સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/રોગીને સવાલ
રક્તપિત્તનો એક રોગી રસ્તામાં બેસી હાથ લાંબો કરી ભિક્ષા માગી રહ્યો હતો. તેને બે પૈસા આપતાં એક જુવાને પૂછ્યું કે, “ભાઈ, તારું શરીર રોગથી લગભગ ખલાસ થવા આવ્યું છે, અને તારી ઇંદ્રિયોનો બરાબર ઉપયોગ કરવાની શક્તિ પણ તારામાં રહી નથી, તો પછી આટલું કષ્ટ વેઠીને જીવવાની પીડા શીદને ભોગવી રહ્યો છે?”
રોગીએ ઉત્તર આપ્યો, “આ સવાલ કદીક કદીક મારા મનને પણ સતાવે છે ને તેનો જવાબ મને જડતો નથી. પણ કદાચ હું એટલા માટે જીવી રહ્યો હોઈશ કે મને જોઈને માનવીને ખ્યાલ આવે કે તે પોતે પણ ક્યારેક મારા જેવો બની શકે છે, એટલે સુંદર દેહનું અભિમાન રાખવા જેવું નથી તે સમજે.”