ‘ચોખેર બાલી’નું સર્જન. ટાગોર કુટુંબની જાગીરદારીની વ્યવસ્થા છોડી દઈ, ૧૯૦૧માં શાંતિનિકેતન (પિતા મહષિર્ દેવેન્દ્રનાથે સ્થાપેલ) ગયા; ત્યાં ‘બોલપુર બ્રહ્મચર્યાશ્રમ’-પ્રાચીન ભારતીય પદ્ધતિની શિક્ષણપ્રથાનો આરંભ, દેશી-વિદેશી અધ્યાપકોવાળી સંસ્થાની સ્થાપના. આથિર્ક સંકડામણ-અગાઉ ભાગીદારીમાં શણનો વેપાર કરેલો તેની મોટી ખોટ, અને આ નવી સંસ્થાનું ખર્ચ વગેરેને લીધે-પોતાની લાઇબ્રેરી વેચી નાખી; પત્નીએ પોતાનાં ઘરેણાં વેચીને સાથ આપ્યો. ૧૯૦૨ : પત્નીનું અવસાન. ૧૯૦૩ : પુત્રી રેણુકાનું અવસાન. ‘નૌકાડૂબી’ (નવલકથા). ૧૯૦૪ : કવિતાના ૯ ગ્રંથોનું પ્રકાશન. ‘સ્વદેશી સમાજ’ ઉપરના વિખ્યાત નિબંધનું જાહેર સભામાં વાચન અને ભારતીય સમાજના પુનર્ગઠન અંગેનો વિગતવાર કાર્યક્રમ. શાળાના અભ્યાસનાં પુસ્તકોનું લેખન. ૧૯૦૫ : પિતાનું અવસાન. નવા સ્વદેશી આંદોલનના મુખપત્ર ‘ભાંડાર’નું સંપાદન. બંગાળના ભાગલાની કર્ઝન-નીતિ સામે રાષ્ટ્રવ્યાપી ‘સ્વદેશી આંદોલન’માં મુખ્ય હિસ્સો. ૧૯૦૬ : બંગીય સાહિત્ય સંમેલનના પ્રમુખપદે; રાજકારણી ઝઘડા અને સંકુચિતતાથી ત્રાસીને તેમાંથી નિવૃત્ત. ૧૯૦૮ : ‘ગોરા’ નવલકથાનો આરંભ. ‘પ્રાયશ્ચિત્ત’ નાટકમાં સત્યાગ્રહનું તત્ત્વજ્ઞાન. ‘ગીતાંજલિ’નાં ગીતોનું સર્જન. ૧૯૧૧ : ૫૦મી વર્ષગાંઠનો ઉત્સવ. ‘જીવન-સ્મૃતિ’નું પ્રકાશન. ‘અચલાયતન’ નાટક-જડ રૂઢિચુસ્તતા સામે પ્રહાર, તેથી બંગાળભરમાં ઊહાપોહ. ‘ડાકઘર’ નાટક. ‘જનગણમન અધિનાયક’ કોંગ્રેસની ૨૬મી બેઠક (કલકત્તા) માટે લખ્યું. ૧૯૧૨ : યુરોપની ત્રીજી યાત્રા : પોતાનાં બંગાળી ગીતો-કાવ્યોનો જાતે અંગ્રેજી અનુવાદ કર્યો. ઇંગ્લંડમાં વિખ્યાત કલાકાર વિલિયમ રોધેનસ્ટાઇન દ્વારા કવિના અંગ્રેજી અનુવાદો કવિ યિટ્સ વગેરેને પહોંચ્યા; અંગ્રેજ કવિઓ સમક્ષ એ કાવ્યોનું વાચન યિટ્સે કર્યું. દીનબંધુ એન્ડ્રુઝ સાથે પ્રથમ મુલાકાત. કવિનાં ‘રાજા’, ‘ડાકઘર’ નાટકોના અંગ્રેજી અનુવાદો થયા. અમેરિકાની પ્રથમ યાત્રા. દરમિયાન ઇન્ડિયન સોસાયટી ઓફ લંડન તરફથી ‘ગીતાંજલિ’નું અંગ્રેજી ભાષાંતર પ્રગટ : જબ્બર આવકાર. અમેરિકા પ્રવાસ દરમિયાન ભારતીય સંસ્કૃતિ ઉપર વ્યાખ્યાનો. ૧૯૧૩ : અમેરિકાની હાર્વર્ડ યુનિવસિર્ટીમાં ‘સાધના’નાં વ્યાખ્યાનો; અંગ્રેજીમાં ‘ચિત્રાંગદા’ તથા ‘ચિત્રા’ પ્રગટ. નોબેલ પારિતોષિક કવિને એનાયત. ૧૯૧૪ : પ્રથમ વિશ્વયુદ્ધ; કવિનું ‘મા મા હિંસી’ (દ્વેષ ન કરીશ)નું યાદગાર વ્યાખ્યાન. ૪૬ દિવસમાં ૧૦૮ ગીતો લખ્યાં-‘ગીતાલિ’, જાતે તેના સૂર શીખવ્યા. ૧૯૧૫ : ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત (માર્ચ ૬); ગાંધીજીની