સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/વેદનાનો ભાર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


એક લાખ રૂપિયાનું જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર કન્નડ સાહિત્યકાર શિવરામ કારંત પોતાની ભાષાના આગેવાન નવલકથાકાર છે એટલું જ નહીં, બીજાં અનેક ક્ષેત્રોમાં એમણે સિદ્ધિ મેળવેલી છે. જીવનના ચોથા દાયકામાં એમણે બાળકો માટેનો એક બહુખંડી જ્ઞાનકોશ બહાર પાડેલો. આગળ જતાં સામાન્ય માનવી માટેનો એક વિજ્ઞાનકોશ પણ એમણે પ્રગટ કર્યો. યક્ષજ્ઞની પ્રાચીન નૃત્ય-નાટિકાની પુન:સ્થાપના માટે તો એમણે અદ્ભુત કામ કરેલું છે, અને પગે ઘૂઘરા બાંધી સન્નિવેશ ધારણ કરી રંગમંચ પર તેઓ રજૂ થયેલા છે. પચાસેક નવલકથાઓ ઉપર જેમની કીર્તિનાં મંડાણ થયેલાં છે એવા કારંતની પહેલવહેલી મહત્ત્વની કૃતિ હતી ‘ચોમાના ડૂડી’ (૧૯૩૩), જેની ઉપરથી ચાર દાયકા બાદ ઊતરેલી ફિલ્મ ભારે પ્રશંસા પામેલી. જેને પોતાનો ગણી શકાય તેવો જમીનનો એકાદ ટુકડો મેળવવાનું સ્વપ્ન સિદ્ધ કર્યા વિના જ મરણ પામનાર એક હરિજન ગણોતિયાની એ વેદનામય કથા છે. એ લખતાં પહેલાં ગામડાંમાં ત્રણેક માસ ગાળીને કારંતે લોકોની હાલતનો અભ્યાસ કરેલો. લગભગ દર વરસે એમની એક નવી નવલકથા બહાર પડતી રહે છે, તેમાં ‘બેટ્ટાડા જીવા’ (પહાડનું સંતાન) નામની નાનકડી નવલકથા એમની ઉત્તમ કૃતિ ગણાય છે. ઘણીખરી નવલકથાઓની પશ્ચાદ્ભૂમિકા કાનડા જિલ્લાનાં મેઘછાયાં જંગલો અને હરિયાળા સાગરકાંઠાની હોય છે. જ્ઞાનપીઠ પારિતોષિક એમને મળ્યું પછી એક મુલાકાતમાં કારંતે કહેલું: “જીવનને હું જેટલું વધારે નિહાળું છું તેટલું તેના ઊડાણ તથા વૈવિધ્ય કાજેનું અને મારા પોતાના અજ્ઞાન અંગેનું વધુ ને વધુ વિસ્મય હું અનુભવું છું. જીવનમાં જે શુભ છે તે મને આનંદ આપે છે, નરસું પીડા કરાવે છે. મોટે ભાગે તો હું જીવનની વેદનાનો અનુભવ કરતો રહું છું. મારા જમાનાની અવનતિ હું નિહાળું છું ત્યારે હવે પછીની પેઢી માટેની કરુણાથી મારું હૃદય દ્રવી ઊઠે છે. ઊડી વેદનામાં હું જીવું છુ, અને મારો ભાર હળવો કરું છું સાહિત્ય વાટે.” [‘ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા’ અઠવાડિક]