પ્રેરણાથી જાતે રાંધવું, જાતે સફાઈ કરવી-ના પ્રયોગો શાંતિનિકેતનમાં. ‘ઘરે બાહિરે’ નવલકથાનો આરંભ (પૂરી ૧૯૧૬). ‘સર’નો ખિતાબ. સંગૃહિત કાવ્ય-ગીતો ૧૦ ગ્રંથમાં. ૧૯૧૬ : જાપાન-પ્રવાસ (એન્ડ્રુઝ, પીઅરસન સાથે); જાપાનની ચીન-વિરોધી શાહીવાદી નીતિની ટીકા; જાપાની અધિકારી મંડળમાં અસંતોષ-રોષ. બ્રિટિશ વસાહતોમાં ભારતીયો પ્રત્યેના અસમાન વર્તનના કારણે કેનેડાના આમંત્રણનો અસ્વીકાર. અમેરિકા-પ્રવાસ : ‘રાષ્ટ્રવાદ’ ઉપર વ્યાખ્યાનો. ૧૯૧૯ : જલિયાંવાલાના અત્યાચારોની માહિતી મળતાં જ વાઇસરોયને પત્ર લખી ‘સર’નો ખિતાબ પાછો વાળ્યો. ‘લિપિકા’નું લેખન. ‘શાંતિનિકેતન પત્રિકા’નો આરંભ, સંપાદન. ‘વિદ્યાભવન’ની સ્થાપના-પ્રાચીન ભારતીય તથા તિબેટી અને ચીની સાહિત્યના અભ્યાસનું કેન્દ્ર. નૃત્ય કેન્દ્રની સ્થાપના. ૧૯૨૧ : અમેરિકન યુનિવસિર્ટીઓ અને સંસ્કાર-સંસ્થાઓમાં વ્યાખ્યાનો; પરંતુ ‘વિશ્વભારતી’ માટે ફંડ ભેગું કરવામાં સફળતા ન મળી (કવિ બ્રિટન-વિરોધી અને જર્મનતરફી છે, એવી લાગણી ફેલાયેલી હોઈ). વિશ્વભારતીનું ઉદ્ઘાટન; શાંતિનિકેતનની તમામ મિલકત તથા નોબેલ પારિતોષિકની રકમ અને પુસ્તકોની રોયલ્ટી કવિએ ‘વિશ્વભારતી ટ્રસ્ટ’ને સુપ્રત કર્યાં. ૧૯૨૨ : ગ્રામનવનિર્માણ માટે શ્રીનિકેતનની સ્થાપના. ‘શિશુ ભોલાનાથ’નાં કાવ્યોનું સર્જન. ૧૯૨૩ : ‘વિશ્વભારતી’ ત્રૈમાસિકનો આરંભ. ૧૯૨૪ : ચીનનો પ્રવાસ. જાપાનનો પ્રવાસ; પ્રજા તરીકે પ્રેમ, છતાં તેના વિકૃત વિકાસની ટીકા. દક્ષિણ અમેરિકાનો પ્રવાસ. ૧૯૨૭ : અમદાવાદમાં સાહિત્ય પરિષદ તરફથી સન્માન. મલાયા, જાવા, બાલી, સીઆમ (થાઇલૅન્ડ)નો પ્રવાસ-‘બૃહત્ ભારત’ની યાત્રા. ૧૯૨૯ : કેનેડા, જાપાન, ચીનનો પ્રવાસ. ૧૯૩૦ : ૧૧મી વિદેશયાત્રાએ : પારિસમાં પોતાનાં ૧૨૫ ચિત્રોનું પ્રદર્શન. રશિયાનો પ્રવાસ; રશિયાની સિદ્ધિઓથી અત્યંત પ્રભાવિત. ૧૯૩૧ : કવિની ૭૦મી જયંતી; ‘ગોલ્ડન બુક ઓફ ટાગોર’નું પ્રકાશન. ૧૯૩૨ : બિહારમાં ધરતીકંપથી વિનાશ; તે સમયે, અસ્પૃશ્યતાના પાપે ધરતીકંપ થયો છે, એ પ્રકારના ગાંધીજીના નિવેદનનો વિરોધ. ૧૯૩૬ : શાંતિનિકેતનના નિભાવ માટે કવિનો પ્રવાસ; ગાંધીજીની પ્રેરણાથી તેમના એક અનુયાયી તરફથી રૂ. ૬૦,૦૦૦ની ભેટ. ૧૯૪૦ : ઓક્સફર્ડ યુનિવસિર્ટી તરફથી શાંતિનિકેતનમાં ખાસ પદવીદાન સમારંભ-કવિને પદવી આપવા સારુ. ‘બાળપણ’ (આત્મકથા). ૧૯૪૧ : ૮૦મી જન્મતિથિ પ્રસંગે ‘સંસ્કૃતિની કટોકટી’નું વ્યાખ્યાન. ૭મી ઓગસ્ટે રાતના અંતિમ શ્વાસ-કલકત્તાના બાપીકા ઘરમાં, જ્યાં ૮૦ વર્ષ અને ૩ માસ અગાઉ જન્મ લીધો હતો તે જ ઘરમાં, કવિએ દેહ ત્યજ્યો. [‘વિશ્વમાનવ’ બેમાસિક : ૧૯૬૧]